શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: અમદાવાદ : , શુક્રવાર, 20 ડિસેમ્બર 2013 (11:39 IST)

ગુજરાતમાં યુવાનો માટે નવી ભરતીનું આયોજન, 20 હજાર ભરતીઓ

P.R
લોકસભાની ચૂંટણીઓ નજીક છે ત્યારે રાજ્ય સરકારમાં નવી ભરતીઓ શરૂ કરવાની હિલચાલ મળે છે અને દસ વર્ષમાં 75 હજાર નવી ભરતીઓ કરવાનું આયોજન છે જેની શરૂઆત આગામી મહિનેથી થશે. જ્યારે ચાલુ નાણાંકીય વર્ષમાં ગુજરાત સરકારમાંથી વધુ 20 હજાર કર્મચારીઓ વયમર્યાદાને કારણે નિવૃત્ત થઇ રહ્યાં છે. રાજ્ય સરકારની આ હિલચાલને ચૂંટણીના સંદર્ભમાં જોવામાં આવી રહી છે.

ગુજરાત સરકારમાં છેલ્લા ઘણા વર્ષોથી નવી ભરતી પર પ્રતિબંધ મુકાયો હતો. ફિક્સ પગારથી નવી ભરતી થતી હતી જેમાં વિદ્યાસહાયકો, લોકસરક્ષક સહાયક વગેરનો સમાવેશ થાય છે. અગાઉ જેમ મોટાપાયે સરકારમાં ભરતીઓ થતી હતી તેમ હવે આગામી સમયમાં એવો માહોલ રોજગાર ક્ષેત્રે સર્જાશે કેમ કે ગુજરાત સરકારના વહીવટીતંત્રમાં દર વર્ષે મોટી સંખ્યામાં કર્મચારીઓ નિવૃત્ત થઇ રહ્યા છે જેની સામે નવી ભરતી ખૂબજ ઓછી જોવા મળે છે.

સૂત્રોએ કહ્યું કે દસ વર્ષમાં 75 હજાર નવી ભરતીઓને કારણે મોટાપાયે યુવાનોને રોજગારી મળી શકશે. વર્ગ એકથી વર્ગ ચારમાં વિવિધ વિભાગોમાં સંખ્યાબંધ જગ્યાઓ કર્મચારીઓના અભાવે ખાલી પડી છે. અને તેની સીધી અસર કામ ઉપર જોવા મળે છે. નવી ભરતી થયા બાદ પ્રજાની ફરિયાદોનો ત્વરીત નિકાલ થશે. જોકે, તે માટે પ્રજાએ રાહ જોવી પડે તો નવાઇ નહીં.