શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

ગુજરાત સૌથી ભયજનક રાજ્યોમાં ત્રીજા નંબરે

P.R
સ્વાઈન ફ્લૂ અને તે પ્રકારના અન્ય ચેપીરોગે ગુજરાતનો ભરડો લીધો છે. એચવનએનવન વાઈરસના થઈ રહેલા ફેલાવા અને માનવમોતના કારણે ગુજરાત સૌથી ભયજનક રાજ્યોમાં ત્રીજા નંબરે છે. જોકે, અસરગ્રસ્ત દર્દીઓ અને તેની સામે થયેલા મૃત્યુની સંખ્યા જોતા ગુજરાત રાજ્યની સ્થિતિ ચિંતાજનક હોવાનું બહાર આવ્યું છે.

દિલ્હીની વાત કરીએ તો જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધી સ્વાઈન ફ્લૂના 1461 જેટલા દર્દી નોંધાયા હતા. જેમાંથી માત્ર 16 વ્યક્તિનાં મોત થયાં હતાં. જેની સરખામણીમાં ગુજરાતમાં 818માંથી 150 જેટલા દર્દીના મોત થતાં ચેપગ્રસ્તોની સરખામણીમાં મૃત્યુની ટકાવારી 18.34 ટકા જેટલી નોંધાઈ છે. જેની સામે દિલ્હીમાં આ ટકાવારી માત્ર 1.10 ટકા જ છે.

ટકાવારીમાં ગુજરાત કરતા આગળ મધ્યપ્રદેશ અને પંજાબ છે. જેમાં મ. પ્રદેશમાં 69 દર્દીમાંથી 16ના મોત સાથે મૃત્યુદર 23.19 ટકા અને પંજાબમાં 179 ચેપગ્રસ્તમાંથી 39ના મૃત્યુ થતા આ ટકાવારી 21.79 ટકા નોંધાઈ હતી. જોકે, આ બંને રાજ્યમાં ચેપગ્રસ્ત દર્દી અને મૃત્યુની સંખ્યા ગુજરાતના પ્રમાણમાં ઘણી ઓછી છે.

અન્ય રાજ્યોમાં ચેપને નિયંત્રણમાં લેવામાં સફળતા સાંપડી છે પરંતુ ગુજરાતમાં ખરાબ હવામાન અને તંત્રની કથિત શિથિલતાના પગલે સ્થિતિ કાબૂ બહાર હોવાનું જણાવતા સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજસ્થાનમાં 789 દર્દીમાંથી 138ના મોત થતા સરેરાશ માનવમૃત્યુ દરની ટકાવારી ગુજરાત કરતા સહેજ ઓછી 17.49 ટકા અને હરિયાણામાં 437 જેટલા ચેપગ્રસ્તમાંથી 39ના મોત થતા ટકાવારી 8.92 ટકા નોંધાઈ હતી.