શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 9 ઑગસ્ટ 2016 (18:20 IST)

ગુજરાતમાં છેલ્લાં ર૦ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દલિતો દંડાય છે - શંકરસિંહ વાઘેલા

ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ આજે પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, દિલ્હીની ભાજપ સરકારને બે વર્ષ કરતાં વધુ સમય પૂરો થયો હોવા છતાં પ્રધાનમંત્રીશ્રની ભાષામાં કાંઈ સુધારો થયો હોય તેવું દેખાતું નથી. માણસની કથની અને કરણીમાં જ્યારે ફરક હોય ત્યારે લોક નજરમાંથી ઉતરી જતો હોય છે, પણ જાહેર જીવનમાં પડેલો માણસ અને તેમાંય દેશના સર્વોચ્ચ પદ પર પહોંચ્યા પછી અસત્યનો આશરો લઈ જુઠ્ઠાણાંના સહારે પ્રજાની લાગણીઓને છંછેડે કે ઉશ્કેરે તે અક્ષમ્ય છે. પ્રજા આમને કયારેય માફ કરતી નથી.
 
 વાઘેલાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લાં ર૦ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દલિતો દંડાય છે, પીવાના પાણી માટે તેઓને દૂર-દૂર દોડવું પડે છે, મંદિરોમાં પ્રવેશ મળતો નથી, ધોળા દિવસે દલિત યુવાનોના ખૂન થાય, દલિત મહિલાઓની છેડતી અને બળાત્કાર થાય. આમ, દલિત સમાજ માણસ હોય એવું ભાજપ સરકાર કે તેના મળતીયાઓ માનતા નથી અને તેમની સાથે દુર્વ્યવહાર કરે ત્યારે સરકાર અસહાય, બિચારી, બાપડી બની જતી હોય છે, તો બીજી બાજુ એમના માટે કહેવાતી લાગણી સરકાર વ્યક્ત કરતી હોય ત્યારે આ બંને વિરોધાભાસી વાતો ભારતીય જનતા પાર્ટી બંધ કરે તો સારૂ.
ગાયનું પુંછડી કાપીને મંદિરમાં નાંખી હિન્દુ-મુસ્લિમ સમાજની લાગણીઓને ઉશ્કેરીને મતોનું ધ્રુવીકરણ કરવાના આક્ષેપો પણ ભાજપ સરકાર પર થયેલાં છે. દૂધ આપતી કે પૂજાતી ગાય માતા કે અયોધ્યાનું રામમંદિર એ ભાજપ માટે પવિત્ર સ્થાનક નથી પણ આ બંને વસ્તુઓ ફક્ત "મત લેવા"નું માધ્યમ માત્ર છે.
 
શંકરસિંહ વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે, જાહેર જીવનમાં નેતાઓની વાત અને વાણીમાં સાતત્ય હોવું જોઈએ અને નેતાઓએ વાત અને વાણી પર સંયમ રાખવો જોઈએ. મતો લેવા માટે સાવ જુઠ્ઠાણાંનો આશરો લેવો અને મતોના માધ્યમથી સત્તા મળી ગયા પછી જનતાને છેહ દેવો એ ભાજપની કરમ કુંડળી હોય તેવું લાગે છે. આપણે ઈચ્છીએ કે, ર૦૧૪ની લોકસભાની ચુંટણી વખતે કરેલાં પોતાના ભાષણો આજના દેશના પ્રધાનમંત્રી સાંભળે અને જો એમને પોતાના આત્મા જેવું હોય તો પોતાના આત્માને ઢંઢોળે અને સમજાવે કે એ વખતે એ શું બોલી રહ્યા હતા અને આજે આટલા વર્ષો પછી શું બોલી રહ્યાં છે ? પ્રજા તો એની એ જ છે, એટલે એ બધું સમજે છે અને સમય આવ્યે ભાજપને પણ બધું જ સમજાવી દેશે તેવી પ્રજા પાસે અપેક્ષા રાખીએ છીએ તેમ અંતમાં શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું.