શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 15 મે 2014 (15:17 IST)

નવા મુખ્યમંત્રી કોણ - મોદી ગણપત વસાવાને ગુજરાતની ગાદી સોંપીને કદર કરે તો નવાઈ નહીં

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો પહેલાથી સ્વભાવ રહ્યો છે કે દુનિયા આખી જે બોલતી હોય તેનાથી તદ્દન વિપરિત કરવું. જો નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને તો ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આનંદીબહેન પટેલ લગભગ ફાઈનલ મનાઈ રહ્યા છે. આ સિવાયના પણ ત્રણ નામ છે. પરંતુ નરેન્દ્ર મોદીના સ્વભાવ મુજબ બની શકે કે તેઓ આ ચારેયના બદલે નવા જ કોઈ ચહેરા પર પસંદગી ઉતારે.

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે કે નહીં તે મુદ્દો અત્યારે જેટલો ચર્ચામાં છે તેટલો જ ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ તે મુદ્દો પણ ચર્ચામાં છે. ૧૬મીએ પરિણામો જાહેર થવાના છે. ભાજપ અને રાજકીય પંડિતો માની રહ્યા છે કે એનડીએની સરકાર સત્તામાં આવશે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે. જો નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને તો ગુજરાતના મુખ્યમંત્રી તરીકેથી તેમણે રાજીનામું આપવું પડે અને ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કોઈને પસંદ કરવા પડે.

નવા મુખ્યમંત્રીની રેસમાં હાલમાં આનંદીબહેન પટેલ સૌથી આગળ છે. તેના પછી નીતિન પટેલ, સૌરભ પટેલ અને અમિત શાહના નામ પણ છે. પરંતુ નરેન્દ્ર મોદીનો હંમેશા સ્વભા રહ્યો છે કે જે નામની ચર્ચા સૌથી વધુ હોય તેને કદી પસંદ ન કરવા. તેના બદલે કોઈ નવા જ નામ પર કે નવા જ ચહેરા પર પસંદગી ઉતારવી.

જો મુખ્યમંત્રીની પસંદગીમાં નરેન્દ્ર મોદી તેમનો આ સ્વભાવ અખત્યાર કરે તો ઉક્ત ચારેયમાંથી કોઈને મુખ્યમંત્રી બનાવવાના બદલે નવા જ કોઈ મુખ્યમંત્રી આવી શકે છે.

ભાજપના જ સૂત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસથી નરેન્દ્ર મોદી વિવિધ બેઠકો યોજી રહ્યા છે. સોમવાર, મંગળવાર અને બુધવાર એમ સતત ત્રણ દિવસથી બેઠકો યોજી રહ્યા છે. ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ, ધારાસભ્યો સાથેની બેઠક અને છેલ્લે આજે કેબીનેટની બેઠક. આ તમામ બેઠકોમાં આદિવાસી નેતા અને ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી ગણપત વસાવાને તેઓ અન્ય મંત્રીઓ કરતાં ઘણું વધારે પ્રાધાન્ય આપી રહ્યા છે.

ગણપત વસાવાને તેઓ સતત પોતાની સાથે રાખી રહ્યા છે. બેઠકમાં પણ મોદી તેમને પોતાની બાજુમાં સ્થાન આપી રહ્યા છે. અન્ય વર્તાવમાં પણ સ્પષ્ટ દેખાઈ આવે છે કે નરેન્દ્ર મોદી અન્ય સિનીયર મંત્રી કરતાં વસાવાને વધુ મહત્વ આપી રહ્યા છે. આ જોતાં હાલ એક નવી શક્યતાં એ પણ ઉભરી રહી છે કે ગણપત વસાવા પણ મુખ્યમંત્રીની રેસમાં છે.

ભાજપના સૂત્રોએ કહ્યું કે આદિવાસી પટ્ટામાં વર્ષોથી કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું છે. પરંતુ ર૦૧રની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે તેમાં મોટું ગાબડું પાડયું છે. આવું કરવામાં ગણપત વસાવા સહિતના આદિવાસી નેતાઓનો મોટો ફાળો છે. આ ઉપરાંત આ વખતે લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપની ધારણા પ્રમાણે આદિવાસી બેઠકોમાં કોંગ્રેસનું વર્ચસ્વ ઘટશે અને ભાજપ આ પટ્ટામાં પ્રથમ વખત સારી રીતે પ્રવેશ કરશે.

આ માટે નરેન્દ્ર મોદી આદિવાસી નેતા તરીકે ગણપત વસાવાને ગુજરાતની ગાદી સોંપીને કદર કરે તો નવાઈ નહીં.