શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 20 જૂન 2013 (16:11 IST)

જામનગર-નડિયાદ અને ઉમરેઠ-રાજકોટના યાત્રાળુઓ ઉત્તરાખંડમાં ફસાયા

P.R

ઉત્તરાખંડમાં કેદારનાથ તથા ગૌરીકુંડ આસપાસના વિસ્તારોમાં વાદળ ફાટતાં અને ધોધમાર વરસાદથી ભેખડો ધસી પડવાની ઘટનાનાં પગલે ભારે તબાહી મચી જતાં હજારો લોકો ફસાયા છે. જામનગર સહિત સૌરાષ્ટ્ના 100થી વધુ યાત્રિકો પણ ફસાયેલા છે. જે પૈકી મોટાભાગના યાત્રિકોનો કોઈ જ સંપર્ક થતો નથી. જેમાં જામનગરના 30 યાત્રિકો પૈકીના દ્વારકા, ખંભાળિયા સહિતના યાત્રિકો સંપર્કવિહોણા છે.

રાજકોટના 21 યાત્રિકો લાપતા છે. અમરેલી જિલ્લામાંથી 19 યાત્રિકોનો સંપર્ક થતો નથી. આ ઉપરાંત ગ્રામિણ વિસ્તારોમાંથી ગયેલા કેટલાક યાત્રિકોનો કોઈ સંપર્ક થતો નથી. જેથી, તેમના પરિવારજનો ચિંતાતુર છે. દરેક જિલ્લામથકોએથી તંત્ર દ્વારા સંપર્ક કરવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.
P.R


ચારધામની યાત્રાએ ગયેલા જામનગર શહેર-જિલ્લાના 30 યાત્રિકો ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં જામનગર મહાપાલિકાના ચીફ એકાઉન્ટન્ટ જિજ્ઞેશ નિર્મલનાં માતા-પિતા અને બહેન ગત તા. 12ના રોજ ટ્રેન મારફતે યમનોત્રીની યાત્રાએ ગયા હતા. તેઓ ઉત્તરકાશી ઉપર સિયાજીચટ્ટી ખાતે તા. 15 થી ફસાઈ ગયા છે. તેમની સાથે જામનગર, દ્વારકા, ખંભાળિયા વગેરેના યાત્રિકો પણ હતા. હરિદ્વારથી તેઓ જુદી જુદી ગાડીઓમાં નીકળ્યા હોવાથી એકબીજા સાથે નથી.


ચરોતરમાંથી ચાર ધામની યાત્રાએ નિકળેલા ઉમરેઠ અને નડિયાદના કુલ 100 જેટલા યાત્રાળુઓ છે. કેદારનાથ અને બદ્રીનાથમાં ભારે વરસાદના કારણે આવેલા પુરથી ભારે તબાહી સર્જાઈ હોવાના સમાચાર આવતાની સાથે જ પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા.

નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં રહેતા મહેશ્વરી સમાજના ત્રીસ લોકો કેદારનાથ- બદ્રીનાથની યાત્રા માટે રવાના થયા હતા. જેમનો કોઈ અત્તો પત્તો મળતો ન હતો. પરંતુ ફોનના માધ્યમથી સહીસલામત હોવાના સમાચાર મળતા પરિવારજનોની થોડી ચિંતા ઓછી થવા પામી છે.

પરિવારજનોના મતે હિમાલયના ઉત્તરાખંડમાં મુખ્ય ચાર ધામ આવેલા છે. આ ચાર ધામની યાત્રા મોટા ભાગે મે- જૂન મહિનામાં કરવામાં આવે છે જેથી આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં રહેતા પટેલ પરિવારના 60 જેટલા સભ્યો ચાર ધામની યાત્રા માટે રવાના થયા હતા. બદ્રિનાથના દર્શને થવા માટે યાત્રાળુઓ પહેલા કેદારનાથ જાય છે. અને ત્યાંથી પગપાળા , મોટર કે પછી ઘોડા, દંડી તથા કંડીના સાધન મળી રહે છે. જોકે મે-જૂન મહિના પછી વરસાદની શરૂઆત થતાં કેદારનાથ- બદ્રીનાથની યાત્રામાં ઘણી તકલીફ પડતી હોય છે. જેથી મોટાભાગના લોકો ચાર ધામની યાત્રા મે - જૂન મહિનામાં જ કરી લેવાની ઈચ્છા ધરાવે છે. પરંતુ આ વર્ષે શરૂઆતે જ વરસાદે તબાહી સર્જી દીધી છે જેમાં હજારો યાત્રાળુઓ ફસાઈ ગયા છે.