બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: શનિવાર, 4 મે 2013 (11:18 IST)

છેલ્લાં ૪૨ વર્ષથી ગુજરાતનો આ નરબંકો પાકિસ્તાનની કેદમાં છે

બેટા, આ વખતે ઘરે જલદી પાછો આવજે.’

‘પાકિસ્તાન સાથે યુદ્ધ છેડાઈ જશે એવો માહોલ છે, પરંતુ તમે ચિંતા ન કરતા, હું જલદી જ ઘરે પાછો ફરીશ.’

‘અમે બધી તૈયારી કરી લીધી છે. તું આવે એટલે આપણે તારી સગાઈ કરી લેવી છે.’

સામે છેડે લશ્કરનો એ જવાન શરમાઈ જાય છે. આ સંવાદ છે ૪૨ વર્ષ પહેલા એટલે કે ૧૯૭૧નો. ભારતમાતાની સેવા કરવાની દેશદાઝ સાથે લશ્કરમાં જોડાયેલા કલ્યાણસિંહ રાઠોડની વાત આજે કરવી છે. એક ગુજરાતી નરવીર દુશ્મનોને કેવી ધૂળ ચટાડી શકે! ભારતમાતાની રક્ષા માટે જાનની બાજી લગાવી દેવી પડે તોય ‘દાળભાત’ ખાનારો ગુજરાતી પાછળ ન રહે એની વાત આજે કરવી છે. વર્ષ ૧૯૭૧ના ભારત-પાક યુદ્ધ બાદ યુદ્ધકેદી તરીકે પકડાઈ ગયેલા અને દેશના નેતાઓની ‘મહેરબાની’થી હજી સુધી દુશ્મનોની જેલોમાં સબડી રહેલા ૫૪ જવાન પૈકી એકમાત્ર ગુજરાતી જવાન એટલે કલ્યાણસિંહ રાઠોડ. ૪૨ વર્ષ પહેલાં ભાવનગરની યુવતી સાથે તેનું સગપણ નક્કી થઈ ગયું હતું. વાત પાક્કી જ હતી, માત્ર સગાઈ કરવાની બાકી હતી. યુદ્ધ બાદ કલ્યાણસિંહ રાઠોડ ઘરે પાછા ફરે ત્યારે ગોળધાણા ખાઈને વિવાહની તારીખ જ નક્કી કરવાની હતી... પરંતુ અફસોસ કે એ દિવસ તો ક્યારેય આવ્યો જ નહીં. કલ્યાણસિંહ રાઠોડ યુદ્ધ લડવા જે ગયા તે ગયા, ક્યારેય પાછા ફર્યા જ નહીંને! ન સરકારે એમને પાછા લાવવા માટે કોઈ પ્રયાસો કર્યા કે ન લશ્કરે... જોકે આજે પણ તેજસિંહ રાઠોડને ઈંતેજાર છે એમના મોટા ભાઈનો. જો સરકાર પાકિસ્તાન પર દબાણ લાવે તો કલ્યાણસિંહ રાઠોડ ઘરે પાછા ફરશે એવો વિશ્ર્વાસ છે તેજસિંહને.

‘અમે કુલ ચાર ભાઈઓ. કલ્યાણસિંહ રાઠોડ મારા મોટા ભાઈ થાય. પિતાજી હરિસિંહ રાઠોડ એ જમાનામાં મેજિસ્ટ્રેટ હતા. તેઓ પોતે ખૂબ ભણેલા તેથી સંતાનો પણ ઉચ્ચ શિક્ષણ પામે એવી આશા ખરી, પરંતુ કલ્યાણસિંહ ઓલ્ડ એચ.એસ.સી. કરીને પુણેમાં નોકરીએ જોડાયા હતા, તેમનું કૌવત જોઈને તેમને માલિકેે ભારતીય લશ્કરમાં જોડાવાની સલાહ આપી. લશ્કરી તાલીમ લઈને તેઓ આસામ રેજિમેન્ટ-પાંચમાં જોડાઈ ગયા. આ પૂર્વે અમારા પરિવારમાંથી કોઈ લશ્કરમાં જોડાયું નહોતું. કલ્યાણસિંહ પહેલવહેલા યુવાન હતા કે જેમણે ભારતમાતાની સેવા માટે લશ્કરનો માર્ગ પસંદ કર્યો હતો,’ આશરે ૬૫ વર્ષના તેજસિંહ રાઠોડ વાતચીતમાં કહે છે. માટા ભાઈનો ઈંતેજાર કરીને તેમની આંખો બુઢ્ઢી થઈ છે, પરંતુ એમની આશા લગીરે બુઢ્ઢી કે બુઠ્ઠી થઈ નથી.

લશ્કરમાં સૈનિક તરીકે જોડાયેલા કલ્યાણસિંહ રાઠોડે ટૂંકા સમયમાં જ ઉપરી અધિકારીઓને પોતાની કુશળતાથી આંજી દીધા. નિ:સ્વાર્થ ભાવે દેશની રક્ષા માટે જાનની બાજી લગાવી દેવા તૈયાર કલ્યાણસિંહ રાઠોડ સેક્ધડ લેફ્ટનન્ટ, લેફ્ટનન્ટ અને છેલ્લે કેપ્ટન તરીકે બઢતી પામ્યા. ગુજરાતનો આ સપૂત ભારતમાતાની રક્ષા માટે લડવા ગયો હતો. સૌ કોઈ ગર્વ અનુભવતા કલ્યાણસિંહ રાઠોડ માટે, પણ એમની જવાબદારીથી સરકારે જે રીતે હાથ ખંખેરી દીધા છે એ જોઈને કોઈ પોતાના બાળકને લશ્કરમાં મોકલવાનું સાહસ કરશે ખરા?

દેહરાદૂનમાં મિલિટરી ટ્રેઈનિંગ માટે પણ કેપ્ટન કલ્યાણસિંહ રાઠોડ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો હતો. ત્યાર બાદ સિકંદરાબાદમાં તેમની પોસ્ટિંગ હતી. યુદ્ધ છેડાશે એવા અણસાર મળતાં જ તેમને છામ્બ સેક્ટરમાં ફરજ પર તહેનાત કરવામાં આવ્યા હતા. ત્રીજી ડિસેમ્બર, ૧૯૭૧ના રોજ ભારત-પાક યુદ્ધ છેડાયું હતું અને ચોથી ડિસેમ્બરે એમને પત્ર મળ્યો હતો કે કેપ્ટન કલ્યાણસિંહ રાઠોડ ઈઝ મિસિંગ ઈન એક્શન. જોકે ત્યાર બાદ તો પરિવારને ઝટકો આપતો મેસેજ મળ્યો કે કલ્યાણસિંહ રાઠોડ શહીદ થઈ ગયા છે. પરફેક્શનમાં માનતા લશ્કરે એવા ગોટાળા વાળ્યા કે રાઠોડપરિવાર ખળભળી ઉઠ્યો હતો. જોકે ફરી ઊંડાણપૂર્વક તપાસ કરતાં અને કલ્યાણસિંહ રાઠોડના સાથીજવાને આપેલી માહિતી પરથી જાણવા મળ્યું કે પાકિસ્તાન લશ્કરે તેમને યુદ્ધકેદી બનાવ્યા છે. બસ, આ સાંભળ્યા બાદ પરિવારના જીવમાં જીવ આવ્યો કે આજે નહીં તો કાલે કલ્યાણસિંહ ઘરે પાછા ફરશે ખરા... પણ આજ સુધી તો એ આશાએ અનેક વખત દગો આપ્યો છે.

‘યુદ્ધભૂમિ પર દુશ્મનો સાથે જ્યારે થોડાક જ ફર્લાંગનું છેટું હતું ત્યારે પરિસ્થિતિની ગંભીરતા પારખીને ઉપરી અધિકારીઓએ કેપ્ટન રાઠોડનેે પાછા ફરવાનો આદેશ પણ આપ્યો હતો, પરંતુ આ પાર યા પેલે પારના દૃઢ નિશ્ર્ચય સાથે યુદ્ધભૂમિ પર ઊતરેલો જવાન પીછેહઠ કરવા તૈયાર થાય ખરો? કલ્યાણસિંહને પણ એ સમયે માભોમની રક્ષા કાજે પાછા હટવું મંજૂર ન હતું. તેઓ આગળ વધતા રહ્યા. દુશ્મનોને ભારતીય જવાનની બહાદુરીનો પરચો આપ્યા બાદ છેક છેલ્લે આખરે તેઓ પાકિસ્તાન લશ્કરના હાથે સપડાઈ જ ગયા...’ કહે છે ૬૫ વર્ષના તેજસિંહ રાઠોડ.

બસ, હવે દુશ્મનોથી બચી શકાય એમ નથી. પાક લશ્કર કાં તો શહીદ કરી દેશે, કાં તો પકડી પાડશે, એવી ઘડી નજીક આવતાં કેપ્ટન કલ્યાણસિંહ રાઠોડે તરત જ જમીનમાં એક ખાડો ખોદવાનું શરૂ કર્યું. તેમના બે સાથીદાર પણ તેમની આ હરકતથી અચરજ પામી ગયા, પરંતુ એકપણ ક્ષણ ગુમાવવી પાલવે એમ નહોતી. નાનકડો ખાડો ખોદ્યા બાદ કેપ્ટન રાઠોડે પોતાના ખિસ્સામાંથી એક તસવીર કાઢી અને એ ખાડામાં મૂકીને ખાડો પૂરી દીધો. એ તસવીર વિશે વાત કરતાં તેજસિંહ કહે છે કે ‘કલ્યાણસિંહ આસ્તિક હતા. તેઓ લુણાવાડાના ગુમાનંદજીમાં ખૂબ આસ્થા ધરાવતા હતા. ગુમાનંદજીની એક તસવીર હંમેશાં તેઓ પોતાની સાથે જ રાખતા. જ્યારે દુશ્મનો પકડી પાડે તો એમના ગુરુજીની તસવીર દુશ્મનોના હાથમાં ન પહોંચે એ માટે એમણે એક ખાડો ખોદીને એ તસવીર શ્રદ્ધા સાથે એમાં મૂકીને ખાડો પૂરી દીધો.’ જ્યારે મોત માત્ર સામે નહીં, ચારેબાજુ હોય ત્યારે પણ જે વ્યક્તિને એના ગુરુજી યાદ આવે એ વ્યક્તિનું ડેડિકેશન કેવું હશે!

કેપ્ટન કલ્યાણસિંહ રાઠોડને ઘરે લાવવાના તમામ પ્રયાસોમાં પરિવારને માત્ર નિરાશા જ સાંપડી છે. પુત્રના વિયોગથી જવાબદારીઓના બોજથી બેવડ વળી ગયેલા હરિસિંહે વર્ષ ૧૯૮૬માં પરલોકભણી પ્રયાણ કર્યું. દીકરાનેેે ઘરે પાછો લાવવાની પિતાની છેલ્લી ઈચ્છા ક્યારેય પૂરી થઈ નહીં. ‘હું હજી હિંમત હાર્યો નથી. પાકિસ્તાની સરકાર, ભારત સરકાર, ન્યાયાલયો, હ્યુમન રાઈટ્સ એસોસિયેશન વગેરે તમામના દરવાજા હું ખખડાવી ચૂક્યો છું. મારા મોટા ભાઈ જે દિવસે પાછા ફરશે એ જ દિવસેે ૪૨ વર્ષથી ચાલી રહેલા આ યુદ્ધનો અંત આવશે. સાબરકાંઠાથી અમદાવાદ અને દિલ્હી કોર્ટમાં પણ ચક્કર લગાવ્યાં છે. માત્ર નિરાશા સિવાય કશું સાંપડ્યું નથી. સરકાર અને લશ્કરની નિષ્ક્રિયતા શૂળ બનીને ભોંકાયા કરે છે,’ તેજસિંહ ખૂબ ઓછું બોલે છે, પરંતુ જે બોલે એ સોંસરવું લાગી આવે એવું હોય છે.

વર્ષ ૧૯૮૮માં પાકિસ્તાનની જેલમાંથી છૂટીને આવેલા નાથા રામે રાવલપિંડીની જેલમાં કેપ્ટન કલ્યાણસિંહ રાઠોડને જોયા હતા. વર્ષ ૧૯૮૩માં રાવલપિંડીની જેલના ઈન્ટરોગેશન સેન્ટરમાં નાથા રામ અને કલ્યાણસિંહ ભેગા થઈ ગયા હતા. ત્યાર બાદ જુલાઈ, ૧૯૮૮માં પાકિસ્તાનથી છૂટીને આવેલા મુખ્તિયાર સિંહે પણ કલ્યાણસિંહ રાઠોડને ૧૯૮૮માં જ લાહોરની કોટલખપત જેલમાં જોયા હોવાની વાત કરી, પણ સરકાર માને તોને? કેપ્ટન કલ્યાણસિંહ રાઠોડ પાકિસ્તાનની જેલમાં છે એ વાતની સાક્ષી અનેકોએ આપી છે, પણ આપણી સરકારને એમના આંખોદેખ્યા અહેવાલ પર વિશ્ર્વાસ નથી. પાકિસ્તાની વડાઓએ કહ્યું કે ‘અમારી જેલોમાં કોઈ ભારતીય જવાન યુદ્ધકેદી તરીકે કેદ નથી’ ને આપણી સરકારે એે ફટ દઈને માની પણ લીધું. બોલો, શું કહેશો આ સરકારને?

ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ચાંદરાણી ગામને આજે પણ પોતાના સપૂતનો ઈંતેજાર છે. ગુજરાતના આ વિરલાને કોઈએ યાદ રાખ્યા હોય કે નહીં, ગામવાસીઓ તો ચાંદરાણી ગામની શાળાને ‘કેપ્ટન કલ્યાણસિંહ રાઠોડ’નું નામ આપીને દરરોજ યાદ કરે છે. શાળાના વિદ્યાર્થીઓ જ્યારે જ્યારે પોતાની શાળાનું નામ બોલે-લખે ત્યારે આ જાંબાઝ જવાન જેવા બનવાનું સ્વપ્ન જોતા હશે ખરા? પ્રશ્ર્ન પેચીદો છે. ઉત્તર બધાને ખબર છે, છતાંય ખબર નથી. જય હિંદ!