શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 10 નવેમ્બર 2014 (17:07 IST)

મોબાઇલ ટોઇલેટ, શોભાના ગાંઠિયા જેવા

ગુજરાતમાં મહિલા સશક્તિકરણ અને ઘરે ઘરે શૌચાલયનું અભિયાન અવારનવાર ચલાવામાં આવતું હોય છે, પરંતુ અમદાવાદમાં ટ્રાફિક નિયમનની કામગીરી સાથે સંકળાયેલી ટ્રાફિક પોલીસની મહિલા કર્મચારીઓની હાલત શૌચાલય કે તેના વિકલ્પે મળતી સુવિધાઓના અભાવે બદતર છે.

મહિલા ટ્રાફિક પોલીસ માટે ખાસ મોબાઇલ ટોઇલેટની સુવિધા ઊભી કરવામાં આવી છે, પરંતુ તે પણ શોભાના ગાંઠિયા જેવી હાલત વચ્ચે પડી રહેતી હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે.

રાજ્યમાં મહિલા મુખ્ય પ્રધાન છે. શહેરમાં મહિલા મેયર અને મહિલા મ્યુ. કમિશનર છે ત્યારે મહિલા ટ્રાફિક પોલીસની કોઈ પણ સ્થળે ડયુટી હોય ત્યારે તેમણે પોતાની દૈનિક ક્રિયાઓ માટે ક્યાં જવું? આ પ્રશ્ર્ન આ મહિલાઓને પરેશાન કરી રહ્યો છે. જો કે આ માટે મોબાઈલ શૌચવાન ઉપલબ્ધ છે પણ આ મિસ્ટર ઈન્ડિયા જેવી અદૃશ્ય મોબાઈલ શૌચ વાન ક્યાંય દેખાતી નથી.

ખુદ મહિલા ટ્રાફિક પોલીસે પણ આ વાન ક્યારેય ઉપયોગ ન કર્યો હોવાનું જણાવે છે.

ટ્રાફિક સિગ્નલ પાસે સતત આઠ કલાકની ઓન ડયુટી પર રહેતી મહિલા ટ્રાફિક પોલીસ કર્મીની આ સમસ્યાનું હાલ અમદાવાદ પાસે કોઈ હલ ન હોવાનું જાણવા મળ્યું હતું.

આ અંગે શહેરના સિગ્નલ પર ફરજ બજાવી રહેલ મહિલા ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું કે અમારી આઠ કલાકની ઓન ડ્યુટીમાં ઓછામાં ઓછું ચારથી પાંચ વાર શૌચક્રિયા માટે જવું પડે પણ આ માટે કોઈ જ સવલત નથી. મોબાઈલ શૌચવાન હોય તો તે કોઈ દિવસ દર બે કલાકે અમારા ડ્યુટી પોઈન્ટ પર કદી હાજર થતી નથી. આઠ કલાકમાં પણ અમે આવી કોઈ વાન જોઈ જ નથી પણ અમારે જાતે જ ડ્યુટી પોઈન્ટની આસપાસની ઈમારતો કે મોલ કે એવી કોઈ જાહેર જગ્યાના ખાનગી શૌચાલયો નો ઉપયોગ કરવો પડે છે. ઘણા પોઈન્ટ પર તો અમામે ચાર પાંચ કિલોમીટર ચાલીને સારી જગ્યાએ આ ક્રિયાઓ માટે જવું પડે છે.

મહિલા ટ્રાફિક પોલીસે પોતાની વેદના ઠાલવતા જણાવ્યું હતુ કે મહિલાઓને ટ્રાફિક પોલીસ કે બીજા કોઈ પણ પોલીસ ખાતામાં જોડાતા પહેલાં એટલે જ વિચાર કરતા હશે કેમ કે મહિલાઓને જ્યારે કોઈ સિગ્નલ પર ટ્રાફિક પોલીસ તરીકે ફરજ પર મૂકો તો તમામ પાસાંઓને વિચારી તેમને જોઈતી સવલતો પણ ઉપલબ્ધ કરાવી જોઈએ. આ સાવ સીધો પ્રશ્ર્ન કેમ કોઈની નજરે નથી પડતો? આવા પ્રશ્ર્ન ઉઠાવીને તેમણે પોતાનો બળાપો ઠાલવ્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે મોબાઈલ શોચાલય વાન મહિલા ટ્રાફિક પોલીસ માટે છે તો ખરા પણ દર બે કે ત્રણ કલાકે તમામ મહિલા પોલીસ કર્મીઓના ડ્યુટી પોઈન્ટ પર પહોંચતી નથી અને આ અંગે કોઈ રેકોર્ડ પણ ઉપલબ્ધ નથી.