ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 16 જૂન 2014 (11:50 IST)

ભગવાન મામાનાં ઘરે ગયા છે, તેથી દર્શન થશે નહીં

ભગવાન શ્રી જગન્નાથજીની અમદાવાદમાં નીકળતી પરંપરાગત પૌરાણિક અને ઐતિહાસિક વિશ્વપ્રસિદ્ધ રથયાત્રા મહોત્સવનો ગઈ કાલથી પ્રારંભ થયો હતો. જમાલપુર વિસ્તારમાં આવેલા ભગવાન શ્રી જગન્નાથજીના મંદિરેથી સવારે જળયાત્રાની શોભાયાત્રા નીકળી હતી. ૧૮ ગજરાજો, સાધુ-સંતો, બૅન્ડવાજાં, અવનવા દાવપેચ કરતા અખાડિયનો અને શ્રદ્ધાળુઓ સાથે વાજતેગાજતે આ શોભાયાત્રા સાબરમતી નદીકિનારે ગઈ હતી જ્યાં મંદિરના મહામંડલેશ્વર મહંત દિલીપદાસજી મહારાજ અને મંદિરના ટ્રસ્ટીઓએ ગંગાપૂજન કર્યું હતું. સાબરમતી નદીમાંથી ૧૦૮ ઘડામાં જળ ભરી લાવીને ભગવાન શ્રી જગન્નાથજીની  ષોડશોપચાર પૂજનવિધિ કરી મહાજલાભિષેક કરવામાં આવ્યો હતો.

જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝાએ કહ્યું હતું કે ‘પૂજનવિધિ બાદ શ્રી ગણેશજીના સ્વરૂપમાં ભગવાન શ્રી જગન્નાથજીના અતિવિશિષ્ટ ગજવેશ શણગારનાં દર્શન થયાં હતાં. આ શણગારદર્શન બાદ ભગવાન જગન્નાથજીએ તેમના મામાને ઘરે જવા પ્રસ્થાન કર્યું હતું.’

છેલ્લાં ૧૨ વર્ષથી સતત રથયાત્રાના દિવસે સોનાની સાવરણીથી પહિંદવિધિ કરીને એક અનોખો રેકૉર્ડ સર્જનાર ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને હાલમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે અમદાવાદમાં રથયાત્રામાં ઉપસ્થિત રહેશે કે કેમ એ વિશે સસ્પેન્સ સર્જાયું છે.

ભગવાન જગન્નાથજીના મંદિર વતી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રથયાત્રામાં ઉપસ્થિત રહેવા માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. રથયાત્રામાં ઉપસ્થિત રહેવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જે આમંત્રણ મોકલવામાં આવ્યું હતું એ તેમણે સ્વીકાર્યું છે? એવો પ્રfન મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝાને કરતાં તેમણે કહ્યું હતું કે અમે નિમંત્રણ પાઠવ્યું છે, પરંતુ હજી સુધી કન્ફર્મેશન નથી મળ્યું.