શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: મંગળવાર, 25 જૂન 2013 (17:37 IST)

નર્મદા ડેમ પર સરદારની પ્રતિમા મૂકવાની જાહેરાત એક પોલીટીકલ સ્ટંટ

P.R

નર્મદા ડેમ પર સરદાર વલ્લભભાઇ પટેલની ૩૯૨ ફુટ ઉંચી લોખંડની પ્રતિમા સ્થાપિત નહી કરવા દાદ માંગતી જાહેરહિતની રિટ અરજી ગુજરાત હાઇકોર્ટમાં ફાઇલ થઇ છે. જાહેરહિતની રિટમાં સરદાર પટેલની પ્રતિમા (સ્ટેચ્યુ ઓફ યુનિટી) મૂકવાની જાહેરાતને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી રાજકીય ભવિષ્ય ઘડવા માટેનું કાવતરૃં અને પોલીટીકલ માઇલેજ મેળવવાનું ષડયંત્ર હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. આ પીઆઇએલમાં ખુદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પ્રતિવાદી પક્ષકાર તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ કેસની સુનાવણી આગામી દિવસોમાં હાઇકોર્ટમાં નીકળે તેવી શકયતા છે.

અરજદાર જીગ્નેશ ગોસ્વામી તરફથી કરાયેલી પીઆઇએલમાં એડવોકેટ કે.જી.પંડિતે એ મતલબના મુદ્દા ઉપસ્થિત કર્યા છે કે, તાજેતરમાં જ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ નર્મદા ડેમ પર સરદાર વલ્લભભાઇ પટેલની ૩૯૨ ફુટ ઉંચી લોખંડની પ્રતિમા મૂકવાની જે જાહેરાત કરી છે તે સસ્તી પ્રસિધ્ધિ મેળવવાના એક પોલીટીકલ સ્ટંટ સિવાય બીજુ કંઇ નથી. કારણ કે, આ સ્થળે ઓલરેડી સરદાર વલ્લભભાઇ પટેલની એક પ્રતિમા સ્થાપિત છે. પ્રથા એવી છે કે, જયાં એક પ્રતિમાનું અનાવરણ થયેલું હોય ત્યાં એ જ પ્રતિમા મૂકવાનો કોઇ અર્થ સરતો નથી. બીજું કે, મુખ્યમંત્રીની આ જાહેરાત બાદ ત્યાંના સ્થાનિક આદિવાસીઓએ જ ઉગ્ર વિરોધ અને આક્રોશ વ્યકત કર્યો છે.

અરજદારપક્ષ દ્વારા એવો પણ મુદ્દો રજૂ કરાયો છે કે, સરકારે ટુરીઝમનું બહાનું ધરીને ઉપરોકત જાહેરાતને વાજબી ઠરાવવાનો પ્રયાસ કર્યો છે પરંતુ ટુરીઝમનું કોઇ ઇન્ફ્રાસ્ટ્રકચર કે પર્યટકો માટે કોઇ સુવિધા-વ્યવસ્થા કે આયોજન હાથ ધરાયા છે કે કેમ તેનો કોઇ ખુલાસો કરાયો નથી. વળી, પ્રતિમા માટે દેશભરના ખેડૂતો પાસેથી લોખંડ ઉઘરાવવાની જે વાત કરી છે તેનો ખર્ચ અને ભારણ છેવટે તો પબ્લીક પર જ આવવાનું છે. આમ, અંગત રાજકીય સ્વાર્થ અને સસ્તી પ્રસિધ્ધિ માટે પબ્લીક મનીનો આવી જાહેરાતો મારફતે દૂરપયોગ થઇ શકે નહી અને તેથી હાઇકોર્ટે નર્મદા ડેમ પર સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાની વાત પડતી મૂકવા સરકારને હુકમ કરવો જોઇએ. સાથે સાથે, પબ્લીક મનીનો કોઇપણ પ્રકારે દુર્વ્યય ના થાય તે હેતુસર વચગાળાની રાહતરૂપે યથાવત્ પરિસ્થિતિ જાળવી રાખવાનો હુકમ કરવામાં આવે તેવી દાદ અરજીમાં માંગવામાં આવી હતી.