શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: અમદાવાદ , શુક્રવાર, 29 માર્ચ 2013 (10:10 IST)

મોદીજી તમે અસાધારણ લીડર છો, અમેરિકામાં તમારું સ્વાગત છે - અમેરિકી સાંસદ

P.R

સાર્વજનિક રીતે અમેરિકી સરકાર ભલે નરેન્દ્ર મોદીથી દૂર રહેતી જોવા મળે,પણ હકીકતમાં મોદી તેમના માટે પણ એક જરૂરિયાત બની ગયા છે. એમા કોઈ શક નથી કે મોદીને વીઝા આપવાના નામ પર અમેરિકા દરેક વખતે અધૂરો જવાબ આપતુ હોય, પણ એ પણ સત્ય છે કે આર્થિક મંદીના આ સમયમાં મોદીની સામે નમતુ લેવા સિવાય તેમની પાસે બીજો કોઈ રસ્તો જ નથી. આજે અમેરિકી સાંસદોનું એક પ્રતિનિધિમંડળ મોદીને મળવા આવ્યુ છે. સૂત્રોના મુજબ આ મુલાકાત દરમિયાન અમેરિકી સાંસદે મોદીને ડાયનામિક તરીકે ઓળખાવવા ઉપરાંત તેમને અમેરિકા આવવાનું આમંત્રણ પણ આપી દીધુ. અત્રે એ ઉલ્લેખનીય છે કે અમેરિકાની વાર્ટન યુનિવર્સિટીએ મોદીને ભાષણ આપવા માટે બોલાવ્યા પણ વિરોધ પછી આ ભાષણ રદ્દ પણ કરી નાખ્યુ. અમેદ્રિકી નેતાઓ પહેલા બ્રિટિશ નેતાઓ પણ મોદી સાથેની મુલાકાતથી ભાવવિભોર થયા હતા.

ગુજરાતની વિકાસયાત્રાથી પ્રભાવિત થયેલા આ ડેલિગેશનના અમેરિકન કોંગ્રેસના ત્રણેય સાંસદ કેથી એમ. રોજર, આરોન શોક અને સુશ્રી સિન્થીયા લુમિસ એ સ્પષ્ટપણે ગુજરાતના વિકાસની વિશેષતાઓના સંદર્ભમાં અમેરિકા અને ગુજરાત વચ્ચેના પારસ્પરિક સંબંધો વધુ મજબૂત બનાવવા મુખ્યમંત્રી મોદીનું ગતિશીલ નેતૃત્વ આર્થિક વિકાસ દ્વારા જીવન સુધારણા માટે ઉપકારક બન્યું છે એમ જણાવ્યું હતું.

ભારતના પ્રવાસે આવેલા આ અમેરિકન ડેલીગેશને તેની પ્રવાસ યાત્રાનો પ્રારંભ ગુજરાતથી કર્યો હતો. મુખ્યમંત્રી મોદી સાથેની આ બેઠકમાં ગુજરાતના વિકાસની પ્રસ્તુતિ સાથે ધોલેરા સહિતના, કલ્પસર પ્રોજેકટ, દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર પ્રોજેકટ સહિત ગુજરાત માળખાકીય સુવિધા વિકાસ અને જનસુખાકારીની સાફલ્યગાથા નિહાળીને અમેરિકાના ડેલિગેશને નરેન્દ્ર મોદીના વિકાસ-વિઝનને પ્રેરણારૂપ ગણાવ્યું હતું.

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકન સાંસદોના નેતૃત્વમાં ગુજરાત આવેલા ડેલિગેશનને આવકારતાં જણાવ્યું કે આ એક મહત્વની વિરલ ધટના છે. વિશ્વમાં અમેરિકા સૌથી જૂની લોકશાહી છે અને ભારત સૌથી મોટી લોકશાહી છે. આ બંને દેશો લોકશાહીના માનવીય મૂલ્યો માટે પ્રતિબધ્ધ રહેલા છે. અને સાંપ્રત દુનિયામાં લોકતાંત્રિક સિધ્ધાંતોને સુદ્રઢ બનાવીને જ સંકટો અને પડકારોનો સામનો કરી શકાશે જેના માટે આપણે સાથે મળીને વધુ વ્યાપક ફલક ઉપર કામ કરવાનું છે.

મુખ્યમંત્રી મોદીએ જણાવ્યું કે માનવજાતની સુરક્ષા અને સલામતી સામેના પડકારરૂપ પરિબળોનો પ્રતિકાર ઉત્તરોત્તર વધતો રહયો છે. હું સમજું છું કે માનવતાવાદી મૂલ્યોમાં શ્રધ્ધા ધરાવનારી બધી જ શકિતઓએ એક થઇને લડવાનો સમય પાકી ગયો છે. આતંકવાદના સૌથી મોટા સંકટ સામેની લડાઇમાં માનવતાવાદી શકિતઓએ સંગઠ્ઠિત થવું જોઇએ. વૈશ્વિક સમાજ સામે બીજો મોટો પડકાર ગરીબી અને બેકારીનો છે. જે ધણી મોટી જનસંખ્યાને સીધો સ્પર્શે છે. આ ઉપરાંત વર્તમાન માનવ સમાજ અને ભાવિ પેઢીઓના કલ્યાણ માટે પર્યાવરણ રક્ષાનો મૂદો પણ અગત્યનો છે એમ તેમણે જણાવ્યું હતું અને ઉમેર્યું કે માનવસમૂદાયોના વ્યાપક કલ્યાણકારી હિતોની જાળવણી માટે લોકતાંત્રિક પ્રક્રિયાને વધુ મજબૂત કરવાની છે. મહાત્મા ગાંધી માનવજાતના કલ્યાણની યાત્રામાં દીવાદાંડી સમાન છે એવી ભૂમિકા સાથે મુખ્યમંત્રી મોદીએ જણાવ્યું કે ગુજરાત તો મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ છે અને ગાંધીજીના આદર્શોના પગલે ગુજરાતના લોકો માનવ કલ્યાણના પથ ઉપર જ આગળ વધી રહયા છે.

ગુજરાતીઓ ગ્લોબલ કોમ્યુનિટી છે અને પોતાના સંસ્કાર-મૂલ્યોના કારણે વિશ્વભરમાં પ્રેમ અને આદર મેળવી રહયા છે તેનો નિર્દેશ કરી મુખ્યમંત્રી મોદીએ જણાવ્યું કે ગુજરાત પોતાના આદરભાવનો સાક્ષાત્કાર પણ સમગ્ર દુનિયાને કરાવવા આતુર છે. પરસ્પરના સ્નેહ અને લાગણીના આ વ્યવહાર-વિનિયોગથી જ રચનાત્મક બળોને એક પ્લેટફોર્મ પ્રાપ્ત થશે.

આ ડેલિગેશન દિલ્‍હીમાં બીજી એપ્રિલે તેઓ લોકસભામાં વિપક્ષ નેતા સુષ્‍મા સ્‍વરાજને મળશે. તે જ દિવસે તેઓ ભાજપના વરિષ્‍ઠ નેતા લાલકૃષ્‍ણ અડવાણીને બપોર પછી મળશે. રાત્રે દિલ્‍હીની અશોક હોટેલમાં ડીનર પાર્ટી યોજાશે જેમાં ભાજપના રાષ્‍ટ્રીય પ્રમુખ રાજનાથસિંહ સહિત પક્ષના ટોચના નેતાઓ હાજર રહેશે.

ઉલ્લેખનીય છે કે 2002ના કોમી રમખાણમાં મોદીની ભૂમિકાને લઈ યૂએસ તેમને વિઝા આપવાની ના પાડતું રહ્યું છે, પરંતુ હવે મોદીની વધતી લોકપ્રિયતા વચ્ચે અમેરિકાના વલણમાં બદલાવ જોવા મળી રહ્યો છે.