ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 23 ફેબ્રુઆરી 2016 (16:48 IST)

માતૃભાષાથી દૂર રાખવા એટલે માતાથી બાળકોને વિખૂટા રાખવા બરાબર છે

માતૃભાષાનો મહિમા જગતભરમાં છે. કમનસીબે આપણે ત્યાં ઘણાને માતૃભાષાની શરમ આવે છે. એમાંય અંગ્રેજીનું મહત્ત્વ એટલું વધતું જાય છે કે ઘણી માતાઓ પોતાના બાળકો સાથે અંગ્રેજીમાં બોલવામાં ગર્વ અનુભવે છે. પછી ભલે ને તેનું અંગ્રેજી સાંભળનારા માંડ હસવું ખાળી શકતા હોય. બાળકોને માતૃભાષાથી વંચિત કરવાં એ તેમને તેની માતાથી વિખૂટાં પાડવા જેટલું જ ખરાબ કામ છે. કમનસીબે વર્તમાન સમયમાં ઘણી ગુજરાતી માતાઓ જ એવું કામ કરી રહી છે. પોતાનું બાળક અંગ્રેજી નહીં શીખે તો પાછળ રહી જશે એવી અસલામતીથી બાળકને માતૃભાષાથી વંચિત કરવાની પ્રવૃત્તિ માતા-પિતાઓ જ કરે એ બહુ ગંભીર અને શરમજનક વાત છે.

આજના સમયમાં અંગ્રેજીનું જ્ઞાન જરૂરી બની રહ્યું છે પણ એ ભાષા જાણવા માટે આપણી માતૃભાષાને કોરાણે મૂકવી યોગ્ય નથી. પોતાની માતૃભાષા માટે શરમ અનુભવતા ઘેટાં જેવા છોકરાં-છોકરીઓને જોઇને તેમની દયા આવે છે. આવા ઘણાં છોકરાં-છોકરીઓની હાલત ધોબીના કૂતરાં જેવી થતી હોય છે. તેઓ અંગ્રેજીના ઓશિંગણ બની જાય છે અને પોતાની ભાષા સરખી બોલી શકતા નથી અને બિલકુલ લખી, વાંચી શકતા નથી.

માતૃભાષા બોલવાથી શરમાતા માણસોએ રસૂલ ‘હમઝાતોવની મારુ દાઘેસ્તાન’ વાર્તા વાંચવી જોઇએ. એ વાર્તાનો ગુજરાતીમાં અનુવાદ થયો છે. અનુવાદકનું નામ નથી યાદ આવતું, પણ એ વાર્તા અંગ્રેજી પ્રેમી ગુજરાતી માતાપિતાઓ અને વિદ્યાર્થીઓએ ફરજિયાત વાંચવા જેવી છે. એ વાર્તામાં બે સ્ત્રીઓ વચ્ચે ઝઘડો થાય છે અને વાત બહુ વણસી જાય છે ત્યારે એક સ્ત્રી ઉશ્કેરાઇને બીજી સ્ત્રીને કહે છે, જા હું તને શાપ આપું છું કે તારાં બાળકો તારી માતૃભાષા ભૂલી જાય!’

ગુજરાતનાં મોટા શહેરોમાં વસતી ગુજરાતી પ્રજાને પણ છેલ્લા કેટલાક દાયકાઓથી આ શાપ લાગી ગયો હોય એવું જણાય છે. હાલત એવી છે કે બાળકોને આપણી માતૃભાષા ના આવડતી હોય તો માતાપિતાઓ શરમાવાને બદલે કોલર ઊંચો કરીને કહે છે કે અમારા ચિંટુ ને કે પિંકીને તો ગુજરાતી વાંચતા પણ નથી આવડતું! પછી આવા ચિંટુ-મિંટુ અને પિંકી-ચિંકીંઓ ભેગા થાય ત્યારે આપસમાં પણ સાચા-ખોટા (સાચા ઓછા, ખોટા વધુ!) અંગ્રેજીમાં ભરડતાં હોય છે. રશિયન, જર્મન, ચાઇનીઝ, ફ્રેંચ કે જાપાનીઝ માણસો ભેગા થાય ત્યારે અચૂક પોતાની માતૃભાષામાં વાત કરશે, પણ અંગ્રેજીની આભા હેઠળ જીવતા ચિંટુ-મિંટુ ભેગાં થયા હોય ત્યારે તેમને ગુજરાતીમાં બોલતાં શરમ આવે એવા દૃશ્યો મુંબઇમાં બહુ કોમન છે. ચાઇનીઝ, જાપાનીઝ, રશિયન, ફ્રેંચ, જર્મન નાગરિકોને અંગ્રેજી ના આવડતું હોય તો તેમને શરમ નથી આવતી અને તેમને તુચ્છકારની નજરે પણ નથી જોવાતા, પણ આપણી પ્રજાને અંગ્રેજી પ્રત્યે બહુ લાગણી છે. ક્યાંક વાંચ્યું હતું કે તમને તમારી માસી માટે ભલે બહુ લાગણી હોય પણ એથી તમારી માતાને પડતી ના મૂકવી જોઇએ. અંગ્રેજી માટે પ્રેમ હોય, અંગ્રેજી ભાષા અભ્યાસમાં કે ધંધામાં ઉપયોગી થવાની હોય તો એ શીખવી, પણ કોઇ ગન પોઇન્ટ પર એમ નથી કહેતું કે તમે તમારી માતૃભાષાને કોરાણે મૂકી દો. જગતના કેટલાય દેશની પ્રજા એવી છે જેમને સમ ખાવા પૂરતાં અંગ્રેજીના પાંચ શબ્દો નથી આવડતા. અને એ દેશોના માણસો પોતાના દેશમાં કરોડપતિ કે અબજોપતિ બનીને જીવે છે.