શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 13 ફેબ્રુઆરી 2015 (17:06 IST)

પોરબંદર અને દ્વારકાનાં બરડા ડુંગરમાં આવેલી અનેક ઐતિહાસિક વાવ જાળવણીનાં અભાવે ખંડેર બની ગઇ

પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને જોડતા બરડા ડુંગર તથા તેની આજુબાજુના વિસ્તારમાં અનેક ઐતિહાસિક વાવો આવેલી છે પરંતુ તેની જાળવણી માટે તંત્ર કે પુરાતત્વ ખાતું ગંભીર નહીં બનતા આ વાવો નામશેષ થવાને આરે પહોંચી ગઈ છે. ત્યારે રાજયસરકારે આ બાબતે ગંભીર બનવું જરૃરી છે. પોરબંંદર વિસ્તારમાં બરડા ડૂંગર નજીકની આ દરેક વાવનો ઇતિહાસ અનોખો છે. આ વાવનું પ્રાકૃતિક મહત્વ પણ જાળવવું જોઇએ પરંતુ તેના બદલે પુરાતત્વ ખાતા દ્વારા વાવની કોઇ પ્રકારની જાળવણી નહી કરવામાં આવતા બરડા નજીકની આ તમામ વાવની વિરાશત નામશેષ થતી જાય છે.

પોરબંદર અને દ્વારકા જિલ્લાને જોડતા બરડા ડુંગર અને તેની આજુબાજુના વિસ્તારમાં અનેક પ્રાચીન વાવો આવેલી છે. વિતેલા યુગોનો ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવતી આ વાવોમાં બોખીરાની નંદેશ્વરની ૪૦ ફુટની વાવ, કાંટેલા ગામની ૨૦ ફૂટની વાવ, વિસાવાડાની ૨૫ ફૂટની જ્ઞાાનવાવ, ભાવપરાની ૨૦ ફૂટની પાંચ ડેરાવાવ, ૨૨ ફુટની મિંયાણી- હર્ષદની વાવ, મોચાની ૨૦ ફૂટની વિરાવાવ, પાતા ગામની જ્ઞાાનવાવ, માધવપુરની ૨૨ ફૂટની ગદાવાવ અને ૨૦ ફૂટની મધુવન વાવ, ખાંભોદરની રામવાવ, ઓડદરની ભાટુડી વાવ અને ભૃગુ વાવ, જડેશ્વર મંદિરની વાવ, કુતિયાણા નજીકની પૂજારી વાવ અને જુમ્મા મસ્જીદ વાવ આવેલી છે. દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં ઘૂમલી ગામના ઝાંપે ૪૫ ફૂટ ઉંડી બીલખા વાવ, જતા વાવ, મોડપર ગામે ૬૦ ફૂટ ઉંડી સ્થાનિક વાવ, હાથલા ગામે ૭૦ ફૂટની શનિકુંડ વાવ, ભવનેશ્વર નજીકની વિકીયાવાવ જેવી નેક વાવોનો સમાવેશ થાય છે. બરડા ડુંગર નજીકની અનેક વાવો આજે પણ ખુબ જ જર્જરીત હાલતમાં જોવા મળે છે. ભવનેશ્વર નજીક આવેલી વિકીયાવાવની અંદર પગથિયાં તૂટી ગયાં છે તો ઝાડી ઝાંખરાને કારણે જળસંચય પણ થતો નથી. આ વાવ સુધી પહોંચવા માટેનો રસ્તો પણ ગાયબ થઈ ગયો છે. તેવી જ રીતે ધૂમલીની જેતાવાવની અંદર ગંદકી અને કચરાનું સામ્રાજય જોવા મળે છે. પર્યટકો ફરવા આવે ત્યારે આવી વાવોની હાલત જોઈને આશ્ચર્ય અનુભવે છે અને તંત્રની બેદરકારી અંગે રોષ પણ ઠાલવતા જોવા મળે છે. ત્યારે આવી વાવોને જાળવવા માટે તંત્રએ વહેલી તકે કાર્યવાહી કરવી જોઈએ તે જરૃરી બની ગયું છે.
ઐતિહાસિક સ્મારકોની રક્ષા માટેની સંપૂર્ણ જવાબદારી સરકારના પુરાતત્વખાતાની હોય છે અને સ્મારકો જર્જરીત થવા લાગે ત્યારે તેનો જીર્ણોધ્ધાર કરવા માટેની કાર્યવાહી પણ તેમના દ્વારા થતી હોય છે. પરંતુ બરડા ડુંગરની આજુબાજુના ઐતિહાસિક સ્મારકો, વાવ વગેરેની હાલત જોતા એવું જણાય છે કે વર્ષોથી અહીંયા પુરાતત્વ ખાતાના કોઈ કર્મચારી ડોકાયા નથી. સ્મારકની જાળવણીની વાત તો દૂર રહી પરંતુ તેમાંથી કિંમતી શિલ્પો ચોરાઈ જાય તો પણ તંત્રને તેની જાણ પણ થતી નથી. ત્યારે બેદરકારી દાખવનાર પુરાતત્વખાતાનાં અધિકારીઓ સામે કડક પગલા લેવા પણ જરૃરી બની જાય છે.