ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 17 મે 2014 (15:08 IST)

જો આનંદીબેન જ મુખ્‍યમંત્રી થાય તો તેઓ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્‍યમંત્રી બનવાનુ માન મેળવશે

સંસદની ચૂંટણીમાં દેશભરમાં ભાજપનો વિજય વાવટો લહેરાતા ભાજપમાં ખુશી વ્‍યાપી ગઈ છે. પાર્ટીએ અગાઉથી જાહેર કર્યા મુજબ શ્રી નરેન્‍દ્ર મોદી ભારતના વડાપ્રધાન બનશે. તેઓ ૭ ઓકટોબર ૨૦૦૧થી ગુજરાતના મુખ્‍યમંત્રી પદે હતા. ભારતના બહુમતી મતદારોએ તેમનું નેતૃત્‍વ પસંદ કરતા તેઓ દેશનું સુકાન સંભાળશે. રાજ્‍યના મુખ્‍યમંત્રી પદેથી બે ત્રણ દિવસમાં જ રાજીનામુ આપે અને નવા મુખ્‍યમંત્રીની વરણી થાય તે માટે ચક્રો ગતિમાન થયા છે. મુખ્‍યમંત્રી પદ માટે અડધો ડઝન જેટલા ચર્ચાતા નામોની વચ્‍ચે મહેસુલ મંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલનું  નામ સૌથી મોખરે અને નિશ્ચિત માનવામા આવે છે.
 
   તા. ૨૧મીએ તેમનો ભવ્‍ય શપથ સમારોહ યોજાવાની શકયતા છે. તે પૂર્વે અથવા તે પછી તુરંત ગુજરાતમાં નવા મુખ્‍યમંત્રીના શપથ લેવાશે. કેન્‍દ્રીય નેતાગીરી દ્વારા નવા મુખ્‍યમંત્રીની પસંદગીની ઔપચારીકતા પુરી કરવા એક બે દિવસમાં જ નિરીક્ષકો મોકલવાનો કાર્યક્રમ જાહેર થશે. ધારાસભ્‍યોની બેઠક બોલાવી કેન્‍દ્રીય નેતાગીરીના નિર્ણયની જાણ કરવામા આવશે.
 
   નવા મુખ્‍યમંત્રીની પસંદગી પૂર્વે શ્રી મોદી મુખ્‍યમંત્રી પદેથી રાજીનામુ આપશે. તેમના અનુગામીના શપથનો કાર્યક્રમ તે જ દિવસે જાહેર થશે. જો હાલ મળતી માહિતી મુજબ આનંદીબેન જ મુખ્‍યમંત્રી થાય તો તેઓ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્‍યમંત્રી બનવાનુ માન મેળવશે. શ્રી મોદીએ સળંગ સાડા તેર વર્ષ મુખ્‍યમંત્રી પદે રહીને અનોખો વિક્રમ સર્જયો છે. કોઈ મુખ્‍યમંત્રીને નેતૃત્‍વમાં રાષ્‍ટ્રીય પક્ષ ચૂંટણી લડીને કેન્‍દ્રમાં સત્તા મેળવે તેવુ પ્રથમ વખત બન્‍યુ છે.
-