શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 1 મે 2015 (16:04 IST)

ગુજરાતમાં ડાબેરીઓ, કોગ્રેસી વગેરે અન્ય પાર્ટીનાં લોકોને પણ ભાજપે સભ્ય બનાવી દીધા!

ગુજરાત ભાજપ દ્વારા ૧.૧૦ કરોડ સભ્યો બનાવવામાં આવ્યાનો દાવો કરવામાં આવે છે પરંતુ તેમાંથી સેંકડો લોકોને તેમની જાણબહાર ભાજપના સભ્ય બનાવી દેવાયા હોવાનું બહાર આવી રહ્યું છે. ભાજપના સભ્ય ન બન્યા હોય તેમ છતાં તેમને ભાજપના સભ્ય બનાવવાના મેસેજ મળતા અનેક લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. ડાબેરી વિચારધારા ધરાવતા, કોંગ્રેસના કાર્યકરો અને કોઇ પક્ષ સાથે સંકલાયેલા ન હો તેવા લોકોને પણ બારોબાર સભ્ય બનાવી દેવાયા છે. જો કે ભાજપ દ્વારા મે મહિનાથી શરૂ થનારા મહાસંપર્ક અભિયાનમાં કાર્યકરો દ્વારા તમામનો વ્યક્તિગત સંપર્ક કરીને કોઇ અનિચ્છા દર્શાવશે તો તેને સભ્ય બનાવવામાં નહીં આવે તેમ કહેવામાં આવ્યું છે.

ભાજપની સભ્ય નોંધણી ઝુંબેશમાં કેટલાક સ્થળોએ ખોટી રીતે સભ્ય બનાવ્યાના કિસ્સા ઉજાગર થઇ રહ્યા છે. એક તબક્કે ભાજપમાં સભ્ય નોંધણી પ્રક્રિયા સ્થગિત થઇ હતી તે પછી વિવિધ ક્ષેત્રના લોકોને સભ્ય બનાવવાની ઝુંબેશ શરૂ કરાઇ હતી. ગુજરાતમાં દેશમાં સૌથી વધુ ભાજપના સભ્યો બનાવવાનું દબાણ હોવાના કારણે અનેક રીતે સભ્ય બનાવવાનું શરૂ કરાયું હતું. જેમાં સંખ્યાબંધ લોકોને ફોન પર વોઇસ મેસેજ દ્વારા સભ્ય બનાવવામાં આવતા હતા. જેમાં સભ્ય બનાવવા અંગેનો ફોન જતાં વ્યક્તિ ફોન યોગ્ય રીતે કટ ન કરે અને બીજું બટન દબાવી દે તો તે પક્ષનો સભ્ય બની જતો હતો. જો કે આ પદ્ધતિમાં કોંગ્રેસ, આમઆદમી પાર્ટી, ડાબેરી વિચારધારા ધરાવતા કે કોઇપણ પક્ષ સાથે જોડાયેલા ન હોય તેઓ પણ સભ્ય બની ગયા હતા. તેમાંથી અનેક લોકોએ ફરિયાદ કરવાનું પણ શરૂ કર્યું છે.

પ્રવક્તા ડો. હર્ષદ પટેલે કહ્યું હતું કે, પક્ષ દ્વારા રેકોર્ડ બનાવવા માટે આમ નથી કરાયું તથા કોઇને ખોટી રીતે સભ્ય બનાવવામાં પણ નહીં આવે પરંતુ કોઇ વ્યક્તિને વોઇસ મેસેજ ગયો હોય અને તેમના દ્વારા ફોન કટ ન કરવામાં આવ્યો હોય તો તે પ્રોવિઝનલ સભ્ય ગણાય છે. મે મહિનાથી ત્રણ મહિના વ્યક્તિગત રીતે દરેક નવા સભ્યોનો કન્ફર્મેશન માટે સંપર્ક કરશે અને જો કોઇ ભાજપમાં જોડાવવા અંગે અનિચ્છા દર્શાવશે તો તે મંજૂર રખાશે. ગુજરાતમાં ૮ મીએ પક્ષ પ્રમુખ અમિત શાહ મહાસંપર્ક અભિયાનનો પ્રારંભ કરાવશે.

નરેન્દ્ર મોદીની નીતિઓના કડક ટીકાકાર કટાર લેખક પ્રકાશ ન. શાહને પણ ભાજપે ઉત્સાહમાં આવીને સભ્ય બનાવી દીધા છે. તેમણે જણાવ્યું કે, 'મને SMS આવ્યો અને ભાજપનો સભ્ય થઇ ગયો હોવાની જાણ કરાઇ હતી. કર્મશીલ ઉત્તમ પરમારને પણ આ રીતે બનાવાતા તેમણે ફરિયાદ કરતા ભૂલ હશે તો સુધારી લેવાશે તેવો જવાબ મળ્યો હતો.'

રાજકીય હરીફ કોંગ્રેસના કાર્યકરોને પણ ભાજપના સભ્ય બનાવી દેવાયા છે. કોંગ્રેસના પ્રવક્તા શૈલેષ પરમારને આ અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે, સામાન્ય કાર્યકર તો ઠીક સુરતમાં કોંગ્રેસના એક સેલના હોદ્દેદારને પણ આવી રીતે ભાજપનો સભ્ય બની ગયાનો મેસેજ આવ્યો હતો. આ રીતે કાર્યકર બનાવવાની પધ્ધતિને અયોગ્ય ગણી શકાય.