ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 10 ઑક્ટોબર 2015 (11:09 IST)

ગુજરાત કોંગ્રેસ રાષ્ટ્રીય કોંગ્રેસને આર્થિક મદદ કરશે

50થી વધુ વર્ષો સુધી કેન્દ્રમાં સત્તા ભોગવનારો કોંગ્રેસ પક્ષ ભયંકર આર્થિક કટોકટિમાંથી પસાર થઇ રહ્યો છે...! રાષ્ટ્રીય કોંગ્રેસે આ કફોડી આર્થિક પરિસ્થિતિ દૂર કરવા દેશના તમામ રાજ્યોની કોંગ્રેસને નાણાંકીય મદદ કરવા અપીલ કરી છે. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પણ રાષ્ટ્રીય કોંગ્રેસને 70થી 80 લાખ જેટલી રકમ મોકલીને આર્થિક મદદ કરશે. આ માટે ગુજરાત કોંગ્રેસના સાંસદો અને ધારાસભ્યો તેમનો એક મહિનાનો પગાર જમા કરાવી રહ્યા છે. જ્યારે નાના-મોટા કાર્યકરો અને સભ્ય નોંધણી ઝુંબેશમાં નવા જોડાયેલા 13 લાખ સભ્યો 500-500 રૂપિયાની મદદ કરી રહ્યા છે. આ રીતે લગભગ એકથી સવા કરોડ જેટલી રકમ એકત્રિત થશે અને એમાંથી 50 ટકા રાષ્ટ્રીય કોંગ્રેસને મોકલાશે. બાકીની 50 ટકા રકમનો ઉપયોગ ગુજરાત કોંગ્રેસ તેના કાર્યક્રમો, ચૂંટણીના પ્રચાર-પ્રસાર વગેરે માટે કરશે.
 
દેશના સૌથી જૂના રાજકીય પક્ષ કોંગ્રેસે કેન્દ્રની સત્તા ગુમાવ્યા બાદ રાજકીય અને આર્થિક દ્રષ્ટિએ તેની માઠી દશા બેઠી છે. 2014ની લોકસભાની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસે તીવ્ર નાણાંકીય અછત અનુભવી હતી અને તેના અગ્રણી નેતાઓએ જાહેરમાં નાણાંકીય તંગી હોવાની કબૂલાત કરી હતી. હવે કોંગ્રેસ ફીનિક્સ પક્ષીની જેમ ફરી બેઠું થવા મથી રહ્યું છે, ત્યારે તેણે તમામ રાજ્યોની કોંગ્રેસને આર્થિક મદદની અપીલ કરી છે. જેમાં ગુજરાતે પણ તેની મદદ જાહેર કરી છે. 
 
કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે,ગુજરાતમાં કોંગ્રેસના 3 સાંસદો અને 60 જેટલા ધારાસભ્યોએ એક મહિનાનો પગાર જમા કરાવ્યો છે. કોંગ્રેસના કાર્યકરો, શુભેચ્છકો અને નવા સભ્યો પાસેથી ટોકન તરીકે 500 લીધા છે. જે રકમ લગભગ એક-સવા કરોડ જેટલી થાય છે. જેમાંથી 50 ટકા રકમ દિલ્હી હાઇકમાન્ડને ટૂંક સમયમાં જ મોકલાશે.
અલબત્ત, કોંગ્રેસ ભલે અત્યારે આર્થિક કટોકટિનો રાગ આલાપી રહી હોય, પરંતુ તેના કેટલાક નેતા આર્થિક દ્રષ્ટિએ એટલા કદાવર છે કે તેઓ ધારે તો કોંગ્રેસની તીજોરી ભરી શકે છે. વર્ષો સુધી કેન્દ્ર અને જુદાજુદા રાજ્યોમાં મંત્રીપદે રહેલા આવા અનેક નેતાઓ પાસેથી પણ કોંગ્રેસ આર્થિક મદદની અપેક્ષા રાખી રહ્યું છે. જેમાં ગુજરાતમાંથી પણ 300 એવી વ્યક્તિઓની યાદી બનાવાવની સૂચના પણ રાષ્ટ્રીય કોંગ્રેસે અગાઉ કરી હતી. આ દરેક વ્યક્તિ કમ સે કમ 1 લાખની મદદ કરે તેમ પણ જણાવવામાં આવ્યું હતું. જો કે, નાના-નાના કાર્યકરો અને નવા જોડાયેલા સભ્યોને તો આ મદદ નાણાંની ઉઘરાણી જેવી વતર્ઇિ રહી હોવાનું પણ લાગી રહ્યું છે.