મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 3 સપ્ટેમ્બર 2014 (12:49 IST)

ગાંધીજીની ત્રીજી પેઢીના સભ્યો ઠગભગતોના પાપે વૃદ્ધાશ્રમના સહારે

‘સમય બલવાન કહો કે પછી કાળની થપાટ’ પણ દેશને સ્વતંત્રતા અપાવનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ત્રીજી પેઢીના સભ્ય એવા કનુભાઇ ગાંધી અને તેમના પત્ની શિવાલક્ષ્મી ઠગભગતોના પાપે ભારે કફોડી સ્થિતિમાં સપડાયા છે અને હાલ તેઓ સુરતના વૃદ્ધાશ્રમના સહારે ઘરડા ઘડપણે બાકીનું જીવન વ્યતિત કરવા લાચાર બન્યા છે. મહાત્મા ગાંધીના ૮૪ વર્ષીય પૌત્ર કનુભાઇ ગાંધી પત્ની સાથે સુરતના વૃદ્ધાશ્રમના આશરે જીવન વ્યતિત કરવા લાચાર બન્યા છે. ગાંધીજીના બાકી પૌત્રો સારી રીતે જીવન જીવી રહ્યા છે ત્યારે કનુભાઇની હાલત દયનીય બની રહી છે. મહાત્મા ગાંધીના ચાર સંતાનો પૈકીના ત્રીજા નંબરના પુત્ર રામદાસભાઇના ત્રણ સંતાનો છે. તેમાં ત્રીજા નંબરના સંતાન કનુભાઇ છે. હાલમાં કનુભાઇની ઉંમર ૮૪ વર્ષની છે. કનુભાઇની ઉંમર ૧૭ વર્ષની હતી ત્યારે ગાંધીજીની હત્યા થઇ હતી. તે પહેલાં મોટાભાગનો સમય કનુભાઇએ ગાંધીજીના સાનિધ્યમાં ગુજાર્યો હતો. ગાંધીબાપુના સૌથી લાડકા એવા પૌત્ર કનુભાઇ માત્ર ૧૫ વર્ષની ઉંમરના હતા ત્યારે દેશના મોટાભાગના નેતાઓને મળી ચૂક્યા હતા. કનુભાઇના લગ્ન શિવાલક્ષ્મી સાથે થયા હતા. ચાલીસેક વર્ષની ઉંમરે કનુભાઇ પત્ની શિવાલક્ષ્મી સાથે અમેરિકા ગયા હતા. તેઓ ૪૦ વર્ષ સુધી અમેરિકા રહ્યા હતા, તેમને કોઇ સંતાન નથી. થોડા મહિનાઓ પહેલા તેઓ ભારત આવ્યા છે. ભારતમાં પહેલાં દિલ્હી, ત્યારબાદ વર્ધા સેવાશ્રમ, બેંગલોર, નવસારી નજીક મરોલીના કસ્તુરબા સેવાશ્રમમાં તેમણે આશરો લીધો હતો. જ્યાં તેમની સાથે ઉલ્કેશ કેલાવાલા નામના એક સેવકે ઠગાઇ કરી હતી. કનુભાઇની ઉંમર વધારે હોવાથી તેઓ એટીએમ સેન્ટરમાં રૂપિયા ઉપાડવા જતા નહોતા. એટલે તેઓ સેવક ઉલ્કેશ પર ભરોસો મૂકી તેને એટીએમ અને પીનનંબર આપી રૂપિયા ઉપાડવા મોકલતા. આ મામલે ફરિયાદ થતાં પોલીસે આરોપી ઉલ્કેશની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી. જોકે આ ઘટનાથી કનુભાઇને ભારે ધક્કો લાગ્યો હતો. ત્યાર બાદ તેઓ છેલ્લાં કેટલાક દિવસથી સુરતના વેસુ જકાતનાકા પાસેના શ્રીભારતી મૈયા આનંદધામ નામના વૃદ્ધાશ્રમમાં આશરે આવી પહોંચ્યા છે. આ ઘટનાને વૃદ્ધાશ્રમના મેનેજર દિલીપભાઇ સોલંકીએ સમર્થન આપ્યું હતું.