ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: બુધવાર, 4 સપ્ટેમ્બર 2013 (11:30 IST)

વણઝારા કેમ વિફર્યા?

અમિત શાહ ત્રણ જ મહીનામાં બહાર અને હું સાત વર્ષથી અંદર?

P.R


અમિત શાહ ત્રણ જ મહીનામાં બહાર અને હું સાત વર્ષથી અંદર?

...અને ઓછું હોય તેમ પાછા બીજા વધુ બે એન્કાઉન્ટરમાં 'ફીટ'

મોદીના માનીતા પૂર્વ ગૃહમંત્રી અમિત શાહ ત્રણ જ મહીનામાં બહાર આવી ગયાં અને વધુ એન્કાઉન્ટર કેસમાં ન ફસાય તેવા આયોજનો થયાં. પણ, વધુ બે એન્કાઉન્ટરમાં 'ફીટ' થતાં બહાર નીકળવાની સંભાવના ક્ષીણ બનતાં વણઝારા વિફર્યા છે. બીજી તરફ, ઈશરત એન્કાઉન્ટરમાં સાથી પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ સી.બી.આઈ.નું માનીને બહાર નીકળી ગયાં તેવા તબક્કે મોદીએ અંતર વધારતાં વણઝારાએ ખાનગી બાબતો જાહેર ન થાય તેની કાળજી લઈને લખેલા પત્રમાં 'ગર્ભિત ધમકી'ના અણસાર મળતા હોવાની ચર્ચા છે.

૨૦૦૨માં ગોધરા કાંડ બાદ મોદીને મારવા આવેલા આતંકીઓને ઠાર માર્યાના કથિત એન્કાઉન્ટરોના પોપડાં ખૂલતાં સૂત્રધાર તરીકે ડી.જી. વણઝારાની ૧૫-૩-૨૦૦૭ના રોજ ધરપકડ થઈ હતી. ધરપકડને છ વર્ષથી વધુ સમય વિતી ગયો છે અને સોહરાબ કેસ પછી વણઝારા 'તુલસી અને ઈશરત' એન્કાઉન્ટર કેસમાં પણ સપડાયાં છે. હવે સ્થિતિ એવી છે કે, વણઝારા આજીવન બહાર નીકળી શકશે તે કેમ તે સવાલ છે. વણઝારાએ મોદી સરકાર સામેના આક્રોશભર્યા પત્રમાં ગર્ભિત ધમકી આપ્યાની ચર્ચા પોલીસ તંત્રમાં શરૃ થઈ છે. પોલીસમાં એવી ચર્ચા સંભળાય છે કે, વિતેલા મહીનાઓમાં જે ઘટનાક્રમ બન્યો તેનાથી વણઝારાને મોદીની 'યુઝ એન્ડ થ્રો'ની નીતિનો અહેસાસ થયો છે.

એવી ચર્ચા છે કે, સોહરાબુદ્દીન કેસમાં અમિત શાહની જુલાઈ-૨૦૧૦માં ધરપકડ થઈ અને ત્રણ મહીનામાં ઓક્ટોબર-૨૦૧૦માં અમિત શાહ જામીન મેળવી બહાર નીકળી ગયાં. અમિત શાહ ગુજરાતમાં અવરજવર કરી શકે તે માટે એન્કાઉન્ટર કેસ ગુજરાતની બહાર ટ્રાન્સફર કરવાની ચાલબાજી સી.બી.આઈ.ને શિખવવામાં આવી અથવા તો સી.બી.આઈ.ની ચાલબાજીમાં પોતાનો લાભ જોઈ 'હા' ભણી દેવામાં આવી. એન્કાઉન્ટર કેસમાં નેતાઓને બચાવી લેવાના અને 'મોદીભક્તિ' કરી જેલમાં સબડવાનો વખત આવ્યાનો અહેસાસ થતાં તેજાબી અને ચોંકાવનારો પત્ર લખી વણઝારાએ પોલીસ તંત્રને અલવિદા કરવાનો સત્તાવાર પત્ર લખ્યો છે. જો કે, આઈ.પી.એસ. વણઝારાનું રાજીનામું કેન્દ્ર સરકાર સ્વિકારશે? તેવો સવાલ પોલીસમાં ચર્ચાનું કેન્દ્ર છે.

પોલીસમાં એવી ચર્ચા છે કે, ઈશરત કેસમાં સી.બી.આઈ.ની વાત માનીને સાથી પોલીસ અધિકારી, કર્મચારીઓ વણઝારાને ફસાવીને બહાર નીકળી ગયાં. આવા તબક્કે દિલ્હીની દોટમાં પડેલાં મુખ્યમંત્રી મોદીએ અંતર વધારતાં વણઝારાએ મોદીને ૪૪૦ વોટનો ઝાટકો આપે તેવું આ પગલું ભર્યાની ચર્ચા છે. હાલમાં મોદી સરકારના 'નજીક'ના અધિકારીઓ એન્કાઉન્ટર કેસમાં જેલવાસ ભોગવતા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ પ્રત્યે સમાનભાવે મદદ કરવાના બદલે નિશ્ચિત લોકોનું જ ધ્યાન રાખતા હોવાની નારાજગી કારણભૂત છે? પોલીસ ખાતામાં એવી હળવી ચર્ચા છે કે, વણઝારા આસારામબાપુના ચૂસ્ત અનુયાયી રહ્યાં છે અને મોદીએ 'બાપુ'થી મોં ફેરવતાં છ વર્ષથી મૌન રહેલાં વણઝારાએ ઘટસ્ફોટ કર્યાની ચર્ચા છે. જાણકારો કહે છે કે, અમિત શાહની ફરી ધરપકડ ટાળવા માટે સોહરાબ અને તુલસી કેસ ક્લબ કરાયા તેનાથી વણઝારા, અભય ચુડાસમા, વિપુલ અગ્રવાલ સહીતના અધિકારીઓ કાયદાની નાગચૂડમાં બરાબર ફસાયા છે.

વણઝારાએ જેલમાં વર્ષો વિતાવ્યા બાદ 'આત્માનો અવાજ' સાંભળી મોદીની 'યુઝ એન્ડ થ્રો'ની નીતિ સામે બંડ પોકાર્યું છે. કેસ ગુજરાત બહાર જવાથી વણઝારા ફફડી ઉઠયા છે કે એન્કાઉન્ટર કેસમાં પોલીસ તંત્રના મોદી સરકાર દ્વારા દુરૃપયોગની પોલીસ બેડાની લાગણી વ્યક્ત કરી 'હીરો' બનવાની ચેષ્ટા છે? એવું પણ ચર્ચાય છે કે, વણઝારાનું કોઈ પગલું ગણતરી વગરનું હોતું નથી. પોલીસ તંત્રમાંથી રાજીનામું અને પત્ર પાછળનો હેતુ તો સમય આવ્યે જ સમજાશે.