બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 7 મે 2015 (17:53 IST)

પાણીનાં ટીંપે ટીંપે સફળ ખેતી કરતા ગોંડલનાં ત્રાકુડા ગામનાં ખેડૂતો

આશરે ૨ હજારની વસ્તી ધરાવતા ગોંડલ તાલુકાના નાનકડા એવા ત્રાકુડા ગામમાં ૭૬૬ જેટલા ખેડૂતો કપાસ, મગફળી, ઘઉં, તરબુચ, શાકભાજીની ખેતી કરીને આજીવિકા રડે છે. આ પૈકીના ૨૫૦થી વધુ કિસાનોએ ટપક સિંચાઇ અપનાવી જ્યારે બાકીના ખેડૂતોએ પણ આ પદ્ધતિથી ખેતી કરવાનો સંકલ્પ જાહેર કર્યો છે. આમ સંપૂર્ણ ગામ પરંપરાગત વરસાદ આધારિત ખેતી કરવાને બદલે આધુનિક ટપક સિંચાઇ પિયત પદ્ધતિ અપનાવી એક આદર્શ ગામનું ઉદાહરણ બન્યું છે.

ગોંડલ તાલુકાનાં ખેતીવાડી અધિકારીશ્રી એન.એમ.કામરીયાએ જણાવ્યું હતું કે, ભારતના ખેડૂતો વરસાદ આધારિત ખેતી કરતા હોય છે. કયારેક સારું ચોમાસુ ન થવાથી ખેડૂતોના ખેતરો સુકાઇ જતા હોય છે. હજુ પણ આપણા અશિક્ષિત કિસાનો ટપક સિંચાઇ પદ્ધતિનો ઉપયોગ કરતા નથી. ઘણી વખત ખેડૂતોને પૂરતા જ્ઞાનના અભાવે પણ આધુનિક પિયત પદ્ધતિનો ઉપયોગ કરી શકતા નથી અને એટલે જ અમે અમારા તાલુકાના કોઇ એક ગામને સંપૂર્ણ ટપક સિંચાઇ પદ્ધતિથી ખેતી કરે તે માટેના પ્રયત્ન શરૂ કર્યા. અને આ માટે અમે ગોંડલ તાલુકાનું ત્રાકુડા ગામ પસંદ કર્યુ.

ત્રાકુડાનાં ખેતરોમાં કૂવા, ખેત તલાવડીમાં પાણી હોય છે. જેથી ખેડૂતોને પાણીની ચિંતા નથી પણ આ પાણી ખેતરોમાં પહોંચાડવાની સમસ્યા જ રહે છે. રાજ્ય સરકાર અને ખેત ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ત્રાકુડાના નાના અને સીમાંત ખેડૂતોને ટપક સિંચાઇ ૯૦ ટકા જેટલી ખાસ સહાય અપાઇ. જયારે મોટા ખેડૂતોને ટપક સિંચાઇ માટે ૮૦ ટકા સહાય આપવામાં આવે છે.

પ્રોત્સાહક યોજનાથી પ્રેરાઇને કોઇ એક-બે નહીં પરંતુ પૂરા ૨૬૬ ખેડૂતોએ પોતાના ખેતરોમાં ટપક સિંચાઇ પદ્ધતિ અપનાવી લીધી છે. જયારે બાકીના ૫૦૦ જેટલાં ખેડૂતોએ પણ ટપક સિંચાઇ પદ્ધતિ અપનાવી લેવાનો સંકલ્પ કર્યો છે. આગામી ખરીફ સિઝનમાં સંપૂર્ણ ગામનાં ખેતરોને ટપક સિંચાઇ પદ્ધતિ અમલી બનાવી દેવાની નેમ વ્યક્ત કરવામાં આવી હતી.