ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: ગાંધીનગર , મંગળવાર, 17 સપ્ટેમ્બર 2013 (13:08 IST)

પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાને બંગલો ખાલી કરવાનો સરકારી આદેશ

:
P.R
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાને સરકારી બંગલો ખાલી કરવા રાજ્ય સરકારે આદેશ કર્યો છે. સરકારનું માનવું છે કે વધુ સમય થઇ ગયો હોઇ હવે વિકલ્પ શોધી લેવો જોઇએ, જો કે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલને આવી કોઇ નોટીસ મળી નથી.

ગુજરાતમાં કુલ પાંચ મુખ્યમંત્રી હયાત છે જેમાં કોંગ્રેસના માધવસિંહ સોલંકી, રાજપાના શંકરસિંહ વાઘેલા, દિલીપ પરીખ, ભાજપના કેશુભાઇ પટેલ અને સુરેશ મહેતાનો સમાવેશ થાય છે. હાલ કેશુભાઇ પટેલને સેક્ટર-19માં ક ટાઇપનો બંગલો ફાળવવામાં આવેલો છે, જ્યારે સુરેશ મહેતાને સેક્ટર-20માં ક ટાઇપનો બંગલો રહેવા માટે આપ્યો છે. બાકીના મુખ્યમંત્રીઓ તેમના પ્રાઇવેટ બંગલામાં રહે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ સોમનાથ ટ્રસ્ટમાં હોવાથી તેમને બંગલો ખાલી કરવાની કોઇ નોટીસ મળી નથી પરંતુ સુરેશ મહેતા સરકારમાં કોઇ જગ્યાએ હોદ્દો ધરાવતા ન હોવાથી તેમને બંગલો ખાલી કરવા જણાવાયું છે. સુરેશ મહેતાના બંગલાનું સરકારી ભાડું 14.000 રૂપિયા છે જ્યારે કેશુભાઇને ટોકન ભાડાથી મળેલો છે.

સુરેશ મહેતાને પૂછતાં તેમણે કહ્યું હતું કે મને સેક્ટર-20માં રહેવા માટે કાયદેસરરીતે સરકારી બંગલો આપવામાં આવ્યો હતો. તેઓ આ બંગલામાં 1997થી રહે છે. રાજ્ય સરકારને બંગલો ખાલી કરાવવાના પાવર છે તેથી મને ખાલી કરવા કહ્યું છે. હું આજે જ આ બંગલાને ખાલી કરી રહ્યો છું.

સુરેશ મહેતાએ વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું અને છેલ્લે તેઓ કેશુભાઇ પટેલ અને તેમની પાર્ટી સાથે એક્ટિવ હતા. હાલ તેઓ આરટીઆઇ માટે લિગલ પ્રોસેસ અને એનજીઓ બનાવવાના મૂડમાં છે. તેઓ સત્તાવારરીતે કોઇ પોલિટીકલ પાર્ટીમાં જોડાયા નથી.