શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: મંગળવાર, 10 સપ્ટેમ્બર 2013 (11:55 IST)

ગણેશોત્સવના દિવસે મોદીએ ગુજરાતના 23 નવા તાલુકાઓની ઐતિહાસિક જાહેરાત કરી

P.R
મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદીએ વહીવટીતંત્રના લોકાભિમુખ વિકેન્‍દ્રીકરણની પહેલરૂપે આજે ગણેશચતુર્થીના પાવન પર્વે ગુજરાતમાં નવા ર૩ તાલુકાઓની રચનાની ઐતિહાસિક જાહેરાત કરી હતી.

રાજ્ય સરકારના પ્રવકતા નાણા મંત્રી નીતિન પટેલ અને ઊર્જા મંત્રી સૌરભ પટેલે ગુજરાતની જનતાને નવા ર૩ તાલુકાની રચનારૂપે ગણેશચતુર્થીની અનોખી ભેટ આપનારા નરેન્‍દ્ર મોદીની આ જાહેરાતની વિશેષતાની ભૂમિકા આપી હતી. મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલે કેબીનેટ સબકમિટીની ભલામણોના આધારે સૂચિત ર૩ તાલુકાઓની રચના કરવાની વિગતવાર દરખાસ્‍તો રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રજૂ કરી હતી જેનો સ્‍વીકાર કરવામાં આવ્‍યો છે.


પ્રવકતા મંત્રીઓએ જણાવ્‍યું કે, ૬૭મા આઝાદી દિવસના રાષ્‍ટ્રીય પર્વથી ગુજરાતમાં એકી સાથે સાત નવા જિલ્લાનો પ્રારંભ મુખ્‍યમંત્રી મોદીએ કરાવ્‍યો હતો. નવા જિલ્લાઓની રચના અને ગામો, તાલુકાના સમાવેશમાં લોકલાગણી, લોકહિત, વહીવટી સુગમતા, ભૂ-ભાગના અંતરો અને તાલુકા એકમના વિકાસ સહિતના સર્વગ્રાહી પાસાઓની વિચારણા કરવામાં આવી હતી. નવરચિત ર૩ તાલુકાની જાહેરાત સાથે હવે ગુજરાતમાં ૩૩ જિલ્લા અને ર૪૮ તાલુકાના આધારસ્‍તંભો ઉપર રાજ્યનો વહીવટી વિકાસ વધુ સરળ, સુલભ અને ગતિશીલ બનશે.

પ્રવકતા મંત્રીઓએ જણાવ્‍યું કે, મુખ્‍યમંત્રી મોદીએ તાલુકા એકમને વિકાસ અને વહીવટમાં વધુ સશક્ત બનાવવા આ અગાઉ ATVT (આપણો તાલુકો વાઇબ્રન્‍ટ તાલુકો)ની પરિકલ્પના અમલમાં મુકી હતી. જેમાં ગુજરાતની સ્‍થાપના બાદ પહેલીવાર રાજ્યના પર પ્રાન્‍તની સંખ્‍યા બમણી કરતાં વધુ ૧૧૫ પ્રાન્ત રચવામાં આવ્‍યા હતા. હવે ર૪૮ તાલુકા પણ ઉત્તમ વહીવટ અને વિકાસની તંદુરસ્ત સ્‍પર્ધામાં પોતાનું કૌશલ્‍ય બતાવશે અને આના પરિણામે લોકાભિમુખ વહીવટની ઉત્તમ-પારદર્શી કાર્યશૈલીની રાજ્યના નાગરિકોને અનુભૂતિ થશે. આ નવા તાલુકાઓમાં વહીવટીતંત્રનું માળખું અને અધિકારીઓની નિયુક્તિ સાથે નવીન કચેરીઓ ત્‍વરિત કાર્યરત થતાં પ્રજાજનોને સુગમતા રહેશે.

લોકલાગણીને માન આપી, નવરચિત ર૩ તાલુકાઓ વિષયક કેટલીક મહત્‍વની બાબતો આ પ્રમાણે છે.

નવરચિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આખો ભાણવડ તાલુકો અકબંધ રહેશે.

નવરચિત મહીસાગર જિલ્લામાં સંતરામપુર તાલુકો આખો બધા જ ગામો સાથે અકબંધ રહેશે.

જૂનાગઢ જિલ્લામાંથી નવરચિત ગીર સોમનાથ જિલ્લો રચવામાં આવેલો છે. ગીર ફોરેસ્‍ટના વિસ્‍તારના સમાવેશ અંગે લોકલાગણીની વિવિધ રજૂઆતોને ધ્‍યાનમાં લઇને રાજય સરકારે વ્‍યવહારૂ ઉકેલ કર્યો છે. જે અનુસાર, તાલાલાના હરિપર, સાસણ અને ભાલ છેલના મેંદરડા નજીક આવેલા ગામો અને તલાલાનો વનવિસ્તાર મેંદરડામાં સમાવેશ થયો છે. જયારે ઉનામાં અલગ ગીરગઢડા તાલુકાનો વનવિસ્‍તાર આપ્‍યો છે. આમ, ગીરના વનવિસ્‍તાર માટે બંને જિલ્લામાં સંતુલન બની રહેશે.