શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 16 એપ્રિલ 2014 (12:19 IST)

મેગાસિટી અમદાવાદમાં પાંચ લાખથી વધુ લોકો ૧.૭૫ લાખ ઝૂંપડાઓમાં જીવન ગુજારી રહ્યા છે

રાજયના અતિવિકસિત ગણાતા અમદાવાદમાં ગરીબોને પૂરતા પ્રમાણમાં સરકારી આવાસ પૂરા પાડવામાં આવ્યા હોવાના દાવાઓ વચ્ચે હજુ પણ મેગાસિટીમાં અંદાજે પાંચ લાખથી વધુ લોકો ૧.૭૫ લાખ ઝૂંપડાઓમાં જીવન ગુજારી રહ્યા છે. હજુ પણ આ ઝૂંપડપટ્ટીવાસીઓને જુદી જુદી યોજનાઓથી સરકારી ઘર મળ્યું નથી. રાજ્યનું સૌથી મોટું મહાનગર હજુ સ્લમ ફ્રી થયું નથી. શહેર પાસે લાખો ચોરસ વાર જમીન છે પણ આયોજન અને અમલીકરણની ફાઇલોમાં અટવાઇ છે.
 
અમદાવાદ શહેરને ગુજરાતમાં મેગાસિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. વિશ્વમાં સૌથી ઝડપી વિકસતા શહેરમાં અમદાવાદનો ત્રીજો નંબર છે. શહેરની મધ્યમાં આવેલા ધંધા રોજગારના સ્થળોએ ખુલ્લી જગ્યા જ નથી બચી. અહીં વેપાર કરતા લોકો પોતાના ધંધો કે રોજગાર હોય તે જ જગ્યાએ રહેવાનું પસંદ કરે છે. જુના શહેરમાં ઠેર ઠેર મોન્યુમેન્ટ આવેલ છે અને નવા નવા જી ડી સી આર મુજબ નાના રસ્તાઓને કારણે મકાનોની ઊંચાઈ અમુક હદ સુધી સીમિત થતા વિકાસ અટકી ગયો છે. ગુજરાત સરકાર શહેરી વિસ્તારોને સ્લમ્સ ફ્રી બનાવવા માટે ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતાં ગરીબ વર્ગના લોકોને સુવિધાયુકત સ્વચ્છ
 
વાતાવરણમાં રહેવા માટે પાકું મકાન મળે તે માટે યોજના જાહેર કરી હતી. શહેરમાંથી ઝૂંપડપટ્ટીની નાબૂદી એ આ યોજનાનો મુખ્ય આશય હતો. અમદાવાદમાં હાલ શહેરી ગરીબો ગણીએ તો ૫૦૫ જગ્યાએ ઝૂંપડપટ્ટીઓ આવેલી છે. શહેરમાં સ્લમ્સ વિસ્તારમાં રહેનારાઓની સંખ્યા આશરે ૧,૭૫,૦૦૦ છે. આ તમામ લોકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે. જવાહરલાલ નહેરુ નેશનલ અર્બન રીન્યુઅલ મિશન (જે.એન.એન. યુ. આર.એમ.) અંતગર્ત શહેરી ગરીબ આવાસ યોજનામાં ૧૮૯૭૬ આવાસોને મંજૂરી આપવામાં આવી હતી. શહેરને સ્લમ્સ ફ્રી બનાવવા માટે શહેરી ગરીબ આવાસ યોજના અમલી બનાવવા માટે બંધ પડેલી મિલોના વિસ્તારમાં આવાસો બનાવવાની માગણી ઊઠી રહી છે.
 
શહેરમાં બંધ મિલોની જગ્યા વેચાણ માટે આપવામાં આવે તો તેમાંથી ૨૦ ટકા જમીન પબ્લિક યુટિલિટી માટે લેવામાં આવતી હતી જે વધીને નવા જી ડીસી આર મુજબ ૪૦ ટકા થઈ ગઈ છે એટલે મનપાને પબ્લિક યુટિલિટી તરીકે ૪૦ ટકા આવી જમીન મળે તેવી જોગવાઈ કરવામાં આવી છે. શહેરમાં બંધ પડેલી મિલની લાખો વાર જમીન બિનઉપયોગી પડી રહી છે. અમદાવાદમાં મુખ્યત્વે જી.એસ.ટી. અને એન.ટી.સી.ની મિલો છે. તમામ મિલો શહેરના મધ્ય અને હાર્દસમા વિસ્તારમાં આવેલી છે. કામદારો લહેણી રકમ અને બીજા બોજાઓ ચૂકવીને કલેકટર અને રાજ્ય સરકાર દ્વારા એકવાયર કરવામાં આવે તો વીસ લાખવાર થી પણ વધુ જગ્યા મળી શકે તેમ હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યુ હતુ. જો આ જગ્યામાં રાજય અને કેન્દ્ર સરકારની મદદથી શહેરી ગરીબ આવાસ યોજનાના મકાનો બાંધવામાં આવે તો ૧,૦૦,૦૦૦થી પણ વધુ મકાનો બનાવી શકાય તેમ છે.
 
શહેરમાં ગરીબ આવાસ યોજનાના મકાનો બનાવવા માટે મનપા અને કલેકટર તેમ જ રાજ્ય સરકારના અધિકારી સાથેની એક સંયુકત મિટિંગ બોલાવી શહેરમાં બંધ મિલોની લાખો ચોરસ વાર જગ્યામાં શહેરી ગરીબ આવાસ યોજનાના મકાનો બનાવવાનો નિર્ણય લેવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવા તેમ જ તમામ બંધ મિલોનો સર્વે કરાવવાની રાજય સરકાર સામે માગણી ઊઠી રહી છે.