ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગાંધીનગર , બુધવાર, 17 જૂન 2015 (15:16 IST)

ફરજિયાત મતદાનનું રહસ્ય

ઓક્ટોબર મહિનામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ફરજિયાત મતદાનનો કાયદો અમલી બનાવવા અંગેનું સસ્પેન્સ હવે વધુ ઘેરું બન્યું છે. મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ આજે સવારે કેબિનેટની બેઠક બાદ નવી દિલ્હી જઇને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવાના છે. આ મુલાકાતમાં ફરજિયાત મતદાનનો મુદ્દો મુખ્ય હશે તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. વડા પ્રધાનની લીલી  ઝંડી મળ્યા બાદ જ રાજ્ય સરકાર ફરજિયાત મતદાનના મુદ્દે આગળ વધશે. આ ઉપરાંત આગામી અોક્ટોબરમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ફરજિયાત મતદાન લાગુ કરવું કે પછી જાન્યુઆરી ર૦૧૬થી અમલી બનાવવું તે અંગેની ચર્ચા પણ વડા પ્રધાન સાથે થશે. 

ઉલ્લખેનીય છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ફર‌િજયાત મતદાનનો કાયદો અમલી બનાવવા માટે રાજ્ય સરકાર મક્કમપણે આગળ વધી રહી છે. આ ફરજિયાત મતદાન અંગેના નિયમો અને શરતો નક્કી કરી દેવાય છે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં ફરજિયાત મતદાનના મુદ્દે ઔપચારિક ચર્ચા થઇ હતી. કાયદાના અમલ બાદ લોકોમાં ઉગ્ર વિરોધ ન થાય કે કોઇ નકારાત્મક પ્રત્યાઘાતો ન પડે તે માટે સરકાર ગંભીરતાથી વિચારી રહી છે. 

આજે મળેલી કેબિનેટની બેઠકમાં ફરજિયાત મતદાનનો મુદ્દો એજન્ડામાં ન હોવાનું જાણવા મળ્યું છે. કેબિનેટ બેઠક બાદ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ આજે બપોરે રાજધાની દિલ્હી જવા રવાના થશે. દિલ્હીમાં તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મહત્વની બેઠક કરશે. આ બેઠકમાં ખાસ મુદ્દો ફરજિયાત મતદાનનો રહેશે. કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ કર્ણાટક સરકારે પસાર કરેલું ફરજિયાત મતદાનનું બિલ પરત મોકલ્યું છે. આ વિવાદ પર પણ વડા પ્રધાન મોદી સાથે વિસ્તૃત ચર્ચા થશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. 

વડા પ્રધાન મોદીની મંજૂરીની મહોર લાગ્યા બાદ જ ફરજિયાત મતદાનના કાયદાને રાજ્ય સરકાર અમલી બનાવશે. ફરજિયાત મતદાનનો અમલ બૂમરેંગ સાબિત ન થાય તે માટે રાજ્ય સરકાર સજાગ છે. આ અંગેનો અંતિમ નિર્ણય મુખ્યપ્રધાન આનંદીબહેનની વડા પ્રધાન સાથેની બેઠક બાદ જ લેવાશે.

છેલ્લા બે ત્રણ દિવસથી એવી પુરજોરમાં ચર્ચા ચાલી રહી હતી કે આગામી ઓક્ટોબર મહિનામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતદાનને ફરજિયાત બનાવાશે. આજની કેબિનેટ બેઠકમાં ફરજિયાત મતદાનના કાયદાના નિયમો અને શરતોને થોડી હળવી બનાવાશે તેવી પણ ચર્ચા હતી. આ નિર્ણયથી નાગરિકોમાં કોઇ નકારાત્મક મેસેજ ન જાય કે હોબાળો ન થાય તે માટે નિયમો અને શરતો હળવા બનાવવા અંગે સરકાર સક્રિયપણે વિચારી રહી છે. ફરિજયાત મતદાનનો અમલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કરવો કે પછી આગામી જાન્યુઆરી ર૦૧૬થી આ કાયદો અમલી બનાવવો તે અંગે હવે વડા પ્રધાન મોદીનું માર્ગદર્શન લેવાનું સરકારે નક્કી કર્યું છે. ગુજરાતમાં ઓક્ટોબર માસમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફરજિયાત મતદાનના મુદ્દે આજે મળી રહેલી કેબિનેટ મિટિંગમાં ભલે સમાવાયો નથી, પરંતુ ફરજિયાત મતદાનના મુદ્દે આજની પ્રધાનમંડળની બેઠકમાં આ મુદ્દે ઔપચારિક ચર્ચા હાથ ધરાઇ હોવાનું ઉચ્ચસ્તરીય સૂત્રોએ જણાવ્યું હતું.