ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 20 ઑગસ્ટ 2016 (14:21 IST)

મહેસાણાની અનેક સાક્ષીઓ અસુવિધાઓ વચ્ચે ઓલિમ્પિકમાં રમવાનું સ્વપ્ન જોઇ રહી છે.

રિયોમાં સાક્ષી મલિકે સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે  ત્યારે મહેસાણામાં પણ એવી અનેક રમતવીર છે કે જેઓ અસુવિધાઓ વચ્ચે ઓલિમ્પિકમાં રમવાનું સ્વપ્ન જોઇ રહી છે. મહેસાણાની અર્બન પોગ્રેસિવ ગર્લ્સ હાઇસ્કૂલના ત્રીજા માળે એક રૂમમાં અન્ય શાળામાંથી હાથ ઉછીની લાવેલી મેટ્સમાં કુસ્તીના દાવપેચ શીખી રહેલી વિદ્યાર્થિનીઓ પૈકી રાજ્ય કક્ષાની કુસ્તી હરીફાઇમાં 2 ગોલ્ડ મેડલ મેળવી ચૂકેલી બોર ઓપરેટરની પુત્રી મેઘા નટવરસિંહ ઠાકોર માતાના વિરોધ અને મામા- ફુઆના પ્રોત્સાહન વચ્ચે કુસ્તીમાં દેશભરમાં ડંકો વગાડવાની ખેવના ધરાવે છે. જ્યારે તેનાથી વિપરિત  પિતાના વિરોધ વચ્ચે માતાની પ્રેરણાથી કુસ્તીબાજ બનવાની તમન્ના ધરાવતી ટીંજલ પટેલ કુસ્તીમાં પોતાનું ભવિષ્ય જોઇ રહી છે.   બીએસસીમાં અભ્યાસ કરતી બિજલ અત્યાર સુધીમાં કુસ્તીમાં 3 નેશનલ રમી ચૂકી છે અને ખેલ મહાકુંભમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પણ હાંસલ કર્યો છે. ત્યારે ઇન્ટરનેશનલ ફલકને આંબવાની તૈયારીઓ વચ્ચે તેને પ્રેકટીસ માટે મળવાપાત્ર સુવિધા સરકાર તરફથી મળતી ન હોવાનો રંજ છે.  કુસ્તીના દાવપેચ શીખવનાર કનુભાઇ ડબગર કુસ્તીબાજોને પ્રેકટીસ માટે જરૂરી મેટ્સની છેલ્લા 3 વર્ષથી માંગણી કરી રહ્યા છે. ત્યારે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત તરફથી તેમને માત્ર  એક જ જવાબ મળે છે કે, નીતિ નિયમોને ધ્યાને લઇ અમે કુસ્તી માટે ગાદલા ફાળવી શકતા નથી. તેઓ કહે છે કે, ગાદલાના અભાવે પ્રેકટીસ દરમિયાન દીકરીઓ ઇજાગ્રસ્ત બનતી હોઇ અન્ય શાળામાંથી માગીને ગાદલા લાવીએ છીએ, જ્યારે કેટલીક વખત તેમને અખાડામાં લઇ જઇએ છીએ. જ્યારે વેઇટ લિફ્ટિંગના સાધનોના ના હોઇ મહિલા કુસ્તીબાજો એકબીજાને ઉઠાવીને બાવડા મજબૂત બનાવી રહી છે. કુસ્તીના અખાડામાં હવે દીકરીઓ પણ કાઠુ કાઢી રહી છે. ત્યારે મહેસાણાની સ્ટેટ અને નેશનલ કક્ષાએ મેડલ મેળવનારી મહિલા કુસ્તીબાજોનો એક જ સવાલ છે કે, અમને પ્રેકટીસ માટે જરૂરી સુવિધા ક્યારે મળશે ?