ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 30 મે 2013 (11:56 IST)

ચૂંટણી છે ને!?...લોકોએ ન ખાધો હોય એવો નાસ્તો ને ન પીધો હોય એવા દારૃ મળી રહ્યો છે

P.R
બે લોકસભા બેઠક અને ચાર વિધાનસભા બેઠકો પર મતદારોને ટૂંકા ગાળા માટે અનેક સમસ્યાનો હલ મળી ગયો છે. સૌરાષ્ટ્રમાં પાણીની તકલીફના કારણે લોકોને પાણી પાછળ કરવો પડેલો ખર્ચ ઉમેદવારો કે રાજકીય પક્ષો દ્વારા મજરે આપવામાં આવે છે. જયારે બનાસકાંઠાના ગામડાઓમાં ગામ લોકોએ ન ચાખ્યો હોય એવો નાસ્તો અને ન પીધો હોય એવા દારૃ પીવા મળે છે.

ચૂંટણી પંચ દ્વારા આચારસંહિતાના કડક અમલ પછી પણ કાર્યકરો મતદારોને રિઝવવાના રસ્તા શોધી કાઢતા હોય છે. પોરબંદર લોકસભા બેઠકમાં આવતી વિધાનસભા બેઠકોમાં પાણીની સમસ્યા મુખ્ય છે. ભાજપના કાર્યકરો અને ઉમેદવાર જયાં જાય ત્યાં પાણીના પ્રશ્નનો સામનો કરવો પડે છે. એક અગ્રણી કાર્યકરે જણાવ્યું કે મતદારો પણ હવે હોશિયાર થઇ ગયા છે. અત્યાર સુધીમાં પાણી પાછળ કરેલો ખર્ચ કોણ આપશે ? એવો સવાલ કરીને પાણીનો ખર્ચ રાજકીય પક્ષો પાસેથી વસુલી લે છે. તેમને ખબર છે કે અત્યારે તક મળી છે. ચૂંટાયા પછી કોઇ પુછવા આવવાનું નથી. જેથી ગામના બોલકા આગેવાનો માંગે એટલા રૃપિયા આપવા પડે છે.

બનાસકાંઠા લોકસભા બેઠક પર ઉત્તર ગુજરાત અને અમદાવાદના ભાજપના નેતાઓ અને કાર્યકરો ગામડાઓમાં પહોંચી ગયા છે. આ હાઇફાઇ કાર્યકરોને હવે ગાંઠીયા- ભજીયાનો નાસ્તો પસંદ નથી. જેથી રાત્રે ખાસ કરીગરોને બોલાવી રોજ નવા નવા નાસ્તો બનાવડાવે છે. જેમાં ભાજીપાંઉ, સમોસા, સેવઉસળ વગેરે નાસ્તા તૈયાર થાય છે. કાર્યકરો માટે બનતા આ નાસ્તામાં ગામડાની પ્રજા પણ લાભ લેવા પહોંચી જાય છે અને તેમને પણ રોજ નવા નવા નાસ્તાનો લાભ મળે છે.

બનાસકાંઠામાં અફીણ અને દારૃ બે માંગ મુખ્ય રહે છે. ભાજપ અને કોંગ્રેસની ખાસ ટીમો આ આયોજન કરે છે. જેથી ગામડાના મતદારોએ ચાખ્યો ન હોય એવા ઇંગ્લીશ કવાટરીયા મતદારોને થોડા દિવસ મળી રહેશે. મોરવા હડફ બેઠકમાં આદિવાસી મતદારો હોવાથી તેમને વેજીટેરિયન નાસ્તો માફક આવતો નથી. તેમના માટે ખાસ વ્યવસ્થાના ભાગ રૃપે રો મટિરિયલ પુરુ પાડી દેવામાં આવે છે. જે તેઓ રાંધીને ખાય છે અને પીવાની વ્યવસ્થા મોટા પ્રમાણમાં કરવામાં આવે છે.

આ વ્યવસ્થા દરેક પક્ષ માટે ફરજીયાત હોય છે. પરંતુ ભાજપ આર્થિક રીતે સંપન્ન હોવાથી તેમના કાર્યાલયો પર આવી માંગણીઓ લઇને આવતા ટોળા વિશેષ પ્રમાણમાં હોય છે. ચૂંટણી એક પર્વ છે અને ગામડાના મતદારો આ પર્વને ધામધૂમથી ઉજવી લેવા માંગતા હોય છે.