ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: રાજકોટ , શનિવાર, 22 જૂન 2013 (10:58 IST)

રાજકોટના યાત્રાળુઓ ઉત્તરાખંડથી સુરક્ષિત પરત ફર્યા

PTI
:

ઉતરાખંડમાં ભારે તબાહીને લીધે રાજકોટ સહીત દેશભરના હજારો લાખો શ્રદ્ધાળુઓ ફસાઈ ગયા હતા. અનેક લોકો મોતને ભેટ્યા હતા. પ્રકોપ સામે લડવા માટે અને લોકોને મોતના મુખમાંથી બચાવવા માટે તાકીદે તંત્ર દ્વારા કાર્યવાહી વેગવંતી બનાવી દીધી હતી. આ ફસાયેલા યાત્રાળુઓમાં રાજકોટનું પણ એક સંઘ ફસાયું હતું. રાજકોટથી સત્કારી યાત્રા સંઘમાં ૨૯ લોકો ચારધામની જાત્રા કરવા ગયું હતું. ત્યારે વચ્ચે પુર પ્રકોપ સર્જાતા આ સંઘના લોકો પણ ફસાઈ ગયા હતા. અને આ લોકોને કાશી પ્રયાગમાં વરસતા વરસાદમાં બસમાં ૩૬ કલાક વિતાવ્યા પડ્યા હતા. આગળ રસ્તા બંધ હોય, વરસતો વરસાદ હોય અને ટ્રાફિકજામ હોવાથી સતત દોઢ દિવસ આ લોકોને બસમાં વિતાવવો પડ્યો હતો. અને અંતે ગઇ કાલે સાંજે આ સંઘ દિલ્હી પોરબંદર ટ્રેન મારફતે રાજકોટ હેમખેમ પરત ફર્યું હતું.

રાજકોટથી ચારધામની જાત્રા કરવા માટે રાજકોટથી સત્કારી યાત્રા સંઘ હરિદ્વાર જવા માટે રવાના થયું હતું. રાજકોટથી સત્કારી યાત્રા સંઘમાં કુલ ૨૯ લોકો ટ્રેન મારફતે ગયા હતા. જેમાં પહેલા ચરણમાં આ સંઘના લોકોએ યમનોત્રી અને ગંગોત્રી બંને સ્થળોની યાત્રા સારી રીતે પૂર્ણ કરી હતી. ત્યારબાદ તારીખ ૧૪નાં રોજ આ સંઘના લોકો ગુપ્ત કાશીથી કેદારનાથ જવા રવાના થયા હતા. કેદારનાથમાં પણ શાંતિપૂર્ણ રીતે દર્શન કરીને ત્યાંથી સાંજે પરત ફરતા હતા, ત્યારે રસ્તામાં જ વરસાદ, તોફાની પવનો અને ઠંડીનું જોર શરુ થઇ ગયું હતું. જેનાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઠંડીમાં ધ્રુજતા ધ્રુજતા લોકો ગુપ્ત કાશીથી પરત ફર્યા હતા. ત્યાંથી આ યાત્રાસંઘ બદ્રીનાથ જવા અંતે રવાના થયો હતો. આ લોકો જયારે જોશી મઠ પાસે પહોચ્યા ત્યારે જ રસ્તાઓ બંધ થઇ ગયા હતા. ઉપરથી ભેખડો પડતી હતી અને વરસાદ પુરજોશમાં ચાલુ થઇ ગયો હતો. જેથી ભયંકર ટ્રાફિકજામ થયો હતો. રાજકોટના ૨૯ લોકોને બસમાંને બસમાં સતત ૩૬ કલાક સુધી બેસી રહેવું પડ્યું હતું.

૩૬ કલાક બાદ રસ્તો આગળ ખુલતા જ ટ્રાફિકજામ મહ્દઅંશે હળવો થઇ ગયો હતો. પરંતુ મોટી બસો કે મોટા વાહનો નીકળી શકે તેમ ન હોવાથી આ યાત્રાસંઘના ૨૯ લોકો મીની જીપ દ્વારા હરિદ્વાર પહોચ્યા હતા અને હરિદ્વારથી દિલ્હી પહોંચીને દિલ્હી - પોરબંદર ટ્રેન મારફતે રાજકોટ હેમખેમ પહોચ્યા હતા અને રાહતનો શ્વાસ લીધો હતો. આ લોકો મોતના મુખમાંથી પરત ફર્યા હોય તેવો અનુભવ કરતા હતા તે માહોલ અને તે સમય એક વખત વિચારવાથી પણ અત્યારે આ યાત્રાળુઓ ધ્રુજી ઉઠે છે. આવા તો અનેક લોકો હજુ સુધી આ પૂર્ણ પ્રકોપમાં ફસાયેલા છે તેવું પણ આ યાત્રાસંઘના લોકોએ જણાવ્યું હતું.