ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

આજે અમદાવાદમાં મોદી અને મનમોહન સિંહ એક સ્ટેજ પર

સરદાર પટેલ રાષ્ટ્રીય મ્યુઝિયમના ઉદ્ઘાટન

P.R


BJPના વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અને વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહ મંગળવારે અમદાવાદમાં એક મંચ પર ઉપસ્થિત રહેવાના છે. અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ સોસાયટીના ઉપક્રમે સરદાર વલ્લભભાઈ પટેલ વિશેના ખાસ મ્યુઝિયમનું ઉદ્ઘાટન થવાનું છે, જેમાં વડા પ્રધાન ચીફ ગેસ્ટ છે જ્યારે નરેન્દ્ર મોદી સ્પેશ્યલ ગેસ્ટ છે.

કેન્દ્રીય પ્રધાન અને સોસાયટીના ચૅરમૅન દિનશા પટેલે વડા પ્રધાનની સૌજન્યતા બાબતે પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘જાહેર સભાઓમાં ભલે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી વખતો વખત વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહ સામે આક્ષેપોનો મારો કરતા હોય અને તેમની સામે શાબ્દિક મારો ચલાવતા હોય, પરંતુ અમદાવાદમાં યોજાનાર એક કાર્યક્રમ માટે વડા પ્રધાને નરેન્દ્ર મોદી માટે સૌજન્ય દાખવ્યું હતું કે ‘હું ભલે દેશનો વડા પ્રધાન ભલે રહ્યો, પરંતુ તમારે સ્ટેટના મુખ્ય પ્રધાનને બોલાવવા જોઈએ.’

તેમણે આમ કહ્યું એના બાદ થોડા દિવસો બાદ વડા પ્રધાનનો ફોન નડિયાદ આવ્યો હતો અને તેમણે મને કહ્યું કે તમે આમંત્રણ કાર્ડમાં મુખ્ય પ્રધાનનું નામ લખ્યું? તેમ કહીને વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહે કાર્ડમાં નરેન્દ્ર મોદીનું નામ છે કે નહીં તેની ખાતરી કરી હતી. ત્યાર બાદ દિલ્હી જઈને વડા પ્રધાનને કાર્ડ બતાવ્યું હતું.

દિનશા પટેલે કહ્યું હતું કે આ સ્મારકનો કુલ ખર્ચ ૨૮,૫૪,૪૭,૩૨૭ રૂપિયા થયો છે, જેમાંથી ૧૮,૧૨,૩૦,૯૯૪ રૂપિયા ચૂકવાઈ ગયા છે. સ્મારક માટે ૧૭ કરોડ રૂપિયા કેન્દ્ર સરકારે આપ્યા હતા અને આ સ્મારક ટ્રસ્ટના વાર્ષિક મેઇન્ટેનન્સ માટે ૨૪ લાખ રૂપિયા કેન્દ્રમાંથી મળશે તેવી આશા વ્યક્ત કરી હતી.

શું નરેન્દ્ર મોદી સરકારે આ સોસાયટીને આર્થિક મદદ કરી છે? તેવા સવાલના જવાબમાં દિનશા પટેલે કહ્યું હતું કે કેશુભાઈ પટેલની સરકાર વખતે દોઢ કરોડ રૂપિયાની ફાળવણી થઈ હતી, પરંતુ વર્તમાન સરકાર તરફથી કંઈ મળ્યું નથી.