શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: અમદાવાદ , શુક્રવાર, 29 નવેમ્બર 2013 (11:22 IST)

ગુજરાતમાં સીએનજીના ભાવ ક્યારે ઘટશે ?

P.R
ગુજરાતમાં ઓટોરિક્શા ચાલકો સીએનજી કારમાલિકો અને સીએનજીથી ચાલતા ઉદ્યોગોના સંચાલકો કેન્દ્ર સરકાર દ્વારા સસ્તા ભાવે સીએનજી ગેસ ક્યારે અને ક્યા ભાવે અપાશે તેની આતુરકાપૂર્વક રાહ જોઇ રહ્યાં છે ત્યારે ગુજરાત સરકાર પણ કેન્દ્ર સરકાર ગુજરાતને કયા ભાવે સીએનજી ગેસ આપે છે તેની ગણતરીઓ મુકે છે. ગુજરાત હાઈકોર્ટ, સુપ્રીમકોર્ટ વગેરેની દરમ્યાનગીરીને કારણે કેન્દ્ર સરકારને ગુજરાતને મુંબઇ, દિલ્હીની જેમ સસ્તા ભાવે ગેસ આપવાની ફરજ પડી છે પરંતુ હજુ સુધી તેનો ભાવ જાહેર કર્યો નથી.

સૂત્રોએ કહ્યું કે ગુજરાત સરકારે તો પહેલી ડિસેમ્બરથી ગુજરાતને સસ્તા ભાવે ગેસ મળતો થઇ જશે એવી જાહેરાત કરી છે પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા કોઇ સત્તાવાર જાહેરાત થઇ નથી. એમ મનાય છે કે અંદાજે 15થી 20 રૂપિયાના ઓછા ભાવે ગુજરાતને આ ગેસ મળશે. સીએનજી ગેસના વધેલા ભાવને કારણે જ મોરબીના સિરામીક ઉદ્યોગે કંટાળીને છેવટે પોતાનું ઉત્પાદન અટકાવ્યું છે. તો બીજી તરફ મોરબી અને સીએનજી ગેસના વપરાશકારો ભાવ ક્યારે ઘટશે તેની ગણતરીઓ મુકી રહ્યા છે.

સૂત્રોએ કહ્યું કે ગુજરાત સરકારને કેન્દ્ર પાસેથી સસ્તા ભાવે ગેસ જોઇએ છે પરંતુ ગેસ પર લેવાતા ઉંચા વેટના દરોમાં ઘટાડો કરવાની કોઇ ઇચ્છા થતી નથી. નાણામંત્રી નિતીન પટેલ કહે છે કે સીએનજીના ભાવ ઘટશે એટલે ગુજરાતને વેટમાં મળતી આવક પણ ઘટશે તેથી વેટ ઘટાડવાની કોઇ જરૂર જણાતી નથી. તેઓ એમ પણ કહે છે કે ગેસના ભાવ ઘટતાં રિક્શાના ભાવ ઘટશે પરંતુ ગેસ સંચાલિત એસટી બસના ભાડાં ઘટશે કે કેમ એ અંગે તેઓ ના પાડે છે એટલે કે ગુજરાત સરકાર રિક્શાનાં ભાડાં ઘટાડશે પરંતુ જેમાં રોજેરોજ લાખો લોકો મુસાફરી કરે છે તેવા એસટી બસના ભાડાંમાં ઘટાડો કરવા કેમ તૈયાર નથી તે કહેવાની ભાગ્યે જ જરૂર છે.