ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: સોમવાર, 11 માર્ચ 2013 (13:17 IST)

ગુજરાત પરિવર્તન પાર્ટી સરકાર વિરુધ્ધ 'બેટીંગ' ચાલું જ રાખશે

P.R
ગુજરાત પરિવર્તન પાર્ટી એમ માને છે કે રાદડિયાના ભાજપ પ્રવેશથી તેમના પક્ષને લાભ થશે. જો કે કઈ રીતે અન કયા આધારે તેના કોઈ રાજકીય સમીકરણો તેઓ સમજાવી શક્યા નથી. ગુજરાત પરિવર્તન પાર્ટીના કાર્યાલય ખાતે એક પત્રકાર પરીષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં પક્ષના નેતાઓ સુરેશ મહેતા અને ગોરધન ઝડફીયાએ જાહેર કર્યું હતું કે ખરેખર તો રાદડિયા ના જવાથી પરિવર્તન પાર્ટીને ફાયદો થશે. કેમ કે લેઉવા પટેલ સમાજ પર કોઈનો ઠેકો નથી. કોઈ વ્યક્તિગત લાભ માટે કોઈ પક્ષમાં જોડાય તો તેનાથી સમગ્ર સમાજ પણ તેની સાથે છે એમ માની લેવું ભુલ ભરેલું છે. રાદડિયાના જવાથી સમાજમાં જે જગ્યા પડી છે તે તેની તક ઝડપી લઇને અમે સમાજને નેતૃત્વ પુરૂ પાડીશું. ખરેખર તો રાદડિયાના ભાજપ પ્રવેશથી પરિવર્તન પાર્ટીને રાજકીય લાભ થવાનો છે.

ભાજપમાં તાજેતરમાં કોંગ્રેસમાંથી વિઠ્ઠલ રાદડીયા અને તેમની આગેવાની હેઠળ કોંગ્રેસના સંખ્યાબળ કાર્યકરો ભાજપમાં જોડાયા છે ત્યારે એવો પણ ભાજપમાં જોડાશે કે કેમ એ પ્રશ્નના જવાબમાં સુરેશ મહેતાએ કહ્યું કે વિધાનસભાની ચૂંટણીમાં અમે ભલે ભાજપની સામે હારી ગયા છતાં અમે ભાજપનો વિરોધ ચાલુ રાખીશું અને આગળ વધીશું. જીપીપીના જો કે કેટલાંક કાર્યકરો ભાજપમાં જોડાયા છે પરન્તુ આ કાર્યકરો મૂળ એમજેપી પક્ષના નથી પરન્તુ ચૂંટણીઓ વખતે જીપીપીમાં જોડાયા હતા. ભાજપના રાષ્ટ્રીય નેતા અરૂણ જેટલીએ અમારો સંપર્ક કર્યો હતો એ વાત સાચી છે? એવો પ્રશ્ન જ્યારે સુરેશ મહેતાને કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે તેમણે પોતે ભાજપના કોઈ નેતા સંપર્ક કર્યો નથી. પરન્તુ તેમનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. ભાજપમાં જોડાવવાની અટકળો માત્ર અટકળો જ છે.

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પરિવર્તન પાર્ટીના ચૂંટણી પ્રતિક "બેટ" ને માન્યતા મળી છે તેથી ગુજરાતની હવે પછી યોજાનારી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની તમામ સામાન્ય ચૂંટણીઓ અને પટે ચૂંટણીઓમાં પરિવર્તન પાર્ટીઓના ઉમેદવારો બેટના પ્રતિકો સાથે ચૂંટણી લડી શકશે. જો કે, લોકસભાની આગામી ચૂંટણીઓ કે વિધાનસભાની ચૂંટણીઓ પરિવર્તન પાર્ટી બેટ સાથે લડી શકશે કે કેમ તે અંગે નેતાઓએ કોઈ ફોડ પાડ્યો નહોતો.

15 માર્ચે અમદાવાદના ટાઉનહોલ ખાતે પક્ષના અધ્યક્ષ કેશુભાઇ પટેલના નેતૃત્વમાં એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સર્જાયેલી પીવાના પાણીની ગંભીર કટોકટી સંદર્ભે રાજ્ય સરકાર પર દબાણ લાવવા આંદોલનાત્મક કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવશે. ઝડફીયાએ દાવો કર્યો હતો કે ઉનાળાની ગરમી શરૂ થાય તે પહેલાં જ ગ્રામીણ ક્ષેત્રોમાં પીવાના પાણીની તીવ્ર તંગીનું સર્જન થઈ ગયું છે.