શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: મંગળવાર, 11 માર્ચ 2008 (11:40 IST)

ગુજરાત-બોર્ડની પરીક્ષાઓનો શાંતિપૂર્ણ પ્રારંભ

રાજયભરમાં ગેરરીતિના પાંચ કેસ અને એક ડમી વિદ્યાર્થી ઝડપાયો

અમદાવાદ(વેબદુનિયા) ગુજરાત રાજ્‍યના દસ લાખ ઉપરાંત વિદ્યાર્થીઓનું ભાવિ ઘડનારી ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાનો ગઇકાલે સોમવારથી રાજ્‍યભરમાં શાંતિપૂર્વક પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે જ 7719 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા જુનાગઢમાં પરીક્ષા આપતો ડમી વિદ્યાર્થી ઝડપાયો હતો. જ્‍યારે ગેરરિતિના પાંચ કેસ નોંધાયા હતા. ધો 10-12માં પેપરો સહેલા હતા. જોકે એકાઉન્‍ટમાં ખોટા દાખલા અને બાયોલોજીમાં પેપર ખૂબજ લાંબુ(લેન્ધી) હોઈ વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા હતા. અમદાવાદના કેટલાક પરીક્ષા કેન્‍દ્રોમાં ઉત્તરવહીઓ વહેલી લઈ લેવાની ફરિયાદો ઉઠયા પામી હતી.

અમદાવાદ સહિત રાજ્‍યભરની શાળાઓ આજે વિદ્યાર્થીઓ અને વાલીઓની ચહલપહલથી ધમધમી ઉઠી હતી પરીક્ષા કેન્‍દ્રો પર પરીક્ષાર્થીઓને કુમકુમ તિલક કરી અને ગોળધાણા ખવડાવી સ્‍વાગત કરાયુ હતું પરીક્ષા કેન્‍દ્રો પર પોલીસનો ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવાયો હતો. ગેરરીતિના કેસોને બાદ કરતા કોઈ અનિચ્‍છનીય બનાવ નોંધાયો ન હતો. ધો-12 સાયન્‍સના કેન્‍દ્રો પર વાલીઓ શાળા બહાર ત્રણ કલાક સુધી ઊભા રહ્યા હતા. ધો-12ની પરીક્ષામાં અમદવાદ શહેર સહિત અન્‍ય શાળાઓમાં પેપરો 5 થી 15 મિનિટવહેલા લઈ લેવામાં આવ્‍યા હોવાની ફરિયાદો ઉઠી હતી પરીક્ષા સાંજે સવા છ વાગે પુરી થતાં કેટલાક સુપરવાઈઝરોએ 6 વાગ્‍યાથી ઉતાવળ કરીને ઉત્તરવહીઓ ઉધરાવવાનું શરૂ કરી દીધું હતું. જેના કારણે વિદ્યાર્થીઓને નુકશાન થયું હતું. બોર્ડના અધિકારીઓની મોટી જાહેરાતો છતાં કેટલાક પરીક્ષા કેન્‍દ્રોની બહાર ઝેરોક્ષ સેન્‍ટર ખુલ્લા જોવા મળ્‍યા હતા.

પ્રથમ દિવસે ધો-10માં 607469 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જ્‍યારે ધો-12 વિજ્ઞાન પ્રવાહમાં 32335 અને સામાન્‍યપ્રવાહમાં 118742 વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતા. ધો.-10માં ત્રણ વિદ્યાર્થીઓ ચોરી કરતા ઝડપાયા હતા. જૂનાગઢમાં ધો.10નો વિદ્યાર્થી બોરીચા હીતેશ (બેઠક નંબર 646906)ની જગ્‍યાએ પરીક્ષા આપતો રામદેવ સુવાભાયા ઝડપાઈ ગયો હતો.

જ્‍યારે મહેસાણા જિલ્લામાં કડી અને વડુગામમાંથી ધો-10માં એક એક ગેરરીતીના કિસ્‍સા નોંધાયા હતા. ધો-12માં જૂનાગઢમાં ગેરરિતિના બે કેસો નોંધાયા હતા. પરીક્ષાની બેઠક વ્‍યવસ્‍થામાં ફેરફાર જમાલપુર કેન્‍દ્રમાંથી તા.15મી માર્ચે લેવાનારી પરીક્ષામાં ઉપસ્‍થિત થનાર ધોરણ-12ના વિદ્યાર્થીઓ કે જેઓ છીપા વેલ્‍ફેર ગર્લ્સ હાઈસ્‍કૂલ ખાતે સવારે 10-30 કલાકે પરીક્ષા આપનાર છે તેવા તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા માટે બેઠક વ્‍યવસ્‍થા રાહે બેર ગર્લ્સ હાઈસ્‍કૂલ, વૈશ્‍યસભા ભવન, રાયખડ ખાતે કરેલ છે. આ ફેરફાર માત્ર તા.15-3-2008ના સવારની પરીક્ષા પૂરતો જ છે, જેની વિદ્યાર્થીઓએ નોંધ લેવી તેવું શહેર ડીઈઓ કચેરીએ જણાવ્‍યું છે.