શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 7 સપ્ટેમ્બર 2016 (12:27 IST)

ઝાડુ બનાવીને પરિવારનું ગુજરાન ચલાવતા પિતાની પ્રજ્ઞાચક્ષુ દિકરીને શિક્ષક બનાવવાની ઈચ્છા

ઝાડુ બનાવીને જીવનનિર્વાહ ચલાવતાં અશિક્ષિત માતાપિતાની પ્રજ્ઞાચક્ષુ દિકરી રતન વાસ્તવમાં તેમના જીવનનું રતન બની રહી છે. આણંદમાં રહેતા પંકજભાઇ પરમાર અને પુષ્પાબેન પરમાર પ્રજ્ઞાચક્ષુ દિકરી રતનની શિક્ષક બનવાની ઇચ્છાને પરિપૂર્ણ કરવા માટે રાતદિવસ મહેનત કરીને મથી રહ્યા છે. આણંદ આર્ટસ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી પ્રજ્ઞાચક્ષુ રતન પરમારે શિક્ષકદિને કોલેજના વિદ્યાર્થીઓને સમાજશાસ્ત્રનો પાઠ ભણાવ્યો હતો.  પંકજભાઇ પરમારે જણાવ્યું હતું કે ‘અમારે ત્રણ સંતાનો છે જેમાં સૌથી મોટી દિકરી રતન જન્મથી પ્રજ્ઞાચક્ષુ છે. બીજો દિકરો 16 વર્ષનો અને દિકરી 14 વર્ષની છે. રતન પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં અભ્યાસમાં હોંશિયાર હતી જેથી અમે તેને આગળ ભણાવવાનું નક્કી કર્યુ. આજે રતન આણંદ આર્ટસ કોલેજનમાં અભ્યાસ કરે છે. રતનને અભ્યાસ માટે પ્રોત્સાહન આપવામાં તેની માતા પુષ્પાબેનનો મોટો ફાળો છે. શરૂઆતથી રતનને શાળાએ મુકવાનું જવાનું અને લેવા જવાનું તેની માતા માટે નિયતક્રમ બની ગયો હતો. રતન કોલેજમાં અભ્યાસ કરે છે પણ બીજા બે સંતાનોએ અધવચ્ચેથી અભ્યાસ છોડી દીધો છે. ઝાડુ બનાવીને મહિને પાંચથી છ હજારની આવકમાં પાંચ સભ્યોના પરિવારનો જીવનનિર્વાહ ચલાવવા સાથે રતનના અભ્યાસનો ખર્ચ કાઢવામાં ઘણી મુશ્કેલી પડે છે. આમછતાં રતનની કોલેજની ફી, મટીરીયલ માટેનો ખર્ચ સહિત રતનને જોઇએ તે તમામ વસ્તુઓ લઇ આપીએ છીએ. રતન પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં અન્ય લોકોથી જુદી નથી અને પગભર બની શકે તે માટે અમારાથી બનતાં પ્રયાસો કરીએ છીએ.’