ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 2 મે 2014 (12:11 IST)

રાજકોટના મતદારોએ મત આપીને બાવન વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો

સૌરાષ્ટ્રના મુખ્ય નગર રાજકોટ શહેર અને જિલ્લાના મતદારોએ આઝાદી બાદ પહેલી વાર લોકસભાની ચૂંટણીમાં વિક્રમી ૬૩.૬૩ ટકા જેટલું મતદાન કરીને નવો જ રેકોર્ડ નોંધાવ્યો હતો. રાજકોટ લોકસભા બેઠકના ટંકારામાં સૌથી વધુ ૬૫.૫૩ ટકા અને સૌથી ઓછું રાજકોટગ્રામ્ય વિસ્તારમાં ૫૯.૬૮ ટકા જેટલું મતદાન થયું હતું. મતદાન પૂરું થવાના એક કલાકમાં જ ૧૨ ટકા જેટલું ઊંચું મતદાન થતા સરેરાશ મતદાનનો આંકડો ૬૩ ટકાને પણ પાર કરી ગયો હતો.

ગુરુવારે સવારે મળેલા અહેવાલ મુજબ રાજકોટ લોકસભા બેઠકનું મતદાન ૬૩.૬૩ ટકા થયું છે. જોકે આ આંકડો અંદાજે હોવાથી તેમાં વધઘટની પૂરી શક્યતા છે.

કલેક્ટર કચેરીના સૂત્રોના જણાવ્યા અનુસાર ૧૯૬૨ની લોકસભાની ચૂંટણીમાં રાજકોટ બેઠક ઉપર ૬૨.૧૭ ટકા જેટલું મતદાન થયું હતું જે રેકોર્ડ ૨૦૦૯ની ચૂંટણી સુધી તૂટ્યો નહોતો. પરંતુ ગઈ કાલે થયેલા મતદાનથી આ રેકોર્ડ પણ તૂટ્યો હતો. છેલ્લે ૨૦૦૯ની ચૂંટણીમાં ૪૭.૮૫ ટકા જેટલું નીચું મતદાન થયું હતું જેમાં આ વખતે ૧૭ ટકા જેટલો વધારો નોંધાયો હતો. બુધવારે પાંચ વાગ્યા સુધી રાજકોટ બેઠકનું મતદાન માત્ર ૫૧.૭૪ ટકા જેટલું જ હતું પરંતુ છેલ્લા એક કલાકમાં મતદારોએ તેમાં ૧૨ ટકાનો તોતીંગ વધારો કરીને જબરો ઉત્સાહ બતાવ્યો હતો.

રાજકોટ લોકસભા બેઠક ઉપર કુલ ૧૬,૫૫,૨૧૯ મતદારોમાંથી ૧૦,૫૩,૨૬૮ મતદારોએ મતદાન કર્યું હતું. દર વખતની જેમ આ વખતે પણ મતદાનમાં મહિલાઓ પાછળ રહી હતી.

મહિલા કરતા પુરુષ મતદારોનું મતદાન ૧ લાખ ૩૩ હજાર વધારે રહ્યું હતું. મતદાનમાં સૌથી ટોપ પર ટંકારા રહ્યું હતું. અહીં ૬૫.૫૩ ટકા અને રાજકોટ ગ્રામ્ય ૫૯.૬૮ ટકા સાથે સૌથી નીચે રહ્યું હતું. હવે ૧૫મી સુધી ઇવીએમ મશીન સીલબંધ રહેશે. ૧૬મીએ મતગણતરી સાથે જ જંગી મતદાનનું રહસ્ય ખૂલશે.

રાજકોટ લોકસભા બેઠક હેઠળ આવતી વિધાનસભા મત વિસ્તાર મુજબ મતદાનની ટકાવારી જોઈએ તો ટંકારામાં ૬૫.૫૩ ટકા, વાંકાનેરમાં ૬૪.૧૪, રાજકોટ-૧માં ૬૪.૦૬ ટકા, રાજકોટ-૨માં ૬૪.૯૩ ટકા, રાજકોટ-૩માં ૬૪.૫૮ ટકા, રાજકોટ ગ્રામ્યમાં ૫૯.૬૮ ટકા અને જસદણમાં ૬૨.૭૨ ટકા મતદાન થયું હતું.