ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Updated : મંગળવાર, 15 એપ્રિલ 2014 (15:59 IST)

ચંબલનાં ડાકુઓ અમદાવાદમાં-લૂંટ ચલાવે તે પહેલા જ પોલીસે ઝડપી લીધા

W.D
શહેરમાં છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન જવેલર્સ ઉપર હુમલો કરીને લાખોની લૂંટ ચલાવવાના ચકચારી બનાવો બન્યા છે. દરમિયાન આજે શહેરના નરોડા વિસ્તારમાંથી પોલીસે જવેલર્સ ઉપર હુમલો કરીને લૂંટ ચલાવે તે પહેલા જ મધ્યપ્રદેશની કુખ્યાત ટોળકીના પાંચ સભ્યોને પોલીસે ઝડપી લીધા હતા. તેમજ તેમની પાસેથી બે રિવોલ્વર, તમંચો અને ૨૫ કારતૂસ જપ્ત કરવામાં આવ્યા હતા.

આધારભૂતસૂત્રોના જણાવ્યા અનુસાર પડોશી રાજય મધ્યપ્રદેશમાં હત્યા, લૂંટ સહિતના ગંભીર ગુના આચરીને અમદાવાદ આવેલી ગેંગના પાંચ સભ્યો નરોડામાં કૃષ્ણનગર એસ.ટી.વર્કશોપના ખુલ્લા મેદાનમાં રાત્રે એકઠા થયા હતા. જયાં ટોળકીએ કૃષ્ણનગરમાં આવેલા જવેલર્સ શો-રૂમના વેપારી ઉપર હુમલો કરીને લાખોની લૂંટ ચલાવવાનું કાવતરું ઘડ્યું હતું. દરમિયાન પોલીસે ચોક્કસ બાતમીના આધારે છાપો મારતા દોડધામ મચી ગઈ હતી અને ભારે જહેમત બાદ તમામ લુંટારુઓને ઝડપી લીધા હતા. તેમની તપાસ કરતા તેમની પાસેથી લોડેડ બે પિસ્તોલ, લોડેડ તમંચો, ૨૫ કારતૂસ, પાંચ મોબાઈલ ફોન, રોકડ રૂ. ૧૬ હજાર મળીને ૧.૫૮ લાખની મતા જપ્ત કરવામાં આવી હતી. લુંટારુઓએ કૃષ્ણનગરમાં મહાકાળી માતાજીના મંદિર પાસે આવેલા જવેલર્સ શો-રુમની રેકી કરી હતી. તેમજ અંધારું થાય ત્યારે ખરીદીના બહાને દુકાનમાં જઈને વેપારીને હથિયાર બતાવીને રોકડ અને દાગીના મળીને લાખોની લૂંટ ચલાવીને મધ્યપ્રદેશ ભાગી જવાનું કાવતરું ઘડ્યું હતું. તેમજ રસ્તામાં કોઈ આવે તો તેને ભડાકે દેવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતુો. જોકે, ટોળકીના સભ્યો પંકજ ઉર્ફે ભોલુ રામનરેશ શર્મા (ઉ.વ.૨૨), ભુપેશ ઉર્ફે ભોલુ ગજરાજ યાદવ (ઉ.વ.૨૩), ચંદ્રભાણ ઉર્ફે પપ્પુ તોમર (ઉ.વ.૩૦), સંદીપ બલરામ તોમર (ઉ.વ.૨૨, રહે : નરોડા, મૂળ રહે : મધ્યપ્રદેશ) તથા વિનોદ ઉર્ફે કલ્લુ તોમર (ઉ.વ.૨૮, રહે : સુરત , મુળ રહે : એમપી) ગુનાને અંજામ આપે તે પહેલા જ તેને ઝડપી લેવામાં આવ્યા હતા. આ ટોળકીએ અગાઉ અમદાવાદમાં કોઈ સોની ઉપર હુમલો કરીને લૂંટ ચલાવી છે કે કેમ તેની તપાસ આરંભી છે. ટોળકીને હથિયાર મધ્યપ્રદેશના મોરેના જિલ્લાના ગણેશપાલ પુરણસિંહ તોમરે આપ્યા હોવાનું ખૂલતા તેને ઝડપી લેવા તજવીજ હાથધરવામાં આવી છે.