મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 10 નવેમ્બર 2014 (17:27 IST)

ચોવીસ કલાક ચાલનારા દેશનાં ચોથા નંબરનાં વિશાળ માર્કેટિંગ યાર્ડનો પ્રારંભ

ગુજરાતના સૌથી મોટા અને દેશના ચોથા નંબરના વિશાળ એવા રાજકોટના બેડી ગામ પાસે આવેલા રાજકોટ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના માર્કેટિંગ યાર્ડને ગુજરાતનાં મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. યાર્ડનું ઓપનિંગ કર્યા પછી આનંદીબહેન પટેલે કહ્યું હતું કે ‘આદર્શ માર્કેટિંગ યાર્ડ કેવું હોય એ આખા દેશને રાજકોટના માર્કેટિંગ યાર્ડ પાસેથી ખબર પડશે. સૌથી સારી વાત એ છે કે આ માર્કેટિંગ યાર્ડ બનાવવા માટે માત્ર આર્કિટેક્ટનો જ નહીં, તમામ ખેડૂતોની સૂઝનો પણ ઉપયોગ થયો છે.’

૮૯ એકર જમીન પર પથરાયેલું આ માર્કેટિંગ યાર્ડ ગુજરાતનું સૌથી મોટું અને દેશનું ચોથા નંબરનું વિશાળ માર્કેટિંગ યાર્ડ છે. ૨૭૨ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ માર્કેટિંગ યાર્ડમાં કુલ ૧૨૫૦ શૉપ્સ અને ગોડાઉન છે તો માલ ઉતારવા માટે અલ્ટ્રામૉડર્ન બાર પ્લૅટફૉર્મ છે. માર્કેટિંગ યાર્ડને કુલ ૨૭૦૦ CCTV કૅમેરાથી સજ્જ કરવામાં આવ્યું છે. આટલા કૅમેરા દ્વારા જે વિઝ્યુઅલ કૅપ્ચર થશે એ માટે ૧૫૦ ટીવી-સેટ મૂકવામાં આવ્યા છે. માર્કેટિંગ યાર્ડના દરવાજાથી માંડીને અધિકારીઓની ચેમ્બર સુધ્ધાં ઑટોમૅટિક છે. માર્કેટિંગ યાર્ડમાં પહેલી વખત ઑડિટોરિયમ, લાઇબ્રેરી, ગેસ્ટ-હાઉસ, રેસ્ટોરાં જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે.

રાજકોટના આ માર્કેટિંગ યાર્ડમાં ચોવીસે કલાક અને સાતે દિવસ દરમ્યાન ખેડૂતો પોતાનો માલ ઉતારી શકશે, જેને કારણે સૌથી મોટો ફાયદો બહારગામના ખેડૂતોને થશે. તેમણે રાહ જોઈને બેસી રહેવું નહીં પડે.

સામાન્ય રીતે સહકારી મંડળી સરકાર પાસેથી ફન્ડની અપેક્ષા રાખતી હોય છે, પણ ગઈ કાલે રાજકોટ માર્કેટિંગ યાર્ડે ઊંધો ચીલો ચાતર્યો હતો અને ગુજરાત સરકારને સ્વચ્છતા મિશન માટે અગિયાર લાખ રૂપિયાનું ફન્ડ આપ્યું હતું તો સાથોસાથ એમ પણ કહ્યું હતું કે રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગુજરાતના અન્ય તમામ માર્કેટિંગ યાર્ડને પણ આ અભિયાનમાં ફન્ડ આપવા માટે રજૂઆત કરશે. રાજકોટ માર્કેટિંગ યાર્ડના પ્રમુખ હરદેવસિંહ જાડેજાએ કહ્યું હતું કે દરેક વખતે લેવાની નીતિ કરતાં સરકાર પ્રત્યે આપણી ફરજ હોય એ વાતને સમજીને અમે આ પગલું લીધું છે.