શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: મંગળવાર, 30 જુલાઈ 2013 (13:01 IST)

ફેંડશિપ ડે પહેલા ફ્રેંડસ ગુમાવ્યા : એક ચપ્પલે ત્રણ મિત્રોને ડૂબાડ્યા

P.R
ક્યારેક કોઇ સામાન્ય ઘટનાનો અંત અકલ્પનિય હોય તેવુ પણ બનતુ હોય છે. આજે સવારે વરસાદને પગલે સ્કૂલ વહેલી છુટી જતા ફરવા નિકળેલા ચાર મિત્રો એક જ એક્સેસ પર સાણંદ-બોપલ વચ્ચેથી પસાર થતી નર્મદા કેનાલ પર પહોંચ્યા હતા. રસ્તામાંથી ખરીદેલા મકાઈના ડોડા ખાવા કેનાલની પાળી પર બેઠા હતા. ત્યારે એક મિત્રના પગમાંથી સરકીને ચપ્પલ કેનાલમાં પડયું હતુ. આ જોઇ એક મિત્ર ચપ્પ કાઢવા કેનાલમાં ઉતર્યો અને ડૂબવા લાગ્યો. મિત્રને ડૂબતા જોઇ બીજો મિત્ર તેને બચાવવા કેનાલમાં ઉતર્યો પરંતુ તે પણ પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યો. બે-બે મિત્રોને ડૂબતા જોઇ બહાર ઉભેલા અન્ય બે મિત્રો નજીકમાંથી દોરડુ લઇ આવ્યાં હતા, જો કે મિત્રોને દોરડાથી બચાવવાનો પ્રયાસ કરી રહેલા બે પૈકી વધુ એક મિત્ર લપસીને કેનાલમાં ગરકાવ થયો હતો અને ડૂબવા લાગ્યો હતો. બચી ગયેલા મિત્રની બૂમાબુમથી દોડી આવેલા લોકોએ ઘટનાની જાણ ફાયરબ્રિગેડ અને પોલીસને કરી હતી. એકાદ કલાકની શોધખોળ બાદ કેનાલના ધસમસતા પ્રવાહમાંથી ત્રણેય મિત્રોના મૃતદેહ મળ્યાં હતા.

આનંદનગર ઔડાના મકાનમાં રહેતો ૧૭ વર્ષનો શિવરાજ ભવંરસિંહ રાઠોડ જોધપુરની લોટસ સ્કૂલમાં અભ્યાસ કરે છે. આજે સવારે શિવરાજને સ્કૂલે જવામાં મોડુ થતા તેને શાળામાં પ્રવેશ મળ્યો ન હતો અને ઘરે પાછા ફરવું પડયું હતુ. તેની શાળામાં આજે ધોરણ ૧૦ના વિદ્યાર્થિઓને કબડ્ડીની સ્પર્ધા હતી, પરંતુ તે પણ વરસાદને પગલે રદ્દ થતા તેના અન્ય મિત્રો ધર્મવિર ચૌહાણ (રહે. ઔડાના મકાન, આનંદનગર) તથા મનોજ ઘનશ્યામભાઇ ચૌહાણ (ઉં.૧૭, રહે.રાજ એપાર્ટમેન્ટ, આનંદનગર) પણ વહેલા ઘરે આવી ગયા હતા. દરમિયા ત્રણેયનો આર.એચ કાપડિયા સ્કૂલમાં ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતો ચોથો મિત્ર ધાર્મિક મનિષભાઇ જોષી (ઉં.૧૭, રહે. આનંદ એપાર્ટમેન્ટ, આનંદનગર) તેમને મળ્યો હતો.

ધાર્મિક પાસે એક્સેસ (ટુ વ્હિલર) હોઇ ચારેય મિત્રો ઝરમર વરસાદમાં ફરવા બોપલ તરફ નિકળ્યાં હતા. રસ્તામાંથી મકાઇના ડોડા લઇને ગોધાવી જવાના રોડ પર બોપલ-સાણંદ વચ્ચેથી પસાર થતી નર્મદા કેનાલ પર પહોંચ્યા હતા. કેનાલના ચોકીદારની ઓરડી પાસે એક્સેસ પાર્ક કરીને ચારેય મિત્રો આશેર દોઢસો ફુટ દુર કેનાલની પાળી પર જઇને મકાઇ ખાવા બેઠા હતા. દરમિયાન ધાર્મિકનુ ચપ્પલ કેનાલમાં ખાબકતા ધર્મવિર ચપ્પલ લેવા કેનાલમાં ઉતર્યો હતો.

વરસાદને કારણે કેનાલની ભીની પાળ ઉપરથી લપસતા તે કેનાલમાં પડયો હતો. પાણીના પ્રવાહમાં ડૂબવા લાગેલા ધર્મવિરને જોઇ પાળી ઉપર બેઠેલા ત્રણેય મિત્રો ગભરાઇ ગયા હતા, મનોજને તરતા આવડતું હોઇ તે ધર્મવિરને બચાવવા કેનાલમાં કુદી પડયો હતો. જો કે કેનાલમાં પાણીના પ્રવાહ સામે મનોજ પણ હિંમત હારી ગયો અને ડૂબવા લાગ્યો. બે-બે મિત્રોને ડૂબતા જોઇ ધાર્મિક અને શિવરાજ ચોકિદારની ઓરડીમાંથી દોરડુ શોધી લાવ્યાં હતા અને ડૂબી રહેલા મિત્રોને બચાવવા પ્રયાસ શરૃ કર્યો હતો. મનોજ અને ધર્મવિર દોરડાને પકડી જીવ બચાવે તે પહેલા કેનાલના ઢાળ પર દોરડુ લઇને ઉભેલો ધાર્મિક પણ પણ પગ લપસતા પાણીમાં ગરકાવ થયો હતો. ત્રણ-ત્રણ મિત્રોને ડૂબતા જોઇ શિવરાજ ગભરાઇ ગયો હતો, તેની બૂમાબુમ સાંભળી આસપાસમાં ઢોર ચારી રહેલા કેટલાક માલધારીઓ દોડી આવ્યાં હતા. તેમણે પણ ડૂબતા બાળકોને બચાવવા પ્રયાસ શરૃ કર્યા હતા. જો કે તે પણ નિષ્ફળ રહેતા ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાઇ હતી. ફાયરના જવાનોએ એકાદ કલાકની જહેમત બાદ ધાર્મિક, મનોજ અને ધર્મવિર એમ ત્રણેય મિત્રોના મૃતદેહ બહાર કાઢતા ગમગીની છવાઇ ગઇ હતી. બોપલ પોલીસે ત્રણેય મૃતકોના પરિવારને જાણ કરી અકસ્માત મોતની નોંધ લઇ વધુ તપાસ હાથ ધરી હતી.