ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 2 મે 2014 (12:15 IST)

રાજ્યમાં કુલ મતદાન ૬૩.૩૧ ટકાઃ ૨,૫૬,૮૯,૮૮૭ લોકોએ આપ્યો મત

ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકોની ચૂંટણી સંપન્ન થયા બાદ ચૂંટણી પંચે ક્યાં કેટલા ટકા મતદાન થયું એના સત્તાવાર આંકડા બહાર પાડ્યા છે. જે મુજબ રાજ્યમાં સૌથી વધુ મતદાન બારડોલીની બેઠક પર ૭૪.૫૯ ટકા થયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન પોરબંદરની બેઠક ઉપર ૫૨.૩૧ ટકા થયું છે. રાજ્યમાં કુલ મતદાન ૬૩.૩૧ ટકા થયું છે. જે રેકર્ડબ્રેક કહેવાય છે.

ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં સૌથી વધુ મતદાન બારડોલી (એસટી)ની બેઠક ૭૪.૫૯ ટકા થયું છે. જે અગાઉ યોજાયેલી ચૂંટણીઓ કરતાં સૌથી વધુ મતદાન છે. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે કેન્દ્રીય પ્રધાન ડો. તુષાર ચૌધરી અને ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવા વચ્ચે રસાકસીભર્યો જંગ બન્યો હતો. પણ આદિવાસી વસતિ ધરાવતા આ બેઠક પર વધુ મતદાન થતાં મતદારોએ કળશ કોના પર ઢોળ્યો છે તે તો તા. ૧૬મી મેના પરિણામના દિવસે જ જાણી શકાશે. આ ઉપરાંત ભરૂચની બેઠક ઉપર ૭૪.૫૪ ટકા મતદાન થયું છે જે પણ રેકર્ડબ્રેક કહેવાય છે. આ બેઠક કોંગ્રેસને અપાવવા તેના દિગ્ગજ નેતા અહેમદ પટેલે સારી એવી જહેમત ઉઠાવી હતી. પણ વધુ મતદાન થતાં રાજકીય ગણિતો અવળા પડે છે કે સવળા તે પરિણામના દિવસે જ જાણી શકાશે. કચ્છની અનામત બેઠક પર ૬૧.૪૪ ટકા મતદાન થયું છે. કચ્છની લોકસભાની ચૂંટણીની સાથે આ વિસ્તારમાં જ આવતા અબડાસા અને રાપર બેઠકની વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. લોકસભા ક્ષેત્રમાં આવતા બંને બેઠકો પર ઊંચું મતદાન થયું હોવાથી કોને ફાયદો કે નુકસાન કરાવશે તે પરિણામના દિવસે જ ખબર પડશે. રાજ્યની અન્ય બેઠકો પર જે મતદાન થયું તેમાં બનાસકાંઠામાં ૫૮.૨૯ ટકા, પાટણમાં ૫૮.૩૬ ટકા, મહેસાણા ૬૬.૬૩, સાબરકાંઠા ૬૭.૩૦, ગાંધીનગર ૬૫.૧૦, અમદાવાદ પૂર્વ ૬૧.૨૬, અમદાવાદ પશ્ર્ચિમ ૬૨.૬૪, સુરેન્દ્રનગર ૫૬.૭૦, રાજકોટ ૬૩.૫૯, પોરબંદર ૫૨.૩૧, અમરેલી ૫૪.૨૧, ભાવનગર ૫૭.૨૭, આણંદ ૬૪.૬૩, ખેડા ૫૯.૩૦, પંચમહાલ ૫૮.૮૪, દાહોદ-એસટી ૬૩.૩૬, વડોદરા ૭૦.૫૭, છોટા ઉદેપુર ૭૧.૧૫, ભરૂચ ૭૪.૫૪, બારડોલી ૭૪.૫૯, સુરત ૬૩.૭૬, નવસારી ૬૫.૧૨ અને વલસાડમાં ૭૪.૦૯ ટકા મતદાન થયું હતું. આમ રાજ્યમાં લોકસભાની ચૂંટણીમાં ૬૩.૩૧ ટકા મતદાન થયું છે.

ચૂંટણી પંચના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યની ૨૬ બેઠકો ઉપર ૧૪૧૮૩૪૩૦ પુરુષો અને ૧૧૫૦૬૪૪૫૭ મહિલાઓએ મતદાન કર્યું હતું એટલે કે મહિલાઓ કરતા પુરુષો મતદાનમાં આગળ રહ્યા છે.