શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: મંગળવાર, 30 એપ્રિલ 2013 (18:26 IST)

ગુજરાતના સ્થાપના દિવસનું યજમાન નવસારી થનગની રહ્યુ છે

નવસારી જિલ્લામાં વિવિધ યોજનાઓના લોકાર્પણના કાર્યક્રમો

P.R

ગુજરાત રાજ્યના 53મા સ્થાપના દિનની ઉજવણી માટે દક્ષિણ ગુજરાતના નવસારી શહેર અને જિલ્લો થનગની રહ્યો છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે આ વખતે રાજ્યકક્ષાના સ્થાપના દિનની ઉજવણી માટે નવસારીની પસંદગી કરી છે. મોદી પહેલી મેના રોજ સવારે અમદાવાદ ખાતે સ્થાપના દિનના કાર્યક્રમોમાં હાજરી આપીને નવસારી જવા રવાના થશે. પ્રસ્થાપિત પ્રણાલિકા અનુસાર સ્થાપના દિનના એક સપ્તાહ પહેલા નવસારી જિલ્લામાં વિવિધ યોજનાઓના લોકાર્પણના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.

સૂત્રોએ જણાવ્યું કે મોદી સરકારે ગુજરાત સ્થાપના દિન 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીની રાજ્યકક્ષાની ઉજવણી ગાંધીનગરને બદલે અલગ-અલગ જિલ્લાઓમાં યોજવાનો એક નવત્તર અભિગમ અપનાવ્યો છે. જેના ભાગરૂપે ગુજરાતના 53મા સ્થાપના દિનની ઉજવણી નવસારી જિલ્લામાં થઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા અગાઉની આ પ્રકારની ઉજવણીની જેમ નવસારી જિલ્લા માટે ખાસ પેકેજ જાહેર કરવામાં આવે તેવી પણ શક્યતા છે.

સૂત્રોએ જણાવ્યું કે અગાઉ સ્થાપના દિનની રાજ્યકક્ષાની ઉજવણી ગાંધીનગરમાં જ થતી હતી. પરંતુ હવે રાજ્યકક્ષાને બદલે શહેરકક્ષાની ઉજવણી ગાંધીનગરમાં થવાની છે. ગાંધીનગરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની બન્ને તરફના રસ્તાઓને રાજમાર્ગ તરીકે જાહેર કર્યા હોવાથી પહેલી મેની ઉજવણીનો સમારોહ યોજાશે ત્યારે જુદા-જુદા વિભાગોના ટેબ્લોની ઝાંખીઓ પણ આ જ સ્થળેથી પસાર થશે. માર્ગ-મકાન વિભાગ દ્વારા મંચ બનાવવાની અને અન્ય તૈયારીઓ તડામાર ચાલી રહી છે.

સૂત્રોએ કહ્યું કે આ પ્રકારની ઉજવણી જે જિલ્લામાં થાય છે ત્યાં અંદાજે એક સપ્તાહ સુધી અલગ-અલગ મંત્રીઓના હસ્તે લોકાર્પણના કાર્યક્રમો યોજાતા હોય છે. નવસારીમાં પણ આ પ્રકારના કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. પહેલી મેના રોજ મુખ્યમંત્રી અમદાવાદમાં નહેરૂબ્રીજના પૂર્વ તરફના છેડે આવેલી મહાગુજરાત ચળવળના પ્રણેતા ઇન્દુચાચાની પ્રતિમાને સવારે માલ્યા અર્પણ કરશે. ત્યારબાદ ભદ્ર વિસ્તારમાં કોંગ્રેસ ભવન સામે શહીદ સ્મારક ખાતે અલગ ગુજરાતની ચળવળમાં માર્યા ગયેલા શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરશે. અને ત્યારબાદ વિમાન માર્ગે નવસારી જવા રવાના થશે. નવસારીમાં તેઓ પોલીસ પરેડની અને ઝાંખીની સલામી ઝીલશે. રંગારંગ કાર્યક્રમોની તૈયારીઓ ચાલી રહી છે.