શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 1 નવેમ્બર 2013 (16:25 IST)

મોદીએ છ ધારાસભ્યોને મંત્રી બનાવતા દિવાળીમાં સત્તાનો પ્રકાશ રેલાયો

P.R
લોકસભા ચૂંટણી અને વિઠ્ઠલ રાદડિયાના દબાણના પગલે આખરે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મંત્રીમંડળના વિસ્તરણનો નિર્ણય લઇને નવા છ રાજ્યકક્ષાના મંત્રીઓનો સમાવેશ કર્યો છે. જેમની શપથવિધિનો સમારંભ આજે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાયો હતો. રાજ્યપાલ કમલાજીએ નવ નિયુક્તજશવંતસિંહ ભાંભોર, દિલીપ ઠાકોર, છત્રસિંહ મોરી, જયેય રાદડીયા, વાસણભાઈ આહીર અને જયદ્રથસિંહ પરમારને ઇશ્વરના નામે ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.

શપથવિધિ સમારંભમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી. નોંધનીય છે કે, નરેન્દ્ર મોદી પર હુમલો થવાના જોખમને પગલે મહાત્મા મંદિર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. શપથવિધિ સમારંભમાં મંત્રી મંડળના સભ્યો ઉપરાંત બીજેપીના વરિષ્ઠ નેતા અમિત શાહ, પરસોત્તમ રૂપાલા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

મોદીએ વિઠ્ઠલ રાદડિયાના દબાણ સામે નમતું જોખીને તેમના પુત્ર જયેશનો મંત્રી મંડળમાં સમાવેશ કર્યો છે. તેઓ એકમાત્ર નવો ચહેરો છે બાકીના પાંચ ધારાસભ્યો અગાઉ પણ મંત્રીમંડળમાં રહી ચૂક્યા છે. વિસ્તારની દ્રષ્ટિએ પંચમહાલ, દાહોદ, ભરૂચ, પાટણ, રાજકોટ અને કચ્છ જિલ્લાને પ્રતિનિધિત્વ મળ્યું છે. લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને મધ્ય ગુજરાતના આદિવાસી વિસ્તાર ઉપર વધુ ફોક્સ કરાયું છે.

મુખ્યમંત્રી તરીકેના ૧૨ વર્ષમાં પ્રથમવાર તેમણે બે દિવસ અગાઉ મંત્રી મંડળ વિસ્તરણની સત્તાવાર જાહેરાત કરી છે. આ ઉપરાંત શપથવિધિના આગળના દિવસે નવનિયુક્ત મંત્રીઓના નામ પણ પહેલીવાર જાહેર કર્યા છે.

ભાજપના નેતાઓમાં અસંતોષ ખાળવાના ભાગરૂપે મોદીએ હોદ્દાઓની લહાણી શરૂ કરી છે. બોર્ડ નિગમોમાં નિમણૂક અને મંત્રીમંડળ વિસ્તરણનું કામ નિપટાવ્યા બાદ હવે સંસદીય સચિવોની નિમણૂક માટે પણ કવાયત તેજ બની હોવાની ચર્ચા ભાજપના વર્તુળોમાં ચાલુ થઇ છે. દિવાળી બાદ પાંચ જેટલા ધારાસભ્યોને સંસદીય સચિવ બનાવીને સાચવી લેવાય તેવી શક્યતા છે. આ ઉપરાંત બોર્ડ નિગમોમાં ચેરમેન-વાઇસ ચેરમેન અને અન્ય જગ્યાઓ ઉપર નિમણૂકનો બીજો દોર પણ શરૂ થઇ શકે છે.