શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 6 મે 2014 (12:55 IST)

ચૂંટણીના પરિણામ પહેલા જ કોંગ્રેસમાં ફરિયાદો શરુ

લોકસભાની ચૂંટણીના પરિણામને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે કોંગ્રેસમાં બુથ લીડર્સ, વોર્ડ પ્રમુખો તેમ જ પ્રદેશના અગ્રણીઓને સોંપવામાં આવેલી જવાબદારીઓની સમીક્ષા ચાલી રહી છે. કેટલાક ઉમેદવારોએ પણ કાર્યકરો અને જિલ્લા અગ્રણીઓ નિષ્ક્રિય રહ્યાની કે પક્ષ વિરુદ્ધ કામ કર્યાની પ્રદેશ પ્રમુખને ફરિયાદો કરી છે. ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસમાં મોટા પાયે સાફસૂફી અભિયાન હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે કારણ કે ચૂંટણીમાં કોણે કેવી કામગીરી કરી તેનો વ્યક્તિગત મૂલ્યાંકન રિપોર્ટ એઆઈસીસીના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને રજૂ કરવામાં આવશે.

પ્રદેશ કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા મુજબ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરોને જવાબદારી સોંપવામાં આવી હતી.

કાર્યકરોએ અને આગેવાનોએ કરેલી કામગીરીનો રિપોર્ટકાર્ડ તૈયાર કરી દેવામાં આવ્યો છે. કેટલાક ઉમેદવારોએ પણ જિલ્લા-તાલુકાના આગેવાનો નિષ્ક્રિય રહ્યાની પ્રદેશ કમાન્ડને ફરિયાદો કરી છે.

જ્યારે બીજી બાજુ તાલુકા અને જિલ્લાઓના કેટલાક આગેવાનો અને કાર્યકરોએ ઉમેદવારો સામે એવી ફરિયાદ કરી હતી કે પાર્ટી તરફથી ઉમેદવારોને જે ફંડ ફાળવવામાં આવ્યું હતું તેનો ખર્ચ કરવામાં આવ્યો જ નથી. તાલુકાના આગેવાનોને તો ઉમેદવાર કે પક્ષ તરફથી જરૂરી નાણાં, બેનર્સ, પોસ્ટર્સ કે પ્રચાર માટેના વાહનો ફાળવવામાં આવ્યા ન હતા. ગામડાઓમાં અગ્રણીઓને પોતાના વાહનો લઈને પ્રચારમાં જવું પડ્યું હતું. નાણાંની ફાળવણી ન થવાને લીધે મતદાન કેન્દ્રો પર કોંગ્રેસ પોતાના બુથ પણ ઊભા કરી શક્યું ન હતું.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ફરિયાદ સેલને ઘણી ફરિયાદો મળી છે પણ ચૂંટણીના પરિણામો આવે ત્યાં સુધી તમામ ફરિયાદોને ફ્રિજ કરી દેવામાં આવી છે, પણ ચૂંટણીના પરિણામો બાદ તમામ ફરિયાદોની સમીક્ષા કરીને જવાબદારો સામે પગલાં લેવામાં આવે તેવી શક્યતા છે.