શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 6 ઑક્ટોબર 2014 (16:17 IST)

દિવાળી વેકેશનમાં આ વખતે લોકો કાશ્મીર જવાનું ટાળી રહ્યા છે

હરવા-ફરવાના શોખીનોના પ્રવાસ-લીસ્ટમાંથી કાશ્મીરની બાદબાકી થઇ ગઇ છે. તાજેતરમાં કાશ્મીરમાં ભારે વરસાદ અને પૂરે તબાહી સર્જી હોવાથી, ટૂરીઝમ ઉદ્યોગને ઘણું નુકસાન થયું છે. જો કે, આને કારણે જ કાશ્મીર જવાનું બદલી કુમાઉ સેકશન, રાજસ્થાન, ગોવા અને કેરળ જેવા સ્થળો વધુ પસંદ કરશે.

મહિના પહેલાં અતિભારે વરસાદ અને પૂરને કારણે કાશ્મીર રિજીયનમાં બહું મોટું નુકસાન થયું હોવાથી ટૂરીઝમ ઉદ્યોગને બહું મોટો ફટકો પડયો છે. દેખીતી રીતે મહિના-દોઢ મહિનામાં ટૂરીઝમ ઉદ્યોગ ફરી બેઠો થાય એવી શક્યતાઓ ઓછી હોવાથી જ પ્રવાસીઓ આ સમજી-જાણીને કાશ્મીર માટે આયોજન કરતા નથી.

ટૂર ટ્રાવેલ્સના કામકાજ સાથે સંકળાયેલા નિખીલ શાહે વાતચીતમાં જણાવ્યું કે, આ વેળા દિવાળીમાં સુરતીઓ કાશ્મીરને બદલે કમાઉ સેકશનમાંના નૈનીતાલ, કૂલૂ-મનાલી, ઉત્તરાખંડ, હરિદ્વાર-રાજસ્થાન, સિક્કીમ-દાર્જીલીંગ તથા દક્ષિણમાં ગોવા-કેરળ જેવા સ્થળો વધુ પસંદ કરશે.

ટેક્ષટાઇલના વેપારીઓ દિવાળી પ્રવાસના આયોજનો કરે છે. કીંતુ આઠ દિવસથી વધુના પ્રવાસ કરતો નથી. દિવાળીમાં ચોપડા પૂજનની વિધિ પતાવ્યા પછી જ વેપારીઓ અને વિવિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલાઓ પ્રવાસ આયોજનો કરે છે. આખા દેશમાંથી દિવાળીના સમયમાં જ સૌથી વધુ પ્રવાસ આયોજનો ગુજરાતમાંથી થતાં હોવાથી, ગુજરાતીઓ વેકેશનમાં દેશમાં સર્વત્ર દેખાતા હોય છે.

દિવાળી વેકેશનમાં પ્રવાસ પાછળ રૃ।. પંદરથી પચાસ હજારનો ખર્ચ (બે વ્યક્તિ) કરતાં હોય છે. સસ્તામાં ગોવા, તો થોડાક મોંઘા આયોજન કૂલૂ-મનાલી- નૈનીતાલ જેવા ઉત્તરના ફેવરીટ ડેસ્ટીનેશન પાછળ થતાં આવે છે. જો કે, આ વેળા કાશ્મીરમાં ઊભી થયેલી સ્થિતિને કારણે પ્રવાસીઓ અલગ-અલગ સ્થળોએ વહેંચાઇ જશે.

અઠવાડીયા-દસ દિવસના આયોજનોની સાથોસાથ મિડલ અને લૉઅર મિડલ ક્લાસ સુરતીઓ બે-ચાર દિવસના ટૂરમાં જવાનું પણ પસંદ કરતા હોય છે. જો કે, આવા આયોજનોમાં સામાન્ય રીતે ધાર્મિક સ્થળોનો સમાવેશ કરાતો હોય છે. ડાકોર, વીરપુર, મહાલક્ષ્મી (દહાણું), નાસીક-શીર્ડી અને ત્ર્યંબકેશ્વર માટે વેકેશનમાં ઘણો ધસારો રહેતો હોય છે અને ઘણા નાના-નાના ટૂર સંચાલકો સ્પેશ્યલ ટૂરોનું ખાસ આયોજન પણ કરતા હોય છે.