શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 28 ફેબ્રુઆરી 2014 (14:51 IST)

જેને ભણવું જ છે તેને કોણ રોકી શકે?, પાંચમું ધોરણ ભણેલા રમેશભાઇએ છઠ્ઠી એલએલએમની ડિગ્રી મેળવી

P.R
પરિવારની નબળી આર્થિક સ્થિતિને કારણે ઘણી વ્યક્તિઓ પૂરતું શિક્ષણ મેળવી શકતી નથી. જોકે, નબળી સ્થિતિ છતાં મક્કમ મનોબળને સહારે ઉચ્ચ શિક્ષણ મેળવનારાઓના કિસ્સા પણ આપણને સાંભળવા મળે છે. તેનું ઉત્તમ ઉદાહરણ બુધવારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિર્વિસટી કેમ્પસમાં જોવા મળ્યું હતું. જેમાં ૪૫ વર્ષના રમેશભાઇ ચૌધરી એલએલએમની ડિગ્રી લેવા કેમ્પસમાં પહોંચી ગયા હતા અને તેમને જોઇને અન્ય વિદ્યાર્થીઓ દંગ રહી ગયા હતા. શાળામાં માંડ પાંચમું ધોરણ ભણેલા રમેશભાઇએ ૪૫ વર્ષની વયે બુધવારે છઠ્ઠી એલએલએમની ડિગ્રી મેળવી હતી.

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના છેવાડાના અલગત ગામમાં રહેતા ૪૫ વર્ષીય રમેશભાઇ ચૌધરીએ બુધવારે યુનિર્વિસટીના પદવીદાન સમારોહમાં એલએલએમની પદવી મેળવી હતી. તેમની આ છઠ્ઠી ડિગ્રી છે, પણ તેમનો ભૂતકાળ અત્યંત રસપ્રદ છે. પરિવારની નબળી આર્થિક સ્થિતિને કારણે તેમને ધોરણ-૫ સુધી જ શાળામાં શિક્ષણ મેળવ્યું હતું. ત્યારબાદ અધૂરો અભ્યાસ છોડીને અઢી રૂપિયા રોજની બાળમજૂરી કરી હતી. માંડ એક ટંક ખાવાનું મળી રહે એવી સ્થિતિમાં નવસારીમાં હીરા ઘસવાનું કાર્ય શીખવા ગયા હતા. રત્નકલાકારી કરતાં કરતાં હીરો બનવાની લાયમાં મુંબઇની વાટ પકડી હતી. જોકે, મુંબઇમાં સફળતા ન સાંપડતા ફરી સુરત આવ્યા હતા. સુરત આવ્યા પછી હીરાનું કારખાનું શરૂ કરવાની સાથે ભણતર ઓછું હોવાનો અહેસાસ થતાં ૧૯૯૦માં હીરાઉદ્યોગને તિલાંજલિ આપી હતી.

દરમિયાન ભારે મનોમંથન અને અન્યોના સૂચન લીધા પછી ધોરણ ૫ પછીનું શાળાનું શિક્ષણ લીધા વિના જ સીધી જ ધોરણ-૧૦ અને પછી ધોરણ-૧૨ની પરીક્ષા આપી હતી. બોર્ડ પછી બારડોલીની આર્ટ્સ એન્ડ કોલેજમાં રેગ્યુલર અભ્યાસ કરી પ્રથમ બી.એ.ની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ અભ્યાસની ઘેલછા થકી એમ.એ.ની બીજી ડિગ્રી, જર્નાલિઝમની ત્રીજી ડિગ્રી, એલએલબીની ચોથી ડિગ્રી, સ્પેશિયલ એલએલબીની પાંચમી ડિગ્રી અને હમણાં ૪૫ વર્ષની વયે એલએલએમની છઠ્ઠી ડિગ્રી મેળવી છે. આ અંગે રમેશભાઇએ જણાવ્યું હતું કે, પહેલા નબળી આર્થિક સ્થિતિને કારણે શિક્ષણ અધવચ્ચેથી છોડયું હતું, પણ ત્યારપછી તેનું મહત્ત્વ સમજાતા ફરીવાર અભ્યાસની શરૂઆત કરી હતી. હમણાં સુરતમાં વકીલાત સાથે જોડાયેલો છું અને શિક્ષણની ભૂખ આજે પણ અકબંધ છે.

તેમને વધુમાં ઉમેર્યું હતું કે પરિવારની સ્થિતિ નબળી હોવાથી હું ધોરણ પાંચ પછી અભ્યાસ શાળામાં કરી શક્યો ન હતો. પરંતુ ત્યાર પછી જ્યારે અભ્યાસ અને શિક્ષણથી કેટલો ફાયદો થાય છે તેની જાણકારી મળી ત્યારે ફરીવાર અભ્યાસ શરૂ કર્યો હતો. જોકે દરેક વ્યક્તિએ શિક્ષણ પ્રત્યે જાગૃત રહેવું જોઈએ એવું હું માનું છું.