બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 10 જાન્યુઆરી 2015 (16:51 IST)

આંતરરાષ્ટ્રીય હેરીટેજનો દરજ્જા પ્રાપ્ત દ્વારકા હાલત ખરાબ

વિશ્વમાં કોઇપણ સ્થળ જયારે 'હેરીટેજ'નો દરજ્જો મેળવે ત્યારે તે દેશની પહેચાન બની જતું હોય છે. ભારતના પશ્ચિમ ક્ષેત્રનાં મુખ્ય યાત્રાધામ દ્વારકાને તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા 'હેરીટેજ' સેન્ટરનો દરજ્જો મળ્યો છે. પરંતુ આ યાત્રાધામ આજની તારીખે પાયાની જરૃરીયાતો પૂરતા પ્રમાણમાં મેળવી શકયું નથી તે નરી વાસ્તવિકતા છે.

પ્રાથમિક જરૃરીયાત સમી પાણીની સમસ્યા દર ઉનાળામાં દ્વારકાવાસીઓ ભોગવે છે. અહીં મળતું પાણી મીઠું નથી અને પાણીમાં પુષ્કળ ક્ષાર હોય છે. જેથી અહીંની પ્રજામાં પથરીની સમસ્યા અન્ય જિલ્લાઓ કરતા સામાન્યતઃ વધુ જોવા મળે છે. વીજળી તો છે પરંતુ દર શુક્રવારે મોટાભાગે સવારથી રાત્રિ સુધી મોટો વિજકાપ હોય જ છે. આ સિવાય છાશવારે વિજળી ગુલ થવાની ફરિયાદ પણ આમ છે. સ્ટ્રીટ લાઇટની સુવિધા ખૂબ જ અપૂરતી છે મુખ્ય રસ્તાઓ પર અસંખ્ય જગ્યાએ તો વિજપોલ પરથી બતી જ ગુમ થઇ ગઇ છે. હોટલો તેમજ ધર્મશાળાઓની ભરમાર છે પરંતુ મધ્યમ તેમજ ગરીબ વર્ગને પર વડે તેવું આશ્રય સ્થાન શોધવું મુશ્કેલ છે. વળી ત્યાં પણ તહેવારોના સમયમાં યાત્રાળુઓ પાસેથી મનફાવે તે રીતે ચાર્જ વસુલવામાં આવે છે. મંદિરની આસપાસ અને શહેરભરમાં ઘરમાં જ ઉતારા આપતાં પ્રાઇવેટ ગેસ્ટ હાઉસ પણ તંત્રની રહેમ નજરે ચાલી રહ્યા છે જે મંદિરની સુરક્ષા માટે ખૂબ જ જોખમી છે. શિક્ષણ ક્ષેત્રે સમગ્ર દ્વારકા તાલુકામાં એક જ સરકારી કોલેજ છે જયાં કોમર્સ, આર્ટસ તેમજ એજયુકેશન વિભાગ ચાલે છે જયારે સાયન્સ કોલેજ માટે જામનગર સુધી જવું પડે છે. દ્વારકામાં ધોરણ - ૧૦ બાદ સાયન્સના વર્ગો જ ઉપલબ્ધ નથી.

જયારે મેડીકલ ક્ષેત્રે ૪૨ ગામડાઓ વચ્ચે એક માત્ર સરકારી હોસ્પિટલ આવેલ છે જેમાં પણ અથાગ પ્રયત્નો બાદ હાલમાં જ એક માત્ર સર્જન ડોકટર મળી શકયો છે. જયારે દ્વારકા તાલુકામાં નિષ્ણાંત તબીબોમાં ગાયનેકોલોજીસ્ટ, ફીઝીશ્યન, પીડીયાટ્રીશ્યન વગેરેમાંથી આખા તાલુકામાં એક પણ નિષ્ણાંત તબીબ નથી. જયારે ત્યાં પણ સ્ટાફે તેમજ આધુનિક ઉપકરણોનો અપૂરતો / અભાવ છે. જયારે સરકારી હોસ્પિટલ પણ સવારની શીફટમાં જ ચાલે છે. બપોર બાદ ઇમરજન્સી સિવાય કોઇ જ સેવા મળી શકતી નથી. સામાન્ય બિમારી સિવાય અહીંથી ૧૫૦ કિ.મી. દૂર જામનગર જવું પડે છે. આટલા લાંબા રૃટમાં જવા માટે એમ્બ્યુલન્સ પણ એકદમ સામાન્ય છે. જેથી આઇ.સી.યુ. વાન (એ.સી.)ની સુવિધા ઉપલબ્ધ નથી. જેના કારણે અનેક દર્દીઓ રસ્તામાં જ દમ તોડી દે છે. આમ મેડીકલ ક્ષેત્રે પણ આ વિસ્તાર પછાત ગણાય છે.

શહેરમાં પૂર્વ દરવાજા બહાર, હિન્દુ સ્મશાન પાસે, નગરપાલિકા પાસે તેમજ સરકારી હોસ્પીટલ સામે આવેલ શુલભ શૌચાલયો પૈકી હોસ્પિટલ સામે જ આવેલ શૌચાલય વર્ષોથી બંધ હાલતમાં છે જયારે અન્ય શૌચાલયોમાં સુવિદા અપૂરતી છે જયારે મનમરજી મુજબ ચાર્જ પણ વસૂલાતો હોવાની વ્યાપક ફરિયાદો છે.