ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 10 એપ્રિલ 2015 (16:14 IST)

ગીરમાં સિંહોની વસતિ ગણતરીને કારણે 1લી મે થી પાંચ દિવસનું મિનીવેકેશન

જંગલના રાજા ગણાતા સિંહોની વસતી ગણતરીનું કાર્ય આગામી ૧લી મેથી ૫મી સુધી હાથ ધરવામાં આવશે. એશિયાટિક લાયનનું એક માત્ર વસવાટ સ્થળ ગીર, ગીરનાર વન્ય પ્રાણી અભ્યારણ્ય તથા રાષ્ટ્રીય ઉદ્યાનમાં નવ વિભાગના કર્મચારીઓ અધિકારીઓ દ્વારા સિંહોની વસતી ગણતરી કરાશે.

રાજયના વનવિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૧લી મેથી ૫મી સુધી આઠ રિજિયન, ૩૦ ઝોન, ૧૦૬ સબઝોનમાં ૬૨૫ ગણતરી કેન્દ્ર પર ૨૨૦૦ જેટલા વનકર્મીઓ સિંહોની વસતી ગણતરીનું કામ કરશે. નાયબ વન સંરક્ષક સાસણના જણાવ્યા પ્રમાણે વનરાજોની વસતી ગણતરી દર પાંચ વર્ષે હાથ ધરવામાં આવે છે. તે મુજબ આગામી વર્ષે પણ મે માં હાથ ધરવામાં આવનારી કામગીરીમાં રાજયના મુખ્ય વન સંરક્ષક (વન્ય પ્રાણી) ગાંધીનગરના વડપણ હેઠળ કરાશે અને તેમની સૂચના મુજબ જૂનાગઢ ક્ધઝર્વેટર ઓફ ફોરેસ્ટના સીધા માર્ગદર્શન હેઠળ જૂનાગઢ અને સાસણના નાયબ વન સંરક્ષકની દેખરેખ હેઠળ આ કામગીરી કરાશે.

વન વિભાગના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગીર અને ગિરનાર વન્ય પ્રાણી અભ્યારણ્ય ઉપરાંત રાષ્ટ્રીય ઉદ્યાન તથા આસપાસના જંગલ વિસ્તારોમાં પણ વનરાજોનો વસવાટ પ્રસર્યો છે એટલે સિંહોના વસવાટના સંભવિત સ્થાનોની ઓળખ કરી લેવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૪મી એપ્રિલ ૨૦૧૦માં વનરાજોની વસતી ગણતરી હાથ ધરવામાં આવી હતી અને ગણતરીના અંતે ૪૧૧ સિંહની વસતી હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે પાંચ વર્ષ દરમિયાન વનરાજોની વસતિમાં વધારો થયો છે એટલે વનરાજોની વસતી ૫૦૦ને વટાવી જશે તેમ લાગી રહ્યું છે.