શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 20 નવેમ્બર 2014 (17:14 IST)

માથામાંથી જુ, ખોડો અને તેલ માલીસ કરતો કાંસકો

રોજ સવારે માણસ માથામાં કાંસકો ફેરવીને જુદી જુદી હેર સ્ટાઈલ બનાવે છે. હેર સ્ટાઈલ બનાવવા માટે કાંસકો અતિ મહત્વનું સાધન છે. હાલમાં કાંસકી પ્લાસ્ટીકની કે મેટલની જોવા મળે છે. પરંતુ વર્ષો પહેલાં સીસમના લાકડાંમાંથી કાંસકી બનાવી હેર સ્ટાઈલ કરવામાં આવતી હતી. સિસમના લાકડામાંથી બનાવેલી કાંસકીથી કરેલી હેર સ્ટાઈલ સારી થવા ઉપરાંત સાયન્ટીફીક્ટ રીતે પણ ઉપયોગી હતી. પરંતુ હાલમાં આવી કાંસકીનો ઉપયોગ ભુલાતા તેને બનાવનારા કલાકારો પણ ઘટી ગયાં છે. હાલ ભારત ભરમાં સીસમના લાકડા પર કસબ અજમાવી કાંસકી બનાવતા એક માત્ર કલાકાર બચ્યા છે. સુરતના પ્રદર્શનમાં આવેલા આ કલાકાર પોતાની કલાને આગળ વધારવા માટે શિષ્યની શોધ કરી રહ્યાં છે.

હસ્ત કલામાં નિપુર્ણ એવા ભારત ભરના આદિવાસી કલાકારોને પ્રોત્સાહન આપવા માટે સુરતમાં કલાવારસો ઉત્સવનું આયોજન થઈ રહ્યું છે. કલા વારસો સંસ્થા દ્વારા આદિવાસી કલાકારો જેઓ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય ખ્યાતી મેળવી ચુક્યા છે તેવાને પ્રોત્સાહન આપવા માટે કામગીરી કરે છે. આ કામગીરીમાં પાલિકા પણ સહભાગી થઈને સાયન્સ સેન્ટરમાં કલા વારસો ઉત્સવ મેળાનું આયોજન કર્યું છે. સંસ્થાના હોદ્દેદારોએ જણાવ્યું છે કે, આ ઉત્સવમાં કેટલીક લુપ્ત થતી કલાઓઓના કારીગરો છે જેમાં એક કંગી આર્ટના કારીગર ઉજ્જેનથી આવ્યા છે તે ભારત ભરમાં એક માત્ર કલાકાર છે.

ઉજ્જેન કંગી મહોલ્લામાં રહેતા છગનલાલ વણઝારા અને તેમના પત્ની દુર્ગાબાઈ વણઝારા કહે છે, હવે લોકો સીસમની કાંસકીનો ઉપયોગ કરતાં ઓછા થયાં હોવાથી તેમની કલા સ્થગિત જેવી થઈ ગઈ છે. પરંતુ હાલમાં સરકાર અને કેટલીક સંસ્થાઓ દ્વારા આવી કલાને પ્રોત્સાહન મળે તે માટે મેળાનું આયોજન કરે છે તેથી અમને થોડી રાહત થાય છે.
છગનલાલ કહે છે, સીસમના લાકડાંમાંથી કાંસકી બનાવવાની કળા અઘરી છે અને ઘણી મહેનત માગી લે તેવી છે. આજના યુવાનો ઓછી મહેનતે વધુ પૈસા કમાવવા માટે તત્પર હોવાથી તેમની આ કળા શિખવા કોઈ તૈયાર થતું નથી. મારો ખુદનો દિકરો પણ નોકરી કરે છે પરંતુ આ કલાને આગળ વધારવા તૈયાર નથી. જો કોઈ અમારી કલાને શિખવા તૈયાર હોય તો આ કલા આગળ વધે તે માટે તેમને શિખવવા પણ તૈયાર છીએ.

કંગી આર્ટના કલાકાર છગનલાલે ડિઝાઈનર કાંસકી પણ તૈયાર કરી છે. આ ઉપરાંત એક સાથે અનેક ઉપયોગમાં આવે તેવી કાંસકી પણ બનાવે છે. એક કાંસકી એવી બનાવી છે જેના ઉપરના ભારે હોલ કરી તેમાં સીધું તેલ ભરી દેવાનું હોય છે. જે માણસે માંથામાં તેલ નાંખવા સાથે માલિસ પણ કરવું હોય તેણે માત્રા કાંસકી જ વાળમાં ફેરવવાની રહે છે. કાંસકીના દાતામાં પાડેલા ઝીણાં કાણા વાટે તેલ વાળના મુળ સુધી જાય છે સાથે સાથે જેટલી કાંસકી ફેરવે તેટલી માલીસ પણ થાય છે. આ ઉપરાંત અન્ય એક કાંસકી એવી બનાવી છે જેમાંથી માથામાંથી જુ કે લીખ નહીં પરંતુ ખોળો પણ નિકળી શકે છે.

આજની ફેશન પ્રમાણે પણ તેઓ કાંસકી બનાવે છે. મહિલાઓને મેક અપનો શોખ  છે. તેઓ પર્સમાં કાંસકી રાખે છે પરંતુ છગનલાલે ટુ ઈન વન કાંસકી  બનાવી છે. આ કાંસકીથી હેર સ્ટાઈલ કરવા સાથે તેનો ઉપયોગ બક્કલ તરીકે કરી વાળમાં પણ નાંખી શકે છે.