શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: મંગળવાર, 31 ડિસેમ્બર 2013 (12:10 IST)

કુપોષણથી પીડાતા ૭.૨૬ લાખ બાળકો ગંભીર બીમારીમાં સબડી રહ્યા છે

વિગતવાર માહિતી

P.R
ગુજરાતમાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ દરમ્યાન અત્યાર સુધી તપાસવામાં આવેલા ૭૪ લાખ બાળકોમાંથી ૭.૨૬ લાખ એટલે કે ૧૦ ટકા બાળકોને નાના-મોટા રોગોના ચિહ્નો જણાતાં હોસ્પિટલમાં વધુ ઘનિષ્ટ તપાસ કરવાની વહીવટી તંત્રને ફરજ પડી હતી અને તેમાંથી ૪૫ બાળકોને મોટી શારીરિક બિમારી હોવાનું માલુમ પડયું છે. જેમાં એક બાળકને લીવર ટ્રાન્સ્પલાન્ટની જરૃર જણાઈ છે. આ તમામ ૪૫ બાળકોને સરકારી ખર્ચે અમદાવાદની હોસ્પિટલમાં સારવાર આપવાની વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે.

આરોગ્ય મંત્રી નીતિન પટેલે શાળા આરોગ્ય તપાસણીનો કાર્યક્રમ હજુ ચાલી રહ્યો છે એમ જણાવીને કહ્યું કે ૨૨ નવેમ્બરથી આ કાર્યક્રમ શરૃ થયો છે. જેમાં ૧.૫૬ કરોડ બાળકોને તપાસવાના થાય છે. ૨૧ ડિસેમ્બર સુધીમાં ૭૪.૯૮ લાખ બાળકોની તપાસ થઈ હતી. જેમાં ૭.૨૬ લાખ બાળકો એવા હતા કે જેઓ નાના-મોટા રોગોથી પિડાતા હોય અને આ તમામ ૭.૨૬ લાખ બાળકોની હોસ્પિટલમાં સઘન તબીબી તપાસ કરવામાં આવી હતી. જેમાં હૃદય રોગ, કીડની, કેન્સર, સાંભળવામાં તકલીફ અને લીવરની મોટી તકલીફો જણાઈ હતી.

આંખમાં તકલીફ હોય તેવા કેટલા બાળકો છે તેના જવાબમાં તેમણે આ આંકડો મોટો હોવાનું જણાવીને કહ્યું કે સતત ટીવી જોવાથી અને અન્ય કારણોસર આ બાળકોને નંબરના ચશ્માની જરૃર જણાઈ હતી જે સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી રહ્યાં છે. સવાલ એ છે કે કુલ તપાસવમાં આવેલા ૭૪ લાખ બાળકોમાંતી ૭.૨૬ લાખ બાળકોમાં વિવિધ રોગોના ચિહ્નો જણાયા તે શું કુપોષણને કારણે તો નથી ને? કેમ કે કૂપોષણને કારણે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે અને કોઈને શરદી થઈ હોય તો તરત જ નજીકની વ્યક્તિને પણ તેની અસર થઈ શકે છે. ૧.૫૬ કરોડમાંથી ૪૭.૦૮ ટકા બાળકોને જ તપાસવામાં આવ્યાં છે. ત્યારે હજુ જે બાળકોને તપાસવામાં આવી રહ્યાં છે તેમાં કેટલા બાળકોમાં વિવિધ રોગોના ચિહ્નો જણાશે અને આવા શારીરિક તકલીફ વાળા બાળકોની સંખ્યા કેટલે પહોંચશે તે પણ એક પ્રશ્ન છે. એક એવી પણ શક્યતા છે કે જંકફૂડને કારણે શાળાના બાળકોમાં બિમારીનું પ્રમાણ રહેતું હશે.

શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ હેઠળ ૪૫ બાળકોને મોટી શારીરિક તકલીફ હોવાનું તબીબી તપાસમાં નિદાન થયું છે. ક્યા બાળકોને ક્યો રોગ જણાયો તે આ મુજબ છે.

રોગ બાળકોની સંખ્યા
હૃદયરોગ ૨૬
કીડની ૦૮
કેન્સર ૦૮
સાંભળવામાં તકલીફ ૦૨
લીવર ટ્રાન્સ્પલાન્ટ ૦૧
કુલ ૪૫

ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા એક એવું સોફ્ટવેર તૈયાર કરવામાં આવી રહ્યું છે જેમાં ધો. ૫થી લઈને ધો. ૧૨ સુધી પહોંચનાર પ્રત્યેક વિદ્યાર્થીનો પ્રત્યેક વર્ષની આરોગ્ય તપાસણીનો ડેટા હશે અને જે વિદ્યાર્થીને મોટો રોગ માલુમ પડે તેવા ટ્રીટમેન્ટની જરૃરીયાતવાળા બાળકોનો અલગથી રેકર્ડ રખાશે. આરોગ્ય વિભાગ દ્વારા ધો. ૧૨ સુધી પહોંચનાર પ્રત્યેક બાળકની તંદુરસ્તી પર નજર રાખવામાં આવશે.
આ સોફવેરમાં એવી પણ વ્યવસ્થા હશે કે ક્યા વિસ્તારનાં બાળકોમાં ક્યો રોગ વધારે જોવા મળે છે અને તેના કારણો શું છે.