શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 26 ડિસેમ્બર 2013 (10:47 IST)

મોદીને હટાવવા જંગે ચડેલા નેતાઓની સ્થિતિ કફોડી

P.R
દેશના ભાવિ વડા પ્રધાનપદના ઉમેદવાર અને રાજ્યના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની શાસન ધૂરાએ હેટ્રિક સર્જ્યા સુધી મોદીને હટાવવા માટે અનેક બળવા થયા, જે ક્યારેય સફળતામાં પરિણમી શક્યા નહીં. મોદીને દૂર કરવા જતાં કેટલાક બળવાખોર નેતાઓની કારકિર્દી પૂરી થઇ ગઇ, કેટલાક ભાજપમાં પાછી ફરી ગયા તો કેટલાકનું અસ્તિત્વ જોખમમાં આવી ગયું છે. ભાજપના કેટલાક વલ્લભ કથીરિયા, સુનિલ ઓઝા, રાકેશ રાવ સહિતના બળવાખોર નેતાઓ કે ધારાસભ્યો નીચી મૂંડીએ પક્ષમાં પાછા ફર્યા છે. તાજેતરમાં ભાજપમાં જોડાયેલા પટેલ પુત્ર ભરત પટેલ પણ તેનું જીવંત ઉદાહરણ છે. બળવાખોર નેતાઓની યાદીમાં રાજ્યના ચાર ભૂતપૂર્વ મુખ્યપ્રધાનોને મોખરે મૂકી શકાય. કેશુભાઇ પટેલ, શંકરસિંહ વાઘેલા, સુરેશભાઇ મહેતા અને દિલીપ પરીખ.

કેશુભાઇ પટેલઃ ભાજપને ગુજરાતમાં મોટો બનાવનાર કેશુભાઇ સત્તા પર આવ્યા ત્યારે તેમની સામે પણ બળવો થયો હતો. સામે પડેલા જૂથે સત્તા ઊથલાવી અને બાપાને ગાદી છોડવી પડી. ત્યાર બાદ મોદી સત્તારૃઢ થયા. મોદીની એકહથ્થુ કામગીરી કરવાની પદ્ધતિને કારણે અનેક બળવાખોર ઊભા થયા અને સૌરાષ્ટ્ર લોબી તરફથી કેશુભાઇ પટેલે મોદી સામે ખુલ્લમખુલ્લા મોરચો માંડ્યો. પક્ષમાંથી રાજીનામું આપ્યું અને ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના કરી, પરંતુ વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં તેમનો પક્ષ માત્ર બે બેઠક મેળવી શક્યો. જીપીપીનું અસ્તિત્વ હાલકડોલક થઇ ગયું. જેમણે પક્ષને મજબૂત કર્યો એ જ કેશુભાઇ હવે નબળા પડી ગયા.

સુરેશ મહેતાઃ પક્ષના પૂર્વ મુખ્યપ્રધાન સુરેશ મહેતા મોદી બળવાખોરોની યાદીમાં મોખરે છે. કેશુભાઇ સામે બળવો કરીને સત્તા મેળવવામાં તેઓ શંકરસિંહ વાઘેલાની સાથે હતા. અચાનક ખજૂરાહકાંડ બાદ સુરેશ મહેતા અને કેશુબાપા સાથે થઇ ગયા. મોદી સામે લડ્યા અને હંમેશ માટે તેમની સેફ ગણાતી બેઠક ગુમાવી. મજપામાં સક્રિય રહેલા સુરેશ મહેતા જીપીપીમાં જોડાયા બાદ નિવૃત્તિ જેવો સમય ગાળી રહ્યા છે.

દિલીપ પરીખઃ કેશુભાઇ સામે સત્તા પરિવર્તન દરમિયાન મોટો ફાળો ભજવી ગયેલા ખજૂરિયાકાંડના મુખ્ય કર્તા દિલીપ પરીખ આજે માત્ર હોદ્દા અને નામ સાથે ગુજરાતના રાજકારણમાં કાગળ ઉપર ચિતરાઇ રહેવામાં સફળતા મેળવી શક્યા છે. મોદીના શાસન બાદ તેમની રાજકીય કારકિર્દી સંપૂર્ણપણે ખતમ થઇ ગઇ છે.

શંકરસિંહ વાઘેલાઃ એક સમયે સંઘના વફાદાર ગણાતા ચુસ્ત સૈનિક શંકરસિંહ વાઘેલાએ સત્તા હાંસલ કરવા માટે ખજૂરાહકાંડ રચ્યો અને કેશુભાઇને સત્તા પરથી ઊથલાવ્યા. ટૂંક સમય માટે મુખ્યપ્રધાનપદ ભોગવ્યું પણ મોદીના શાસન બાદ તેમની આ બળવાખોરી અસ્તિત્વ ટકાવી શકી નહીં અને પક્ષપલટો કરી મજપા નામના પક્ષની સ્થાપના કરી. તેમાં પણ અસફળ રહેતાં છેવટે કોંગ્રેસમાં જોડાવું પડ્યું. બાપુની રાજકીય કારકિર્દી અત્યારે પણ હાલકડોલક અને અસંતોષની દિશામાં આગળ વધી રહી છે.

વલ્લભ કથીરિયાઃ સૌરાષ્ટ્રના પટેલ રાજકારણમાં પ્રભુત્વ ધરાવતા વલ્લભ કથીરિયાએ સાંસદ તરીકે સારું એવું કાઠુ કાઢ્યા બાદ મોદી સામે બળવાખોરીમાં નામ નોંધાવીને છેલ્લે ગૌસેવા સમિતિમાં ગૌણ બનીને રહી જવું પડ્યું.

બાલુ તંતીઃ મોદી સામે વર્ષ ૨૦૦૭માં બળવો કરીને કોંગ્રેસમાં જોડાઇ જનારા બાલુ તંતી હારી ગયા હતા અને છેવટે કોંગ્રેસમાં ભવિષ્ય નહીં દેખાતા નીચી મૂંડીએ મૂછ ઊંચી રાખી ભાજપમાં જોડાઇ ગયા છે. હાલમાં તેઓ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવે છે.

બેચર ભાદાણીઃ એક સમયે સૌરાષ્ટ્રના રાજકારણમાં વર્ચસ્વ ધરાવનાર પૂર્વ કૃષિપ્રધાન બેચર ભાદાણી ધારાસભ્ય મટીને માત્ર બોર્ડ નિગમના હોદ્દા સુધી સીમિત રહીને બળવાખોરીનું પરિણામ ભોગવી રહ્યા છે.