શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 6 સપ્ટેમ્બર 2014 (14:32 IST)

ગુજરાત આવતા ચીનના રાષ્ટ્રપતિને આવકારવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાત આવે તેવી સંભાવના

ચીનના રાષ્ટ્રપતિ શી ચિંગપિંગ આગામી તા.૧૭મીએ ગુજરાતી મુલાકાતે આવનાર છે. ચીની પ્રમુખની આ મુલાકાતના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાત આવે તેવું આયોજન ગોઠવાઈ રહ્યું છે. ચીનના રાષ્ટ્રપતિના સ્વાગત માટે વડાપ્રધાન હાજર રહે તેવી શક્યતા છે. આ માટે હાલ વડાપ્રધાન કાર્યાલય અને મુખ્યમંત્રી કાર્યાલય એકબીજાના સંપર્કમાં છે.
હાલમાં જ્યારે ચીન અને ભારત વચ્ચેના સંબંધો એટલા સુમેળભર્યા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ ચીનને શાનમાં સમજાવ્યું હતું. વળી, થોડાં-થોડાં દિવસોના અંતરે ચીન દ્વારા ઘુસણખોરી કરવાના બનાવો બનતાં રહે છે. આવા સમયે અચાનક જ ચીનના રાષ્ટ્રપતિ શી ચિંગપિંગ સંભવતઃ આગામી તા.૧૭મીએ ગુજરાતની મુલાકાત લેવાનું ગોઠવતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.

ચીની પ્રમુખની આ ગુજરાત મુલાકાતને પગલે દેશના રાજકીય વર્તુળોમાં અને વેપારી વર્તુળોમાં ભારે કુતુહુલ પેદા થયું છે. અનેક આશ્ચર્ય સર્જનારી આ મુલાકાતના અનુસંધાને ગઈકાલે ચીનના ચાર અધિકારીઓએ ગાંધીનગર મુખ્યમંત્રીની મુલાકાત લઈ જરૃરી ચર્ચા-વિચારણા કરી હતી. હાલ તો મુલાકાત માટે ૧૭ તારીખ નક્કી કરાઈ છે. છતાં ચીની પ્રમુખની કાર્યાલય આ તારીખનું કન્ફર્મેશન આપે ત્યારે જ તે મુલાકાત ફાઈનલ માનવામાં આવશે તેમ સરકારના સૂત્રોએ જણાવ્યું હતું.
પરંતુ ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી કાર્યાલય હાલ આ મુલાકાત ફાઈનલ માનીને તડામાર તૈયારીઓ કરવા લાગ્યું છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી અનેક દેશના પ્રતિનિધિ મંડળો અને રાજકીય હસ્તીઓ ગુજરાત આવતી રહી છે. પરંતુ શક્તિશાળી રાષ્ટ્રના પ્રમુખ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા હોય તેવો આ પ્રથમ બનાવ છે. આથી ગુજરાત સરકાર વધુ ઉત્સાહીત છે.

બીજી બાજુ જો ચીનના રાષ્ટ્રપતિની ગુજરાત મુલાકાતના અનુસંધાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાત આવે તેવું આયોજન કરાઈ રહ્યું છે. જો ચીનના રાષ્ટ્રપતિ સીધા જ ગુજરાત આવે તો પ્રોટોકોલના ભાગરૃપે તેમનું સ્વાગત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત આવવું ફરજિયાત બની રહે.

આ ઉપરાંત ચીન સાથે વ્યાપારિક સંબંધો અને મિત્રતાના સંબંધો વિકસાવવા પણ ગુજરાત અને ભારત માટે એટલું જ જરૃરી છે. આ સ્થિતિમાં ચીની રાષ્ટ્રપતિની સાથે નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ જરૃરી બને છે. આ માટે ગુજરાત મુખ્યમંત્રી કાર્યાલયે વડાપ્રધાન કાર્યાલય સાથે સતત સંપર્કમાં છે.

ગુજરાત સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે ચીનના રાષ્ટ્રપતિ ગુજરાત મુલાકાતમાં કેટલો સમય ફાળવે છે તેના આધારે તેમની સાથેની ચર્ચાનો એજન્ડા નક્કી કરાશે. જો કે ગુજરાત સરકાર દ્વારા આગામી જાન્યુઆરી-ર૦૧પમાં યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં ચીન ભાગ લે તે માટે ચર્ચા કરાશે. આ ઉપરાંત ચીનને ઉર્જા સેક્ટર અને પાવર સેક્ટરમાં સૌથી વધુ રસ હોવાથી તેને લગતાં કેટલાક કરારો કરવામાં આવે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી હતા ત્યારે વડોદરા પાસે ચીનની કંપનીએ ટ્રાન્સફોર્મર સહિતની પ્રોડક્ટનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ કાર્યરત કર્યો છે. આ સેક્ટરનો વ્યાપ વધારવા માટે પણ ચીન ખુબ જ ઉત્સુક છે. ત્યારે એ બાબતે પણ કરાર કરાય તેવી શક્યતાં છે.