શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: મંગળવાર, 25 ફેબ્રુઆરી 2014 (12:57 IST)

ભાજપે ગુજરાતમાં યેદીયુરપ્પા યોજના અમલમાં મુકીઃ કોંગ્રેસ

P.R
ગાંધીનગરમાં કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચાર અને મોંઘવારી વિરોધી સંમેલન યોજવામાં આવ્યું હતું. જેને સંબોધતાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી પૈસાથી ખરીદેલા લોકોના ભરોસે વડાપ્રધાન બનવા નીકળ્યાં છે. ધારાસભ્યોને ખરીદવા માટે તેમણે યેદીયુરપ્પા યોજના અમલમાં મુકી છે. જ્યારે શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી કહે છે કોંગ્રેસ મુક્ત ભારત. પરંતુ હકિકત એ છે કે હવે કોંગ્રેસ યુક્ત ભાજપ બનવા માંડયું છે.

ગાંધીનગરના ઘ-૩ સર્કલ પાસેના મેદાનમાં મળેલા સંમેલનને સંબોધતાં અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે બધાને એમ હતું કે મોદી સરકાર મોટા પાયે જ ભ્રષ્ટાચાર કરે છે. પરંતુ તલાટીના ભરતી કૌભાંડમાં ઝડપાયેલા કલ્યાણસિંહ ચંપાવતનું પ્રકરણ ખુલ્યું ત્યારે જાણ થઈ કે આ તો નાના લોકો માટે કલ્યાણસિંહ યોજના શરૃ કરાઈ છે. આ પૂર્વે પણ જીપીએસસી દ્વારા લેવાયેલી ચીફ ઓફિસરની પરીક્ષા, પ્રકાશ સોનીને સાંકળતાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનો મામલો પણ જાણીતો છે.

નરેન્દ્ર મોદીએ હમણાં કર્ણાટકના યેદીયુરપ્પાને ગુરૃ બનાવ્યા છે અને ગુજરાતમાં તેમણે યેદીયુરપ્પા યોજના અમલમાં મુકી છે. કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદો, તેઓને રાજીનામું અપાવો અને બાદમાં ફરી ચૂંટાવો. યેદીની આ નીતિ હાલ મોદીએ અખત્યાર કરી છે. કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો પોતાની ફાઈલો ક્લિયર કરાવવા ભાજપમાં જાય છે.

નરેન્દ્ર મોદી દેશમાં જઈને જુઠ્ઠુ બોલે છે. આંકાડાઓનું એન્કાઉન્ટર કરે છે. મોદી પૈસાથી ખરીદેલા લોકોના ભરોસે વડાપ્રધાન બનવા નીકળ્યાં છે. પરંતુ તેઓ જાણતાં નથી કે આવી રીતે વડાપ્રધાન બની શકાતું નથી. કોંગ્રેસ પક્ષ વેપારી આગેવાનોથી નહીં પરંતુ કાર્યકરોથી ચાલે છે.

શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ભાજપ હવે કોંગ્રેસ યુક્ત થવા માંડયું છે. નરેન્દ્ર મોદી જ્યાં જાય ત્યાં કહે છે કે કોંગ્રેસ મુક્ત ભારત કરવું છે. પરંતુ હકિકત એ છે કે કોંગ્રેસ યુક્ત ભાજપ થવા માંડયું છે. કોંગ્રેસ અને દેશનું ડીએનએ એક જ છે. દેશની આઝાદીના મૂળમાં કોંગ્રેસ છે. તેથી કોંગ્રેસ મુક્ત ભારતની વાત ભૂલી જજો.

મોદી કહે છે કે ગુજરાતમાં રોજગારી જ રોજગારી છે. તો પછી તલાટીના પ૩૦૦ રૃપિયાના પગાર માટે ૧ર.૬૩ લાખ અરજીઓ શું કામ આવી? તમારા એજન્ટને આ નોકરી માટે દસ લાખ રૃપિયા દેવા ઉમેદવારો શું કામ ગયા?

ગોહિલે કટાક્ષ કરતાં કહ્યું કે ભાજપ વાળા દેશભરમાંથી ભંગાર ઉઘરાવે છે. હમણાં હમણાં કોંગ્રેસનો ભંગાર લેવાનું પણ તેમણે શરૃ કર્યું છે. સરદારના નામે પુતળા બનાવો કે ન બનાવો પરંતુ દિલમાં સરદાર સાહેબના સિધ્ધાંતો હોવા જોઈએ. આ નરેન્દ્ર મોદીએ તેમના વડિલોના શું હાલ કર્યા છે તે સૌ જાણે છે ત્યારે ભાજપમાં જનારાઓ તમે પણ વિચારી લેજો કે તે તમારા શું હાલ કરશે. ત્યારે ચોરની માં કોઠીમાં મોં નાખીને રડે તેવી સ્થિતિ તમારી થશે.

શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે હું તૂટવાનું પસંદ કરીશ, પરંતુ ક્યારેય ઝુકવાનું પસંદ નહીં કરું. કોંગ્રેસના જે લોકો ભાજપમાં ગયા તેની આડા હું કે અર્જુનભાઈ કદી નથી આવ્યા. ઉલ્ટાનું તેઓના કામમાં અમે આવ્યા છીએ. પણ રાજકારણમાં કદી કોઈનો ભરોસો ન કરાય. અમરસિંહ ચૌધરીના લોકાયુક્તના કેસ અંગે તેમણે કહ્યું કે તુષાર ચૌધરીને ભાજપમાં આવી જવા દબાણ કર્યું. તેઓ ન માન્યાં એટલે હવે આવા ખોટા પ્રકરણો શોધીને લાવે છે. ભાજપ ગમે તેટલું દબાણ કરે કોઈએ ક્યારેય તૂટવાનું નથી.