ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મોડાસા: , ગુરુવાર, 18 જૂન 2015 (16:50 IST)

મેઘરાજાએ મનમૂકીને વરસતાં વાતાવરણમાં ઠંડક

અરવલ્લી જિલ્લામાં કાળઝાળ ગરમી અને બફારાથી લોકો ત્રાહીમામ પોકારી ઊઠ્યા હતા. ગત સાંજના સમયે સમગ્ર જિલ્લામાં મેઘરાજાએ મનમૂકીને વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. મેઢાસણ પંથકમાં વાવાઝોડા સાથે સાંબેલાધાર વરસાદ ખાબક્યો હતો. મોડાસા શહેરમાં વરસાદથી શહેરના મુખ્યમાર્ગો અને સોસાયટી વિસ્તારોમાં જળબંબાકાર સ્થિતિનું નિર્માણ થયું હતું.

અરવલ્લી જિલ્લામાં ગત સાંજના સમયે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઊમટી પડ્યા હતા. જિલ્લામાં મેઘગર્જના સાથે વરસાદનું આગમન થઇ ધીમે ધીમે જોર પકડતાં સાંબેલાધાર વરસાદ તૂટી પડતાં ઠેર-ઠેર ગામડાઓમાં પાણી ભરાયા હતા. છેલ્લાં કેટલાક દિવસોથી કાળઝાળ ગરમી અને અસહ્ય બફારાથી વરસાદથી છૂટકારો મળતાં જિલ્લામાં ઠંડક પ્રસરી હતી.  જિલ્લામાં અન્ય વિસ્તારોમાં પણ વરસાદી છાંટા પડ્યા હતા.

મોડાસા શહેરમાં બપોર પછી આકાશમાં કાળા ડિબાંગ વાદળોએ જમાવટ કરી સાંજન સમયે વરસાદ તૂટી પડતાં ત્રણ કલાકની અંદર ૬૫ મીમી વરસાદ ખાબકતાં શહેરના મુખ્યમાર્ગો અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને  શહેરના મુખ્યમાર્ગો પર જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.

અંબાજી અને અમીરગઢમાં ગોરંભાયેલા વાદળો વરસી પડ્યા હતા. જયારે પાલનપુરમાં ઠંડા પવન સાથે વરસાદનું આગમન થયું હતું. મૂશળધાર વરસાદથી જાહેર માર્ગો ઉપર ઘૂંટણસમા પાણી ભરાઇ ગયા હતા. વરસાદી આગમનને લઇને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. અને રહીશો ભારે ઉકળાટમાંથી મુક્તિનો અહેસાસ કર્યો હતો.

વિસનગર શહેર અને તાલુકામાં વીજળીના કડાકા ભડાકા સાથે પડેલા ધોધમાર વરસાદને પગલે તાલુકાના ગોઠવા ગામના આથમણાવાસમાં આવેલ વડલાની નીચે વીજળી પડતાં વડલા નીચે રમતા ચાર બાળકોને ઇજાઓ પહોંચી હતી જેમાંથી એક ૧૪ વર્ષીય અનિલજી જ્યંતિજી ઠાકોર નામના બાળકનું િનપજ્યું હતું જ્યારે અન્ય એક બાળકને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે વિસનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત સુધારા ઉપર હોવાનું તબીબે જણાવ્યું હતું. જ્યારે અન્ય બે બાળકોને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાથી દવાખાને લાવ્યા ન હોવાનું જાણવા મળ્યું છે. 
છેલ્લા કેટલાયે દિવસના અસહ્ય ઉકળાટ બાદ અંબાજીમાં વાતાવરણ પલટાયું હતું. કાળાડિબાંગ વરસાદી વાદળો ગોરંભાઇ જવા સાથે એકાએક મેઘગર્જના સાથે વરસાદ તૂટી પડ્યો હતો. પોણો કલાક જેવી વરસાદી ઇનિંગને લઇ માર્ગો ઉપર ઘૂંટણસમા પાણી રેલાઇ ગયા હતા. એ સાથે જ પોલીસ મથક માર્ગ સહિત ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતા.
વરસાદી આગમનના પગલે વાતાવરણમાં આહલાદક ઠંડકની મોજ નગરજનો માણી હતી. ઉલ્લેખનીય છે કે, પ્રતિ વર્ષ બનાસકાંઠા જિલ્લામાં અંબાજીથી જ મેઘરાજાની શરૂઆત થાય છે. ત્યારે ખેડૂત વર્ગમાં પણ આંનદ છવાયો છે. જ્યારે અમીરગઢમાં પણ ભારે ઉકળાટ અને બફારાથી ત્રાહિમામ્ પોકારી ઉઠેલા લોકો વરસાદના આગમન બાદ ઠંડક પ્રસરી હતી. પાલનપુરમાં મોડી સાંજે સાત વાગ્યા પછી ઠંડા પવન સાથે વરસાદ વરસ્યો હતો.