શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

ગુજરાતનાં કેટલાંય નેતા-અધિકારીઓની સુરક્ષા વ્યવસ્થા કાપી લેવાઇ

P.R
રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલ સહિત અન્ય નેતાઓ માટે મૂકવામાં આવેલ સુરક્ષા વ્યવસ્થામાં કાપ મૂકવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન સહિત સુરક્ષાવ્યવસ્થાના આ કાપમાં ઉદ્યોગપતિઓ અને સંખ્યાબંધ રાજકારણીઓનો પણ સમાવેશ થાય છે, જેમની સલામતીની વ્યવસ્થા હવે પાછી ખેંચાઇ જશે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.કે. નંદાના જણાવ્યા અનુસાર સરકારી સુરક્ષા મેળવતી દરેક વ્યક્તિના જીવના જોખમ માટેનાં તમામ પાસાંની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. તંત્ર દ્વારા આ સમીક્ષા બાદ હવે જે વ્યક્તિને જાનનું જોખમ ન હોય તેવા સંજોગોમાં સુરક્ષા સંપૂર્ણપણે પાછી ખેંચી લેવાનો નિર્ણય લેવાયો છે. જોખમ હળવું થયું હોવાના રિપોર્ટના આધારે વ્યક્તિઓની સુરક્ષામાં કાપ મુકાયો છે, જ્યારે વાસ્તવિક જોખમ ધરાવનારાની સુરક્ષા યથાવત્ રાખવામાં આવી છે.

ગૃહ વિભાગનાં સૂત્રો જણાવે છે કે તંત્ર દ્વારા દરેક વ્યક્તિના જાન ઉપરના જોખમ વિશેની સમીક્ષા કરવામાં આવી હતી. વ્યક્તિદીઠ કેટલા સમયથી સુરક્ષા કેટલા પ્રમાણમાં પૂરી પાડવામાં આવે છે અને હાલમાં જે તે વ્યક્તિના જીવને કેટલું જોખમ છે? તે અંગેની તમામ ઝીણવટભરી સમીક્ષા કરાયા બાદ આ નિર્ણય લેવાયો છે. હાલમાં ગુજરાતમાં રાજકારણીઓ સહિત કુલ ૭૦ વ્યક્તિને સરકાર દ્વારા સુરક્ષાવ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે, જેમાં વિધાનસભાના અધ્યક્ષ, વિપક્ષી નેતા, રાજ્યપાલ, મુખ્યપ્રધાન અને પ્રધાનોનો સમાવેશ થાય છે.

કેટલીક જાહેર જીવનમાં વ્યસ્ત વ્યક્તિઓને તેમની પ્રતિષ્ઠાને આધારે સરકાર દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવે છે. આ વ્યવસ્થામાં કોઇ પણ પ્રકારનો ફેરફાર કરાયો નથી. આ વ્યવસ્થા હાલમાં યથાવત્ રાખવામાં આવી છે, પરંતુ હાલમાં કોઇ પણ વ્યક્તિ, કોઇ હોદ્દો ન ધરાવતા હોય તેવા લોકોની વ્યક્તિગત સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી હતી અને ત્યાર બાદ આ નિર્ણય લેવાયો છે. નિરમાના માલિક અને ઉદ્યોગપતિ કરસનભાઇ પટેલને જીવના જોખમને ધ્યાનમાં રાખીને સુરક્ષા અપાઇ હતી તેવી જ રીતે વકફ બોર્ડના ચેરમેન આઇ.એ. સૈયદ અને આસારામ આશ્રમનાં બે બાળકોનાં મોતની તપાસ કરનાર નિવૃત્ત જસ્ટિસ ડી.કે. ત્રિવેદીને પણ પોલીસ સુરક્ષા આપવામાં આવી હતી, જે હવે સંપૂર્ણપણે પાછી ખેંચી લેવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન અને ગુજરાત પરિવર્તન પાર્ટીના અધ્યક્ષ કેશુભાઇ પટેલ, પૂર્વ ગૃહપ્રધાન ગોરધન ઝડફિયા, પૂર્વ પોલીસવડા પટેલ, પી.સી. પાંડે વગેરેની સુરક્ષાવ્યવસ્થા પર કાપ મૂકવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા સુરક્ષા વ્યવસ્થામાં કાપ મૂકવાના કારણે હાલમાં સુરક્ષાવ્યવસ્થા અંગેની ફરજ નિભાવી રહેલા ૨૫૦ જેટલા પોલીસ જવાનો વ્યક્તિગત સુરક્ષા વ્યવસ્થાની જવાબદારીમાંથી મુક્ત થશે અને સ્ટાફની અત્યંત ખેંચ ભોગવી રહેલા પોલીસ વિભાગને થોડી રાહત મળશે અને સ્ટાફમાં વધારો થશે. આ અંગે ગૃહ વિભાગનાં સૂત્રો જણાવે છે કે અનેક વ્યક્તિઓની સુરક્ષા વ્યવસ્થામાં કાપ મૂકવામાં આવ્યો છે અને કેટલાકની સલામતી વ્યવસ્થા પાછી ખેંચી લેવામાં આવી છે.

કોની સુરક્ષા વ્યવસ્થામાં કાપ મુકાયો?

* અમદાવાદના ભાજપ સાંસદ હરીન પાઠક

* ડિરેક્ટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સ ડાયરેક્ટર જનરલ જે.એમ. વ્યાસ

* ભૂતપૂર્વ ધારાસભ્ય ભરત બારોટ

* પૂર્વ મહેસૂલપ્રધાન કૌશિક પટેલ

* ભાજપ ધારાસભ્ય, ઊંઝા, નારાયણ લલ્લુ પટેલ

* પૂર્વ પોલીસવડા પી.સી. પાંડે

* પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલ

* ભાજપ ધારાસભ્ય, વાઘોડિયા, મધુ શ્રીવાસ્તવ-સુરક્ષા પાછી ખેંચી લેવાયા બાદ ફરી ચાલુ કરાઇ

કોની સુરક્ષા વ્યવસ્થા યથાવત્ રખાઈ?

* વિશ્વ હિંદુ પરિષદના આં.રા. કાર્યકારી પ્રમુખ-પ્રવીણ તોગડિયા-ઝેડ પ્લસ સુરક્ષા

* સરસપુરના રામમંદિરના પૂજારી-અખિલેશજી મહારાજ (વિશ્વ હિંદુ પરિષદ)

* સૌરાષ્ટ્રના ભાજપ નેતા વિઠ્ઠલ રાદડિયા

* કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા

* પૂર્વ પોલીસવડા ચિત્તરંજનસિંહ

* એનસીપી ધારાસભ્ય, કુતિયાણા, કાંધલ જાડેજા