ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મહેસાણા: , બુધવાર, 1 જૂન 2016 (16:58 IST)

પાટીદારોને સાબરમતી જેલમાંથી મહેસાણા જેલમાં ટ્રાન્સફરની માગ

મહેસાણામાં જેલભરો આંદોલન સમયે થયેલા તોફાન કેસમાં મંગળવારે 26 આરોપી પાટીદારોને  મહેસાણા જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તોફાન કેસમાં મંગળવારે બપોરે 11-30 કલાકે મહેસાણા અને સાબરમતી જેલની પોલીસના બંદોબસ્ત વચ્ચે મહેસાણા કોર્ટમાં મુદતે લવાયેલા 26 પાટીદારોને જોતાંની સાથે જ હાજર તેમના પરિવારજનોએ ‘જય પાટીદાર..જય સરદાર..’ના નારા લગાવ્યા હતા. રજૂ કરાયેલા તમામ પાટીદારોની હાજરી પુરાયા બાદ આગેવાન અંબાલાલ પટેલે (ટીટી) તમામ કથિત આરોપીઓ વતી કોર્ટમાં વિનંતી કરી હતી કે, ‘અમે ધાડપાડુઓ કે લૂંટારૂઓ નથી કે નથી અમે કોઇની હત્યા કરી.’ જેલમાં બંધ તમામ પાટીદારોને સાબરમતી જેલમાંથી મહેસાણા જેલમાં ટ્રાન્સફરની માગ કરી હતી.

અંબાલાલે કોર્ટમાં કહ્યું કે અમે તો અમારા હક માટે લડી રહ્યા છીએ. ત્યારે તમામને અમદાવાદ સાબરમતી જેલના બદલે મહેસાણા સબ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવે તો અમારા પરિવારનો કોઇ પ્રશ્ન હોય ત્યારે પરિવારની પરોક્ષ રીતે મદદ કરી શકીએ. જોકે, કોર્ટે વિનંતી સાંભળ્યા બાદ સાબરમતી જેલના સત્તાવાળાઓ સાથે જરૂરી માહિતી મેળવીશું. આગલી સુનાવણી માટે 14મી જૂનની મુદત આપી હતી.
મહેસાણા કોર્ટમાં મુદતે લવાયેલા એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ સહિતના આગેવાનો પોલીસ બંદોબસ્ત વચ્ચે હતા. જો કે તેમને હાથકડી પહેરાવવામાં આવી નહોતી. પણ પાસના ઉત્તર ગુજરાતના કન્વીનર નરેન્દ્ર પટેલ અને સુરેશ પટેલ (ઠાકરે)ને પોલીસ હાથકડી પહેરાવીને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા.
આ કેસના તપાસનીશ અધિકારીએ જેલમાં બંધ પાસના આગેવાન સુરેશ પટેલ (ઠાકરે)ના 6 દિવસના રિમાન્ડ મેળવવા જ્યુડિશિયલ કોર્ટમાં અરજી આપી હતી. કોર્ટે તે રદ કરતાં સરકાર તરફે ચોથા એડિશનલ સેશન્સ કોર્ટમાં રિવીઝન અરજી દાખલ કરાઇ હતી. જેની સુનાવણી બુધવાર પર મુલતવી રખાઇ હતી.